Loading...

કડીમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો પર્દાફાશ:₹10,000ની લાલચ આપી ₹3.20 લાખની છેતરપિંડી કરનાર યુવક ઝડપાયો

મહેસાણાના કડીમાં એક 'મ્યુલ એકાઉન્ટ' કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં ₹3.20 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. પોલીસે ₹10,000ના કમિશનની લાલચમાં પોતાનું બેંક ખાતું ભાડે આપનાર એક યુવકની ધરપકડ કરી છે.

આજના ડિજિટલ યુગમાં સાયબર ક્રાઈમનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. સાયબર ઠગો હવે ભોળા અથવા આર્થિક જરૂરિયાતવાળા લોકોને નિશાન બનાવી તેમના બેંક ખાતાનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓ માટે કરી રહ્યા છે. આવા ખાતાઓને 'મ્યુલ એકાઉન્ટ' કહેવાય છે.

કડી પોલીસ સ્ટેશનની ટીમે સાયબર ક્રાઈમ અટકાવવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી. આ દરમિયાન, પોલીસને બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે શંકાસ્પદ બેંક વ્યવહારોની જાણ થઈ હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે કડીના વતની અને હાલ વાપી ખાતે રહેતા ધર્મેન્દ્રકુમાર સેવન્તીલાલ ભોજકના બેંક ખાતાનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે થઈ રહ્યો હતો. આ ખાતામાં લાખો રૂપિયા જમા થયા બાદ ઉપાડી લેવામાં આવ્યા હતા.

આરોપી ધર્મેન્દ્રકુમાર ભોજક, જે મૂળ કડીના ભવપુરા વિસ્તારનો છે અને વાપીમાં નોકરી કરે છે, તે આર્થિક ભીંસમાં હતો. તેને રસ્તામાં 'વાસુ' નામનો એક શખ્સ મળ્યો હતો, જેણે પોતાનું બેંક ખાતું વાપરવા આપવા બદલ ₹10,000 રોકડા આપવાની લાલચ આપી હતી.

પૈસાની જરૂરિયાત હોવાથી, ધર્મેન્દ્રકુમારે કોઈપણ ખરાઈ કર્યા વગર અજાણ્યા શખ્સની વાત માની લીધી. તેણે ફેડરલ બેંકનું પોતાનું ખાતું, સહી કરેલી ચેકબુક અને પિન નંબર સાથેનું ATM કાર્ડ વાસુને આપી દીધા હતા.

આના બદલામાં તેણે ₹10,000નું કમિશન મેળવ્યું હતું. જોકે, આ નાની રકમની લાલચ હવે તેને મોટી મુસીબતમાં મૂકી દીધી છે અને તે પોલીસ કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે.