Loading...

ભાવનગર ST બસના વર્કશોપમાંથી દારૂ ઝડપાયો:ગોડાઉન, વોશ એરિયા અને બસ ડ્રાઈવરોની પેટીમાંથી વિવિધ બ્રાન્ડની બોટલો મળી

ભાવનગર એસ.ટી. વર્કશોપમાંથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. નીલમબાગ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ દ્વારા વર્કશોપમાં રેડ કરવામાં આવતા આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ થયો હતો.

વર્કશોપના સ્ટોરેજ અને વોશરૂમમાંથી દારૂ છુપાવેલો મળ્યો

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, ST વર્કશોપના સ્ટોરેજ વિભાગ અને વોશરૂમ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. નીલમબાગ પોલીસના ડી-સ્ટાફની ટીમે બાતમીના આધારે આ રેડ કરી હતી અને મોટી માત્રામાં દારૂની બોટલો જપ્ત કરી હતી.

ડ્રાઈવરોની પેટીઓમાંથી દારૂ મળ્યો

આ સમગ્ર ઘટના અંગે જ્યારે STના ડેપો મેનેજરનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે એક ખુલાસો કર્યો હતો કે વર્કશોપમાં બસના ડ્રાઇવરોની અંગત વસ્તુઓ રાખવાની પેટીઓ હોય છે. પોલીસને દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો આ ડ્રાઈવરોની પેટીઓમાંથી જ મળી આવ્યો છે. ​હાલમાં પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂ કોનો છે? તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

બાતમી મળતા ડી સ્ટાફની ટીમે રેડ પાડીઃ DySp

આ બનાવ અંગે સિટી ડીવાયએસપી આર. આર. સિંધાલ એ જણાવ્યું હતું કે, આગામી 31st ડિસેમ્બર જે હોય જેના અનુસંધાને પ્રોહિબિશનની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે એસ.પી. ની સીધી દેખરેખ હેઠળ જે પોલીસ સ્ટેશનના જુદા-જુદા એરિયામાં સતત રેડ ચાલી રહી હતી. આે દરમિયાન જે નીલમબાગ પોલીસ સ્ટેશનનો જે પાનવાડી એસ.ટી. વર્કશોપ જે છે, ત્યાં આવી પ્રવૃત્તિ ચાલતી હોવાની જે બાતમી મળી હતી. જે અનુસંધાને ડી-સ્ટાફ પી.એસ.આઈ. અને તેની ટીમને આ એરિયામાં મોકલવામાં આવ્યા હતાં.

વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો જપ્ત કરી આરોપીઓની શોધખોળ

આ એરિયાના જે છે એસ.ટી. વર્કશોપની ગોડાઉન એરિયા, સ્ટોર વિભાગ, વોશ એરિયા તથા ડ્રાઇવરો જે ઊભા હોય તેની પેટીનું ચેકિંગ કર્યું હતું. આ ચેકિંગ અનુસંધાને ત્યાં બ્લેન્ડર, રોયલ સ્ટેગ, સિગ્નેચર, ઓલ્ડ મંક સહિતની બ્રાન્ડની જુદી-જુદી બોટલો કબજે કરવામાં આવી છે. પી.એસ.આઈ. અને એની ટીમ દ્વારા સર્ચ કામગીરી કરી પ્રોહિબિશનનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ બાબતે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે.