Loading...

જમવાનું બનાવતા બાટલો ફાટ્યો, 2નાં મોત:1 મહિલા સારવાર હેઠળ, અમદાવાદમાં મોડી રાતે ગેસ લિકેજ થતાં મકાનમાં ભીષણ આગ

અમદાવાદના નારોલ વિસ્તારમાં કર્ણાવતી નગર પાસે આવેલા સત્યમ નગરમાં એક મકાનમાં મોડી રાત્રે જમવાનું બનાવતી વખતે ગેસ લીકેજ થવાના કારણે ભીષણ આગ લાગી હતી. બાદમાં ગેસનો બાટલો જોરદાર ધડાકા સાથે ફાટ્યો હતો. આ દુર્ઘટનાના કારણે મકાનમાં રહેલા યુવક અને યુવતી ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય એક 40 વર્ષીય મહિલા ગંભીર રીતે દાઝી જતાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લીધી હતી, પરંતુ બે લોકોના મૃત્યુને પગલે નારોલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ, નારોલ વિસ્તારમાં આવેલા સત્યમ નગરમાં એક મકાનમાં આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. ફાયરબ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળ પર રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ જ્યારે ઘટનાસ્થળ પર પહોંચ્યું ત્યારે ત્યાં ગેસનો બાટલો ફાટ્યો હતો, જેના કારણે આગ વધુ ફેલાઈ ગઈ હતી. આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. મકાનમાં યુવક અને યુવતી દાઝી ગયા હતા. જ્યારે એક મહિલા બેભાન હાલતમાં હતી. જેને ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢી અને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી આપી હતી.

ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી. ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગી અને બાદમાં બાટલો ફાટતાં આગ વધુ પ્રસરી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવેલા યુવક-યુવતીનું મૃત્યુ થયું હતું, જ્યારે 40 વર્ષીય મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાત્રે જમવાનું બનાવતી વખતે ગેસ લીકેજ થતા આગ લાગી હતી. સ્થાનિકોના ટોળા પહોંચી ગયા હતા, પરંતુ અંદર જઈ શકાય તેવી સ્થિતિ નહોતી જેથી બંનેને બચાવી શકાયા નહોતા.