Loading...

ચારેય મિત્રની એકસાથે અર્થી ઉઠી, આખું નગર હિબકે ચઢ્યું:ઈડર નજીક ટ્રિપલ અકસ્માતમાં ભોય સમાજના ચાર યુવાનના કરૂણ મોત

ગઈકાલે (15 ડિસેમ્બર) રેવાસ પાસે થયેલા ગમખ્વાર અકસ્માત બાદ આજે ઈડરમાં કાળજું કંપાવી દે તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનાર ભોઈ સમાજના ચારેય યુવાનના મૃતદેહોનું પીએમ કર્યા બાદ જ્યારે તેમને ભોઈવાડા લાવવામાં આવ્યા, ત્યારે આખું નગર હિબકે ચઢ્યું હતું. કડિયા કામ કરી પરિવારનો ગુજારો કરતા આ ચાર આશાસ્પદ યુવાનની અર્થી એક જ ફળિયામાંથી એકસાથે ઉઠતાં સમગ્ર પંથકમાં માતમ છવાઈ ગયો હતો.

ભોઈ સમાજના આગેવાનોના નિર્ણય મુજબ, ચારેય મિત્રની અંતિમયાત્રા એકસાથે કાઢવામાં આવી હતી અને સ્મશાનમાં એકસાથે જ અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા હતા. એક જ સમાજના ચાર-ચાર યુવાનની ચિતા એકસાથે સળગતી જોઈ હાજર રહેલા દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ હતી. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે ઈડરના ભોઈવાડા વિસ્તારમાં ચુસ્ત શોક પાળવામાં આવ્યો હતો.

મૃતકોના નામ

  1. સચિન બાબુભાઈ ભોઈ
  2. અનિલ રમેશભાઈ ભોઈ
  3. શૈલેષ નારણભાઈ ભોઈ
  4. રાજેશ ચંદુભાઈ ભોઈ (તમામ રહે.ઇડર ભોઈ વાડા)

ઈડર નજીક ઈકો-રીક્ષા-બુલેટ ધડાકાભેર અથડાયાં

ઈડર નજીક ગઈકાલે રાત્રે ઈકો ગાડી, રીક્ષા અને બુલેટ વચ્ચે થયેલા ગમખ્વાર ત્રિપલ અકસ્માતમાં ઈડર ભોઈવાડા વિસ્તારના એક જ ફળિયામાં રહેતા ચાર યુવાનોના કરૂણ મોત નિપજતાં હતા. મૃતક ચારેય યુવાન મજૂરીકામ પૂર્ણ કરીને રાત્રે રીક્ષા (નં. GJ-09 AX-7165)માં સવાર થઈને પોતાના ઘરે ઈડર તરફ પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન, રેવાસ ગામ પાસે સમાજવાડી નજીક એક ઈકો ગાડી (નં. GJ-36 AF-3329)ના ચાલકે ગફલતભરી રીતે અને પૂરપાટ ઝડપે આવીને રીક્ષાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જ્યારે રસ્તા પર લોહીથી ખરડાયેલી લાથો પડી હતી.

ભોઈ સમાજ પર આભ ફાટ્યું

આ ભયાનક અકસ્માતમાં રીક્ષામાં સવાર ચાર પૈકી સચિન બાબુભાઈ ભોઈ અને અનિલ રમેશભાઈ ભોઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. ગંભીર રીતે ઘવાયેલા અન્ય બે યુવાન, શૈલેષ નારણભાઈ ભોઈ અને રાજેશ ચંદુભાઈ ભોઈને તાત્કાલિક ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન શૈલેષભાઈનું ઈડર સિવિલ ખાતે મોત નિપજ્યું હતું. જ્યારે રાજેશભાઈને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

બુલેટ સવારને પણ ઈજા

આ ત્રિપલ અકસ્માતમાં ઈકો અને રીક્ષાની ટક્કર ઉપરાંત એક બુલેટ સવાર પણ ઘાયલ થયો હતો. અકસ્માતમાં ઘવાયેલો બુલેટસવાર યુવાન, જે બડોલી ગામનો રહેવાસી છે, તેને એક પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. હાલ તે સારવાર બાદ પોતાના ઘરે પરત ફર્યો હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ તપાસ શરૂ

અકસ્માતની જાણ થતાં જ રેવાસ ગામના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને મદદ પહોંચાડવાના પ્રયાસો કર્યા હતા. બીજી તરફ, ઈડર પોલીસને જાણ થતાં જ પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોનો કબ્જો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઈકોચાલક સામે અકસ્માતે મોતનો ગુનો દાખલ

પોલીસે હાલ ઈકો ગાડીના ચાલક સામે અકસ્માતે મોતનો ગુનો (IPC કલમ 304A) નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે ભોઈ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આ યુવાનોના મોતથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.