ભાજપના ત્રણ નેતાઓ વડાપ્રધાનને મળશે:CM, નાયબ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ દિલ્હી પહોંચ્યા
રાજ્યના મુખ્યમંત્રીના ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દિલ્હી ખાતે પહોંચ્યા છે. ગુજરાતના ત્રણેય નેતાઓ આજે 14 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. અચાનક ત્રણેય નેતાઓ દિલ્હી ખાતે પહોંચતા રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે. સૂત્રો મુજબ ગુજરાતમાં નવા સંગઠનની રચના અને ગુજરાતમાં સરકારની કામગીરીને લઈને મહત્વની ચર્ચા થઈ શકે છે.
આ બેઠકમાં નવા સંગઠનને લઈને મહત્વપૂર્ણ હોવાની ચર્ચા
ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી નવા સંગઠનની જાહેરાત કરવાની છે, પરંતુ હજી સુધી સંગઠન જાહેર નથી થયું, ત્યારે આ બેઠકમાં સંગઠનને લઈને પણ મહત્વની ચર્ચા કરવામાં આવે તેવું જણાઈ રહ્યું છે. ગુજરાત ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર પણ દિલ્હી ખાતે છે ત્યારે તેમની સાથે પણ ત્રણેય નેતાઓ મુલાકાત કરીને વડાપ્રધાન સમક્ષ નવા સંગઠનના માળખા અંગે ચર્ચા કરશે.
ત્રણેય નેતા આજે વડાપ્રધાન સાથે મુલાકાત કરશે
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ગઈકાલે 13 ડિસેમ્બરના રોજ દિલ્હી ખાતે પહોંચ્યા હતા. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ નવા સંગઠન અંગે કોઈ હલચલ જોવા મળતી નહોતી. જો કે, ત્રણેય નેતા એક સાથે દિલ્હી ખાતે પહોંચ્યા છે, ત્યારે સંગઠનને લઈને હલચલ શરૂ થઈ છે. ત્રણેય નેતાઓ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. ગુજરાત સરકારની ચાલતી કામગીરીને લઈને અને નવા સંગઠનના માળખા બાબતે આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.