પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલનું 90 વર્ષની વયે નિધન:ઇન્દિરા-રાજીવના વિશ્વાસુ હતા
વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી શિવરાજ પાટીલનું શુક્રવારે 90 વર્ષની વયે નિધન થયું. તેમણે લાતુરમાં સવારે 6.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. શિવરાજ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા.
લાતુરમાં તેમના ઘરે દેવઘરમાં તેમની સારવાર ચાલી રહી હતી. રિપોર્ટ્સ અનુસાર પાટીલના અંતિમ સંસ્કાર શનિવારે કરવામાં આવશે. શિવરાજના પરિવારમાં તેમના પુત્ર શૈલેષ, પુત્રવધૂ અર્ચના અને બે પૌત્રીઓ છે.
પાટીલ લાતુર લોકસભા બેઠક પરથી 7 વખત સાંસદ રહ્યા હતા. શિવરાજને ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના વિશ્વાસુ માનવામાં આવતા હતા. તેઓ 1980ના દાયકામાં ઇન્દિરા અને રાજીવની સરકારોમાં રક્ષા મંત્રી રહ્યા હતા.
આ ઉપરાંત તેઓ 1991 થી 1996 સુધી લોકસભાના 10મા અધ્યક્ષ રહ્યા. 2004 થી 2008 સુધી કેન્દ્રમાં ગૃહ મંત્રી રહ્યા. જોકે, મુંબઈ હુમલામાં સુરક્ષા ચૂક માટે નૈતિક જવાબદારી સ્વીકારીને તેમણે રાજીનામું આપી દીધું હતું.
26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાઓ દરમિયાન તેમને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. દેશમાં આટલા મોટા સંકટ છતાં શિવરાજે એક જ દિવસમાં ઘણી વખત ડ્રેસ બદલ્યા. આ માટે તેમની ટીકા થઈ.
પાટીલની રાજકીય સફર...
12 ઓક્ટોબર 1935ના રોજ જન્મેલા પાટીલે 1966 અને 1970ની વચ્ચે લાતુર મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે પોતાની રાજકીય યાત્રા શરૂ કરી. બાદમાં બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 1977 થી 1979ની વચ્ચે તેમણે મહારાષ્ટ્ર વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર અને સ્પીકર સહિત અનેક મહત્વપૂર્ણ પદો સંભાળ્યા.
તેઓ રાજ્યસભાના સભ્ય પણ હતા. પંજાબના રાજ્યપાલ હતા અને 2010 થી 2015 સુધી કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક પણ રહ્યા.
બાયોગ્રાફીમાં મુંબઈ હુમલાનો ઉલ્લેખ કર્યો ન હતો
શિવરાજ પાટીલે તેમની આત્મકથા 'ઓડિસી ઓફ માય લાઇફ'માં મુંબઈ હુમલાઓનો ઉલ્લેખ કર્યો ન હતો. આત્મકથાના 'હોમ મિનિસ્ટર' પ્રકરણમાં તેમણે ગૃહ મંત્રાલયના કાર્યો અને સત્તાઓ, કેન્દ્ર-રાજ્ય સંબંધો, આતંકવાદ અને નક્સલવાદની વ્યાખ્યા કરી હતી. પરંતુ તેમણે મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો.
ગીતાની સરખામણી કુરાન સાથે કરી હતી...
શિવરાજ પાટીલે ગીતા અને કુરાનની સરખામણી કરતા એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે - જેહાદ ફક્ત ઇસ્લામમાં જ નહીં, પરંતુ ભગવદ્ ગીતા અને ખ્રિસ્તી ધર્મમાં પણ હતો. પાટીલે કહ્યું હતું કે ગીતામાં શ્રી કૃષ્ણએ અર્જુનને જેહાદની વાત કહી છે.
2022 માં પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહસિના કિદવઈની બાયોગ્રાફીના વિમોચન દરમિયાન શિવરાજ પાટીલે કહ્યું હતું કે-ફક્ત કુરાનમાં જ નહીં, ગીતાના ભાગમાં શ્રી કૃષ્ણ પણ અર્જુન સાથે જેહાદની વાત કરે છે. આ વાત ફક્ત કુરાન કે ગીતામાં જ નહીં પરંતુ ઈસાઈ ધર્મમાં પણ છે. ઈસાઈઓએ પણ લખ્યું છે કે તેઓ ફક્ત શાંતિ સ્થાપિત કરવા માટે નથી આવ્યા, પરંતુ સાથે તલવારો પણ લાવ્યા છે.