Loading...

PUC વગર પેટ્રોલ-ડીઝલ નહીં મળે:ફક્ત BS-6 એન્જિનવાળા વાહનોને જ એન્ટ્રી, વધતા પ્રદુષણને લઈ દિલ્હીમાં GRAP-4 લાગુ

દિલ્હીમાં પ્રદૂષણનો સામનો કરવા માટે બુધવાર-ગુરુવારની રાત્રે 12 વાગ્યાથી ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)નો ચોથો તબક્કો લાગુ થઈ ગયો છે. આ અંતર્ગત ઘણા કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. દિલ્હીમાં આજથી ફક્ત BS-6 એન્જિનવાળા વાહનોને જ પ્રવેશ મળી રહ્યો છે.

તેનાથી ઓછા ધોરણવાળા, દિલ્હીની બહારના વાહનોને શહેરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. આ નિર્ણયથી દિલ્હીમાં બહારથી રોજ આવતા-જતા 12 લાખ વાહનો પર અસર પડી છે. નોઈડાથી 4 લાખથી વધુ, ગુરુગ્રામથી 2 લાખ અને ગાઝિયાબાદથી 5.5 લાખ વાહનોને દિલ્હીમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

દિલ્હીમાં 'નો PUC, નો ફ્યુઅલ' નિયમ પણ લાગુ થઈ ગયો છે. પોલ્યુશન અંડર કંટ્રોલ (PUC) સર્ટિફિકેટ વિના વાહનોને પેટ્રોલ, ડીઝલ કે CNG આપવામાં આવી રહ્યું નથી. PUC સર્ટિફિકેટ વિનાના વાહનોની ઓળખ માટે પેટ્રોલ પંપો પર ઓટોમેટિક નંબર પ્લેટ રીડર (ANPR) કેમેરા લગાવવામાં આવ્યા છે.

શહેરની અંદર અને બોર્ડર પર ઠેર ઠેર વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. PUC તપાસમાં નિષ્ફળ થવા પર વાહનોને ફયુઅલ આપ્યા વિના પેટ્રોલ પંપ પરથી પાછા મોકલવામાં આવી રહ્યા છે. જ્યારે, નોન BS-6 એન્જિનવાળા વાહનો બોર્ડર પરથી યુ-ટર્ન લઈ રહ્યા છે.

જૂની કારોની એન્ટ્રી પર ₹20 હજારનો દંડ અથવા બોર્ડર પરથી યુ-ટર્ન

દિલ્હી પરિવહન વિભાગના અધિકારી દીપકે જણાવ્યું કે દિલ્હીની બહાર રજિસ્ટર્ડ નોન-BS6 કોમર્શિયલ અને ખાનગી વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. નિયમોનું ઉલ્લંઘન કરવા પર 20,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે અથવા વાહનને યુ-ટર્ન કરાવવામાં આવી રહ્યું છે.

જે વાહનો પાસે માન્ય અને અપડેટેડ પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ (PUC) નથી, તેમના પર 10,000 રૂપિયાનો દંડ લગાવવામાં આવી રહ્યો છે. મોટર વાહન અધિનિયમ હેઠળ, વારંવાર નિયમ તોડવા પર વાહનને જપ્ત કરવાની જોગવાઈ છે.

CNG, ઇલેક્ટ્રિક વાહન અને આવશ્યક સેવાઓવાળા વાહનોને છૂટ

દિલ્હીમાં GRAP-4 હેઠળ બાંધકામ સામગ્રી લઈ જતા વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ છે. CNG, ઇલેક્ટ્રિક વાહનો, જાહેર પરિવહન અને આવશ્યક સેવાઓને છૂટ આપવામાં આવી છે. ટ્રાફિક જામ રોકવા માટે 100 હોટસ્પોટ્સ પર ગૂગલ મેપ મદદ કરશે. નિયમ તોડવા પર વાહન જપ્ત કરવામાં આવશે, દંડ થશે અને કાયદેસરની કાર્યવાહી થશે. પર્યાવરણ અધિનિયમ 1986 હેઠળ સજા મળશે.

તમામ સરકારી અને ખાનગી કચેરીઓમાં 50% કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ ફરજિયાત કરવામાં આવ્યું છે. પ્રાઈમરી સ્કૂલોમાં બાળકોના ઓનલાઈન ક્લાસ ચાલશે. સેકન્ડરી અને હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓને પોતાની મરજી મુજબ ઓનલાઈન કે ફિઝિકલ ક્લાસ પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

દિલ્હીમાં ધુમ્મસ-ઝાકળને કારણે 22 ફ્લાઇટ્સ રદ

દિલ્હી-NCRમાં ગુરુવારે સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું, જેના કારણે વિઝિબિલિટી ઘણી ઓછી થઈ ગઈ હતી. તેનાથી ટ્રાફિક પ્રભાવિત થયો હતો. પાલમ એરપોર્ટ પર વિઝિબિલિટી ઘટીને 150 મીટર રહી ગઈ હતી, જ્યારે સફદરજંગ એરપોર્ટ પર 200 મીટર વિઝિબિલિટી નોંધાઈ હતી.

એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આજે સવારે 11 વાગ્યા સુધીમાં દિલ્હીથી 22 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આ દરમિયાન, એર ઇન્ડિયાએ આગામી કેટલાક દિવસોમાં ફ્લાઇટ સંચાલન પ્રભાવિત થવાની આશંકા વ્યક્ત કરી છે. એરલાઇન અનુસાર, દિલ્હી સહિત ઉત્તર અને પૂર્વ ભારતના ઘણા એરપોર્ટ પર ધુમ્મસને કારણે ઓછી વિઝિબિલિટીના કારણે ફ્લાઇટ્સમાં વિલંબ અથવા રદ થવાની સ્થિતિ સર્જાઈ શકે છે.

દિલ્હીમાં આગામી 6 દિવસ AQI ખૂબ જ ખરાબ રહેવાું અનુમાન

હવામાન વિભાગે જણાવ્યું કે દિલ્હીમાં ઠંડી વધવાની સાથે આગામી દિવસોમાં સવારના સમયે ધુમ્મસની સ્થિતિ યથાવત રહી શકે છે. IMD એ ગુરુવાર અને શુક્રવારે ગાઢ ધુમ્મસની આગાહી કરી છે.

આ દરમિયાન, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અનુસાર, રાજધાનીની હવાની ગુણવત્તા ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં યથાવત છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 358 નોંધાયો. દિલ્હીમાં આગામી 6 દિવસ સુધી AQI ‘ખૂબ જ ખરાબ’ અને ‘ગંભીર’ શ્રેણીમાં રહેવાનો અંદાજ છે.

પ્રવેશ વર્મા બોલ્યા- પ્રદૂષણ એક વર્ષમાં પેદા થયેલી સમસ્યા નથી

દિલ્હીમાં પ્રદૂષણને લઈને દિલ્હી સરકારના મંત્રી પ્રવેશ વર્માએ ગુરુવારે સંસદમાં ચાલી રહેલી ચર્ચાનો હવાલો આપતા આમ આદમી પાર્ટી (AAP) પર નિશાન સાધ્યું. પ્રવેશ વર્માએ એક પ્રેસ કોન્ફરન્સમાં પ્રદૂષણના કારણોનો ઉલ્લેખ કરતા કહ્યું કે AAP સરકારે પોતાના 11 વર્ષના કાર્યકાળમાં એક પણ જરૂરી કામ કર્યું નથી.

પ્રવેશ વર્માએ કહ્યું- યમુનાની સફાઈ, ફૂટપાથનું નિર્માણ જેવા કામો કોઈપણ સરકારની પ્રાથમિક જવાબદારી હોય છે. આ બધા કામો છેલ્લા 11 વર્ષમાં AAP સરકારે કરવા જોઈતા હતા. જો અગાઉની સરકારે આ કામોનો અડધો ભાગ પણ પૂરો કર્યો હોત, તો વર્તમાન સરકારને ફક્ત બાકીના કામો કરવા પડત.

પ્રવેશ વર્માએ કહ્યું- પ્રદૂષણ એક વર્ષમાં ઉભી થયેલી સમસ્યા નથી. દિલ્હી સરકાર છેલ્લા 9 મહિનાથી કામ કરી રહી છે અને 20 ફેબ્રુઆરી 2025 થી મુખ્યમંત્રી અને તમામ મંત્રીઓ રસ્તાઓ પર ઉતરીને યોજનાઓ લાગુ કરી રહ્યા છે.

દિલ્હીમાં નિર્માણ કાર્ય કરતા મજૂરોને ₹10 હજાર વળતર

દિલ્હી સરકાર તમામ રજિસ્ટર્ડ અને વેરિફાઈડ બાંધકામ મજૂરોના ખાતામાં વળતર તરીકે ₹10,000 પણ ટ્રાન્સફર કરશે. દિલ્હીના પર્યાવરણ મંત્રી કપિલ મિશ્રાએ 17 ડિસેમ્બરે જણાવ્યું કે દિલ્હીમાં 16 દિવસ સુધી ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનો ત્રીજો તબક્કો (GRAP-3) લાગુ રહ્યો. આ સમયગાળા દરમિયાન બાંધકામ કાર્ય બંધ હતું. જેના કારણે દૈનિક મજૂરો પ્રભાવિત થયા છે.