Loading...

રાજકોટમાં પતિએ છરીના 5 ઘા મારી પત્નીને પતાવી દીધી:4 વર્ષ પહેલા લવમેરેજ થયા હતા

રાજકોટમાં ગુનાખોરી અટકવાનું નામ નથી લઈ રહી. શહેરમાં વધુ એક સંબંધોની હત્યાનો બનાવ સામે આવ્યો છે. રવિવારે શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતિએ જ પત્નીને છરીના 5 ઘારી હત્યા નિપજાવતા ચકચાર મચી છે. દૂધસાગર રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડ, શેરી નંબર 10 ખાતે આવેલા એક મકાનમાં બન્યો હતો. 27 વર્ષીય નિલેશ્વરી બોરીચા નામની પરિણીતાની તેના જ પતિ યોગેશ બોરીચા દ્વારા છરીના 5 જેટલા ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં જ થોરાળા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આરોપી પતિ યોગેશની શોધખોળ હાથ ધરી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ પારિવારિક ઝઘડા એટલે કે ઘરકંકાશ હોવાનું જાણવા મળ્યું છે.

નિલેશ્વરી અને યોગેશના ચાર વર્ષ પૂર્વે લગ્ન થયા હતા

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર, મૃતક નિલેશ્વરી અને આરોપી યોગેશના લગ્ન આશરે 4 વર્ષ પૂર્વે થયા હતા. નિલેશ્વરી મૂળ અમદાવાદની રહેવાસી છે. પાંચ વર્ષ પૂર્વે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram ના માધ્યમથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. પરિચય ગાઢ બનતાં તેમની વચ્ચે મિત્રતા અને ત્યારબાદ પ્રેમસંબંધ બંધાયો હતો. આખરે, બંને પરિવારોના રાજીપા સાથે નિલેશ્વરી અને યોગેશે લગ્ન કરીને પોતાનું નવું જીવન શરૂ કર્યું હતું. જોકે, તેમનું લગ્નજીવન લાંબુ સુખદ રહ્યું નહીં. લગ્નના થોડા સમય બાદ જ પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ શરૂ થઈ ગયા હતા.

ચાર દિવસ પહેલા નિલેશ્વરી પતિનું ઘર છોડી બહેનપણીના ઘરે રહેવા જતી રહી હતી

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે પતિ યોગેશ બોરીચા કંઈ કામ-ધંધો કરતો ન હતો, જેના કારણે પરિવારમાં આર્થિક સંકડામણ રહેતી હતી. આ ઉપરાંત, યોગેશને નશો કરવાની પણ ખરાબ ટેવ હતી. આ બંને કારણોસર પતિ-પત્ની વચ્ચે અવારનવાર તીવ્ર ઝઘડાઓ થતા રહેતા હતા. આ ઘર કંકાસ એટલો વધી ગયો કે રાજકોટના ભગવતી પરા વિસ્તારમાં આવેલી બોરીચા સોસાયટીમાં પોતાના સાસરીયામાં રહેતી નિલેશ્વરીએ છેલ્લા 4 દિવસથી પોતાના પતિનું ઘર છોડી દીધું હતું. તે દૂધસાગર રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતી તેની બહેનપણી જલ્પાના ઘરે રહેવા જતી રહી હતી.

બહેનપણીના ઘર પર જ પતિએ પહોંચી હત્યા નિપજાવી

રવિવારે સવારના આશરે 12:30 વાગ્યાના અરસામાં યોગેશ બોરીચા પોતાની પત્ની નિલેશ્વરી જે જગ્યાએ રોકાઈ હતી, તે તેની બહેનપણી જલ્પાના ઘરે પહોંચ્યો હતો. ઘરમાં આવતાની સાથે જ પતિ-પત્ની વચ્ચે ફરી ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. આ ઝઘડાએ એટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું કે ઉશ્કેરાયેલા યોગેશે પોતાની પાસે રહેલી છરી કાઢી અને 5 જેટલા ઘા પોતાની પત્ની નિલેશ્વરીને ઝીંકી દીધા. લોહીલુહાણ હાલતમાં નિલેશ્વરી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. પત્ની પર જીવલેણ હુમલો કર્યા બાદ આરોપી યોગેશ સ્થળ પરથી તરત જ ફરાર થઈ ગયો હતો.

સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ પણ કારગર ન નિવડી

ઘટના બન્યા બાદ નિલેશ્વરીની બહેનપણી જલ્પા દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ગંભીર ઈજાઓને કારણે નિલેશ્વરીની હાલત નાજુક હતી. જ્યાં હોસ્પિટલ ખાતે તબીબો દ્વારા તેની સઘન સારવાર કરવામાં આવી રહી હતી, પરંતુ સાંજના આશરે 5:30 વાગ્યા આસપાસ સારવાર દરમિયાન તેણીનું કરૂણ મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. બનાવને પગલે પરિવાર સહિત સોસાયટીમાં ગમગીની છવાઈ ગઈ છે અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી

મૃતદેહનો કબજો લઈને પોલીસે તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ કરપીણ હત્યા સંદર્ભે થોરાળા પોલીસ સ્ટેશન ખાતે ફરાર આરોપી યોગેશ બોરીચા વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો દાખલ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે આસપાસના લોકોના નિવેદનો લેવાની તેમજ આરોપીને શોધવા માટે જુદી જુદી ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે.