ગોગો પેપર વેચતા વેપારીઓ સામે કાર્યવાહી:વડોદરા માંથી ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર વેચતા બે દુકાનદારો ઝડપાયા
સગીરો અને યુવાનોમાં ચરસ-ગાંજા જેવા નશાના સેવનને પ્રોત્સાહન આપતી પ્રતિબંધિત વસ્તુઓ જેવી કે ગોગો સ્મોકિંગ કોન, રોલિંગ પેપર અને પરફેક્ટ રોલ વેચાણ કરતા દુકાનદારો સામે સયાજીગંજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ અભિયાન અંતર્ગત બે અલગ-અલગ સ્થળોએથી દુકાનદારોને ઝડપી પાડી તેમની સામે ગુનો નોંધી કાયદેસર પગલાં લેવામાં આવ્યા છે.
પ્રથમ કેસમાં વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં જગદીશ લોજની નીચે આવેલા સમ્રાટ પાનના ગલ્લાની તપાસ દરમિયાન STASH PRO કંપનીના ગોગો રોલ કોનનું બૉક્સ તેમજ રોલિંગ પેપર મળી આવ્યા હતા. દુકાન માલિક હરિશ ઘનશ્યામભાઈ મહાવરને ઝડપી પાડી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
બીજી કેસમાં વડોદરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6ની પાછળના ભાગે ગેર્લોર્ડ દુકાન પાસે આવેલા કેબિનની તપાસમાં પણ STASH PRO કંપનીના ગોગો રોલ કોનનું બૉક્સ અને રોલિંગ પેપર મળી આવ્યા હતા. આ કેબિનના માલિક દેવેન્દ્ર બજરંગભાઈ અગ્રવાલને પકડી પાડી તેમની સામે પણ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
હરિશ મહાવર પાસેથી કબજે કરાયેલ મુદ્દામાલ:
- એક લીલા રંગનું STASH PRO કંપનીનું બૉક્સ, જેમાં ગોગો રોલ કોન (50 નંગ) – કિંમત રૂ. 750
- એક ઘાટા લીલા રંગનું STASH PRO EMERGENCY SUPPLY 3 X 3 BROWN 50 UNITS બૉક્સ, જેમાં ચપટી રોલિંગ પેપર પટ્ટી (50 નંગ) – કિંમત રૂ. 500
દેવેન્દ્ર અગ્રવાલ પાસેથી કબજે કરાયેલ મુદ્દામાલ:
- એક ઘાટા લીલા રંગનું STASH PRO કંપનીનું બૉક્સ, જેમાં ગોગો રોલ કોન (56 નંગ) – કિંમત રૂ. 840
- એક ઘાટા લીલા રંગનું STASH PRO EMERGENCY SUPPLY 3 X 3 BROWN 50 UNITS બૉક્સ, જેમાં ચપટી રોલિંગ પેપર પટ્ટી (50 નંગ) – કિંમત રૂ. 500