બાંગ્લાદેશમાં 2 મીડિયા ચેનલ, અવામી લીગની ઓફિસને આગ ચાંપી:હસીનાના વિરોધી નેતા હાદીના મોત બાદ હિંસા ભડકી
બાંગ્લાદેશમાં શેખ હસીનાના વિરોધ પક્ષના નેતા ઉસ્માન હાદીને 12 ડિસેમ્બરે માથામાં ગોળી મારવામાં આવી હતી ત્યાર બાદ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ગઈકાલે રાતે સારવાર દરમિયાન તેમનું અવસાન થયું છે. તેમના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં સ્થિતિ વણસી ગઈ છે અને ઘણી જગ્યાએ હિંસા ફાટી નીકળી છે.
રિપોર્ટ અનુસાર પહેલો હુમલો બાંગ્લા ભાષાના અખબાર પ્રોથોમ આલો પર થયો, જ્યાં ભીડ નારેબાજી કરતા પહોંચી ગઈ હતી. અડધી રાતે 12 વાગ્યે ઓફિસમાં આગ લગાવતા પહેલા તોડફોડ કરી. ત્યાર બાદ ધ ડેઇલી સ્ટારની ઓફિસને આગ લગાડવામાં આવી હતી તે સમયે ત્યાં 25 પત્રકારો હાજર હતા. આ તમામને આજે સવારે લગભગ 4 વાગ્યે બચાવવામાં આવ્યા હતા. હુમલાખોરોએ રાત્રે લગભગ 12:30 વાગ્યે અખબારની ઓફિસમાં આગ લગાવતા પહેલા તેના ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર તોડફોડ કરી.
હાદી 2024ના વિદ્યાર્થી આંદોલનના મુખ્ય નેતાઓમાંના એક હતા. તેમને 12 ડિસેમ્બરે માથામાં ગોળી મારવામાં આવી હતી. ઢાકામાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળી વાગ્યા બાદ તેમને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હતી.
હુમલાના થોડા કલાકો પહેલા ઉસ્માન હાદીએ ગ્રેટર બાંગ્લાદેશનો એક નકશો શેર કર્યો હતો, જેમાં ભારતીય વિસ્તારો (7 સિસ્ટર્સ)નો સમાવેશ થતો હતો.