રીક્ષા-બાઇક વચ્ચે ટક્કર બાદ ભીષણ આગ, CCTV:બ્રેક મારવા જતાં રિક્ષા પલટી, અંદર બેઠેલી મહિલા ફસાઈ જતાં જીવતી ભૂંજાઈ
અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલા કોસમડી ગામ નજીક આજે (12 ડિસેમ્બર) સવારના સમયે એક અત્યંત કરૂણ અકસ્માત સર્જાયો હતો. બાઇક અને રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં બંને વાહનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં રિક્ષામાં સવાર એક મહિલાનું જીવતી ભૂંજાઈ જવાથી કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યો છે. જેમાં અકસ્માતની ભયાનકતા સ્પષ્ટપણે જોવા મળે છે. CCTVમાં દેખાય છે કે, સૌથી પહેલાં બે ટુવ્હીલર વાહન એકબીજા સાથે ધડાકાભેર અથડાય છે. એ જ સમયે સામેથી એક ટ્રક આવે છે, અને ટ્રકની પાછળ એક રીક્ષા આવે છે. રીક્ષાચાલક બ્રેક મારવા જતાં કાબૂ ગુમાવી દે છે અને રીક્ષા પલટી મારી દૂર ફંગોળાઇ જાય છે. જ્યારે ટુવ્હિલર પણ ગળોટીયું ખાઇને ફેંકાય છે. રીક્ષા સાથેની આ જોરદાર ટક્કર બાદ અચાનક ભયાનક આગ ભભૂકી ઉઠે છે.
ટક્કર બાદ આગ ભભૂકી, એક મહિલા જીવતી ભૂંજાઇ
પ્રાથમિક માહિતી અનુસાર, અંકલેશ્વર-વાલિયા રોડ પર કોસમડી ગામ પાસે બાઇક અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અથડામણ બાદ તુરંત જ બંને વાહનમાં આગ ભભૂકી ઊઠી હતી.
આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે, રિક્ષામાં સવાર એક મહિલાને બહાર નીકળવાનો મોકો મળ્યો ન હતો અને તે જીવતી ભૂંજાઈ જતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
4 લોકો ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે ખસેડાયા
આ ભયાનક અકસ્માતમાં અન્ય ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાની માહિતી મળી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાયટરો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગના કારણે રસ્તા પર ધુમાડો ફેલાતાં અને વાહનો અટવાઈ જતાં રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી
અકસ્માતની જાણ થતાં જ જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં બંને વાહનો ધડાકાભેર ભટકાતા અકસ્માત થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે.