Loading...

સુરત મનપાની તમામ વીજળીની જરુરિયાત રિન્યુબલ એનર્જીથી પૂર્ણ કરવાનો પ્લાન:800 કરોડનો મહત્વકાંક્ષી રોડમેપ તૈયાર

સુરત, જે એક સમયે 'સૂર્યપુર' તરીકે જાણીતું હતું, તે હવે સાચા અર્થમાં 'સૂર્ય નગરી' બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. શહેરની સતત વધતી જતી વીજળીની જરૂરિયાતને પહોંચી વળવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2030 સુધીમાં 100% રિન્યુએબલ એનર્જી સ્રોતમાંથી વીજળી મેળવવાનો એક મહત્ત્વપૂર્ણ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ લગભગ 800 કરોડ ના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચનો અંદાજ છે, જે સુરતને ગુજરાત અને દેશનું પ્રથમ સોલાર સિટી બનાવશે. આ સફળતાથી મનપાને દર વર્ષે 326 કરોડ ના વીજ બિલની જંગી બચત થશે.

રિન્યુએબલ એનર્જી ઉત્પાદન 3 ગણું વધારવાની યોજના

હાલમાં સુરત મનપા 65 મેગાવોટ (MW) રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરી રહી છે. આગામી 5 વર્ષમાં એટલે કે 2030 સુધીમાં આ ઉત્પાદનને વધારીને 181 મેગાવોટ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે, જે વર્તમાન ઉત્પાદન કરતાં લગભગ 3 ગણું વધારે છે. શહેરના વિસ્તરણ અને નવા પ્લાન્ટ્સની જરૂરિયાતને કારણે વીજળીનો વપરાશ પણ વધવાનો અંદાજ છે. હાલમાં મહાનગરપાલિકા દર વર્ષે 37 કરોડ યુનિટ વીજળીનો ઉપયોગ કરે છે, જે 2030 સુધીમાં વધીને 80 કરોડ યુનિટ થઈ જશે.

સુરત મનપામાં સૌથી વધુ વીજ વપરાશ કરતા વિભાગ

વોટર સપ્લાય અને પમ્પિંગ સ્ટેશનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ

વીજળી બચાવવા નવી ટેક્નોલોજીનો સહારો મનપા દ્વારા વીજળીનો બિનજરૂરી વપરાશ રોકવા અને કાર્યક્ષમતા વધારવા માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે.

AI આધારિત સ્ટ્રીટલાઇટ: હાલની 20 વોલ્ટની LED લાઇટ્સને 12 વોલ્ટની પાવર સેવિંગ ટેક્નોલોજીમાં બદલવામાં આવશે. AI બેઝ્ડ ઓટોમેશન દ્વારા સૂર્યાસ્ત થતાં જ લાઇટ ચાલુ થશે અને સૂર્યોદય થતાં જ બંધ થશે, જેનાથી વીજળીનો દુરુપયોગ અટકશે.

એનર્જી ઓડિટ ફરજિયાત: મનપાના 50 થી વધુ પાવર લોડ ધરાવતા તમામ વિભાગો માટે એનર્જી ઓડિટ ફરજિયાત કરવામાં આવ્યું છે. વધુ વીજ વપરાશ કરતા જૂના પમ્પ અને મશીનરી બદલીને પાવર સેવિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

બેટરી સ્ટોરેજ સિસ્ટમ: હાલમાં રાત્રિ દરમિયાન સોલાર પ્લાન્ટનું ઉત્પાદન બંધ રહે છે. રાત્રિના સમયે પમ્પિંગ પ્લાન્ટ જેવી સતત ચાલતી યુનિટોને રિન્યુએબલ એનર્જીથી ચલાવવા માટે, દિવસ દરમિયાન ઉત્પન્ન થતી વધારાની વીજળીને બેટરી સ્ટોરેજ સિસ્ટમમાં સંગ્રહિત કરવામાં આવશે.

આ રોડમેપ હેઠળ મનપા રિન્યુએબલ એનર્જીમાં 800 કરોડ નું રોકાણ કરીને આગામી 5 વર્ષમાં સંપૂર્ણ 'આત્મનિર્ભર' બનવાની દિશામાં મક્કમતાથી આગળ વધી રહી છે. સુરતનો આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ અન્ય શહેરો માટે એક અનુકરણીય ઉદાહરણ બની રહેશે.

સુરત મનપા 2030 સુધઈમાં 100 ટકા રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરશે- મ્યુ. કમિશનર

મ્યુનિસપિલ કમિશ્નર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા રીન્યુબલ એનર્જીમાં સમગ્ર દેશમાં સૌપ્રથમ છે જે વર્ષ 2030 સુધી સો ટકા રીન્યુબલ એનર્જી નો ઉપયોગ કરશે .હાલમાં 28% જેટલો રિન્યુબલ એનર્જી નો ઉપયોગ સુરત મહાનગરપાલિકા કરી રહી છે વર્ષે અઢીસો કરોડથી વધુનો ખર્ચ સુરત મનપા કરી રહી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા 800 કરોડ નો ખર્ચ કરી સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના અલગ અલગ વિસ્તારોમાં વિન્ડ પાવર તથા સોલાર પાવર પ્લાન્ટ લગાવી રહી છે