Loading...

નિવૃત્ત સચિવના પુત્રનું 7.61 કરોડનું વધુ એક ટેન્ડર કૌભાંડ: નકલી વર્ક ઓર્ડર બતાવી અનેક મિત્રોને ચૂનો લગાવ્યો

ગાંધીનગરના સેક્ટર-23માં રહેતા અને સચિવાલયના પૂર્વ નાયબ સચિવના પુત્ર અને તેના પરિવારે મળીને સરકારી ટેન્ડરોના નામે કરોડો રૂપિયાનું આંતરરાજ્ય કૌભાંડ આચર્યું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. નિવૃત નાયબ સચિવ તેમના પુત્ર, પુત્રવધૂ અને પૌત્રએ સુનિયોજિત કાવતરું રચી મોરબી સ્માર્ટ સિટી, સુરત રિવરફ્રન્ટ અને ચૂંટણીમાં સીસીટીવી કેમેરા લગાવવાના નકલી વર્ક ઓર્ડર બનાવી એક બિલ્ડર અને તેમના મિત્રો પાસેથી કુલ રૂ. 7 કરોડ 62 લાખ 49 હજારથી વધુની રકમ પડાવી લીધી હોવાની વધુ એક ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ મથકે નોંધાઈ છે.

ઇલેક્શનમાં અલગ અલગ શહેરોમાં સીસીટીવી લગાવવાનું ટેન્ડર મળ્યાની લાલચ આપી

ગાંધીનગરના સેક્ટર 23 પંચવટી પાર્ક સોસાયટીમાં રહેતા મોન્ટુભાઈ ઇન્દુભાઈ પટેલ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમને પડોશમાં પ્લોટ નંબર 689/2માં રહેતા નિરવ મહેન્દ્રભાઈ દવેએ પોતાની પેઢી 'ઓમ એન્ટરપ્રાઇઝ' દ્વારા વર્ષ 2017માં સરકાર તરફથી ઇલેક્શનમાં ગાંધીનગર, અમદાવાદ સહિતના અલગ અલગ શહેરોમાં સીસીટીવી લગાવવાનું ટેન્ડર મળ્યાની લાલચ આપવામાં આવી હતી.

નિરવના પિતા નિવૃત સચિવ રહી ચૂક્યા હોવાથી મોન્ટુભાઈને અતૂટ વિશ્વાસ બેઠો ત્યારે નિરવના પિતા મહેન્દ્રભાઈ સચિવાલયમાં નિવૃત સચિવના ઉચ્ચ હોદ્દા પર રહી ચૂક્યા હોવાથી મોન્ટુભાઈને અતૂટ વિશ્વાસ બેઠો હતો. એટલે મોન્ટુભાઈએ પ્રથમ 7 લાખનું રોકાણ કર્યું હતું. બાદમાં જૂનાગઢ જિલ્લામાં પણ ઘરે ઘરે કચરા ટોપલી મૂકવાનું ટેન્ડર લાગ્યાનું કહી નિરવે રૂપિયા પડાવ્યા હતા. જેમાં આખો પરિવાર સામેલ હતો.

મોરબી નગરપાલિકાના સ્માર્ટ સિટી વર્ક ઓર્ડરના આધારે એકસાથે 50 લાખ પડાવ્યા આમ વર્ષ 2016થી 2025 દરમિયાન દવે પરિવારે ટુકડે-ટુકડે કરોડો રૂપિયા રોકાણના નામે મેળવ્યા હતા.આ કૌભાંડમાં નિરવ દવેનો પુત્ર યજત દવે અસલી સરકારી પત્રો મેળવી તેને લેપટોપમાં એડિટિંગ કરતો હતો. તે સરકારી દસ્તાવેજો પર પોતાની પેઢીનું નામ લખીને ખોટા વર્ક ઓર્ડર તૈયાર કરતો અને રોકાણકારોને તે બતાવીને વિશ્વાસમાં લેતો હતો. મોરબી નગરપાલિકાના સ્માર્ટ સિટી વર્ક ઓર્ડરના આધારે જ મોન્ટુભાઈ પાસેથી એકસાથે 50 લાખ પડાવવામાં આવ્યા હતા.

નગરપાલિકામાં તપાસ કરાવતા જાણવા મળ્યું કે આવી કોઈ પેઢીને ક્યારેય કોઈ ટેન્ડર મળ્યું નથી

બીજી તરફ મોન્ટુભાઈના વિશ્વાસના જોરે તેમના અન્ય મિત્રો અને પરિચિતોએ પણ આ લોભામણી સ્કીમમાં રોકાણ કર્યું હતું. નિરવ દવે સહિતના પરિવારે મોન્ટુભાઈ પાસેથી રૂ. 4.36 કરોડ, તેમના મિત્રો પાસેથી રૂ. 2.01 કરોડ અને અન્ય એક મિત્ર જીતેન્દ્રકુમાર પાસેથી રૂ. 1.25 કરોડ મળીને સાડા સાત કરોડથી વધુની રકમ હડપ કરી લીધી હતી. જ્યારે મોન્ટુભાઈએ વિવિધ શહેરોની નગરપાલિકાઓમાં તપાસ કરાવી ત્યારે જાણવા મળ્યું કે આવી કોઈ પેઢીને ક્યારેય કોઈ ટેન્ડર મળ્યું જ નહોતું.

પોલીસે ગુનો નોંધ્યો

જેના પગલે પોલીસે નિરવ દવે, તેના પત્ની મીરાબેન, પિતા મહેન્દ્રભાઈ અને પુત્ર યજત વિરુદ્ધ પૂર્વ આયોજિત કાવતરું, છેતરપિંડી અને નકલી દસ્તાવેજો બનાવવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નીરવ દવે જ્યુડિશીયલ કસ્ટડીમાં, પત્ની મીરા વોન્ટેડ

ઉલ્લેખનીય છે કે ઠગ દંપતીએ વડનગર, પાટણ, દ્વારકા, સુરત અને અમરેલીમાં ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નામના સરકારી ટેન્ડર બતાવી કરોડોનું ફુલેકું ફેરવતા અગાઉ અલગ અલગ ત્રણ ગુના ઇન્ફોસિટી પોલીસ મથકે નોંધાયા છે. જે ગુનામાં નીરવ દવે જ્યુડિશીયલ કસ્ટડીમાં છે. જ્યારે તેની પત્ની મીરા વોન્ટેડ છે. હવે આમાં નીરવનાં પિતા અને પુત્રની પણ મહા ઠગાઇના ગુનામાં સંડોવણી ખુલી છે. ત્યારે નિવૃત નાયબ સચિવ અને તેના પૌત્રની પણ પોલીસે ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.