Loading...

જોધપુરમાંથી ઝડપાયેલા 40 કરોડના ડ્રગ્સ કેસમાં ગુજરાત કનેક્શનની તપાસ ચાલુ:ડ્રગ્સ ફેક્ટરીમાંથી 6 પેડલરોને ઝડપી પાડ્યા

ગુજરાત ATSએ રાજસ્થાન પોલીસ સાથે જોધપુરમાં સંયુક્ત ઓપરેશન કરી 40 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. જોધપુરના સોઈંત્રા ગામમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી લઈ છ પેડલરોને ઝડપી લીધા છે. આ તમામની પૂછપરછ હાલ રાજસ્થાન પોલીસ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સ રેકેટ રાજસ્થાન અને ગુજરાત બંને રાજ્યમાં ચાલતુ હોવાનું સામે આવ્યું છે.

હવે તેમાં કોઈ ઇન્ટરનેશનલ માફિયાની સંડોવણી હતી કે નહીં તેની તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત રાજસ્થાન પોલીસને આ રેકેટમાં ગુજરાતના મોટા માથાની સંડોવણી હોવાની સંભાવના લગાતા તે દિશામાં તપાસ શરૂ કરી છે.

ડ્રગ્સ કેસના વોન્ટેડ આરોપી સહિત છ લોકોની ધરપકડ કરી
 
દક્ષિણ ગુજરાતમાંથી ઝડપાયેલા 40 કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસની તપાસ ગુજરાત ATSની ટીમ કરી રહી છે. ગુજરાત ATSની ટીમના ACP શંકર ચોધરીને બાતમી મળી હતી કે, આ કેસનો વોન્ટેડ આરોપી મોનુ ઓઝા હાલ રાજસ્થાન, જોધપુરના સોઈંત્રા ગામમાં છે. પોલીસે તેનું પાકું લોકેશન મેળવી તેને ઝડપી લેવા જુદી જુદી ટીમો રાજસ્થાન પહોંચી હતી. સોઈંત્રા ગામમાંથી પોલીસે મોનુને એક આખી ડ્રગ્સની ફેક્ટરી સાથે ઝડપી લીધો હતો. પોલીસે ડ્રગ્સ ફેક્ટરીમાંથી 40 કિલો લિક્વીડ એમડી ડ્રગ્સ પણ કબજે કર્યું હતું. સાથે મોનુના અન્ય પાંચ સાથીદારો ડુંગર સિંહ (ઉંમર 50), અલીમુદ્દીન (ઉંમર 58), ગોવિંદ સિંહ (ઉંમર 40), રણવિજય સિંહ (ઉંમર 50) તથા અઝીઝ ખાન (ઉંમર 48)ને પણ ઝડપી લીધા હતા.
 
ડ્રગ્સ ફેક્ટરીમાં ગુજરાતના મોટા માથાની સંડોવણીની આશંકા
 
હાલ આ કેસની તપાસ રાજસ્થાન પોલીસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ લોકો કેટલા સમયથી ફેક્ટરી ચલાવી રહ્યા છે, તેનો માસ્ટર માઇન્ડ કોણ છે, કોણે રોકાણ કર્યું છે, રો મટીરીયલ ક્યાંથી આવતું હતું અને તેઓ ડ્રગ્સ કોને સપ્લાય કરતા હતા. આ તમામ સવાલોના જવાબ મેળવવા કાર્યવાહી ચાલુ છે. જોકે, પ્રાથમિક તપાસમાં જ આ રેકેટ ગુજરાત અને રાજસ્થાન બે રાજ્યોમાં ચાલતું હોવાનું અને તેમાં ગુજરાતના મોટા માથાની સંડોવણી હોવાની વિગતો મળી રહી છે. આ ઉપરાંત ડ્રગ્સની ફેક્ટરી કેટલા સમયથી ધમધતી હતી અને કેટલું ડ્રગ્સ સપ્લાય કરી દેવામાં આવ્યું હતું તેની તપાસ પણ ચાલે છે.