Loading...

એક સમયે ઠંડીથી થથરતા નલિયાનું સરેરાશ તાપમાન 2 ડિગ્રી વધ્યું:ગયા વર્ષના ડિસેમ્બર કરતાં આ મહિનો ગરમ રહ્યો

અત્યારે ગુજરાતના ગામડાંથી લઇને મેગાસિટીના લોકોમાં એક કોમન મુદ્દે ચર્ચા જોવા મળી રહી છે. એ ચર્ચા છે કે આ વખતે ઠંડી ક્યાં ગાયબ થઇ ગઇ? કેમ હજી સુધી જોઇએ તેવી ઠંડીનો અનુભવ નથી થઇ રહ્યો?

જ્યારે શિયાળાની શરૂઆત થઇ ત્યારે એવું અનુમાન સામે આવ્યું હતું કે આ વખતે શિયાળાની ઠંડી સમય કરતાં વહેલાં શરૂ થઇ જશે. જો કે હવામાન નિષ્ણાતોએ આ વખતની ઠંડી અંગે અનુમાન લગાવ્યું હતું કે માત્ર 30 દિવસ જ ઠંડીનો અનુભવ થશે. જેનો સમયગાળો મધ્ય ડિસેમ્બરથી મધ્ય જાન્યુઆરી સુધીનો હશે.

ડિસેમ્બર મહિનો પૂર્ણ થવામાં હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસો જ બાકી રહ્યાં છે, છતાં ગુજરાતમાં નલિયા સિવાય કોઇ એવું શહેર નથી કે જ્યાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે ગગડ્યો હોય.

આખરે ભલભલાને એક વાર તો સ્વેટર કે જેકેટ પહેરવા મજબૂર કરી દે અને ધ્રુજારી લાવી દે તેવી ઠંડી ક્યાં ખોવાઇ ગઇ? અત્યાર સુધીનો નવેમ્બર અને ડિસેમ્બર મહિનો પ્રમાણમાં કેમ ગરમ રહ્યો? શું શિયાળાના હવેના બાકી રહેલા દિવસોમાં પણ કડકડતી ઠંડી નહીં પડે? ઠંડી અને બદલાતી પેટર્નથી કેવા પ્રકારના નુકસાન થઇ શકે છે? તમારા મનમાં થતાં આવા દરેક પ્રશ્નોનોના જવાબ જાણવા માટે દિવ્ય ભાસ્કરે સ્કાયમેટ વેધરના વાઇસ પ્રેસિડન્ટ મહેશ પલાવત સાથે ખાસ વાતચીત કરી હતી.

ડિસેમ્બર મહિનામાં નલિયામાં ઠંડી ઓછી પડી

જ્યારે ગુજરાતમાં ઠંડીની વાત થતી હોય ત્યારે નલિયાનું નામ બાકાત ન રહી શકે. ગયા વર્ષના અને આ વર્ષના આંકડાને જોતા એક આશ્ચર્યજનક વાત એ સામે આવી છે કે આ વર્ષે નલિયાનું સરેરાશ તાપમાન 2 ડિગ્રી વધ્યું છે. જે ઠંડીમાં ઘટાડા તરફ ઇશારો કરી રહ્યું છે.

કંઇક આવી જ સ્થિતિ રાજ્યના અન્ય 4 મહાનગરોની પણ છે. ગયા વર્ષની સરખામણીએ રાજકોટનું સરેરાશ તાપમાન પણ 2 ડિગ્રી વધ્યું છે. જ્યારે અમદાવાદ, સુરત અને વડોદરાના તાપમાનમાં 1-1 ડિગ્રીનો વધારો થયો છે.

મહાનગરોમાં ઠંડીવાળા દિવસોની સંખ્યા ઘટી

અમદાવાદમાં ગયા વર્ષે 15 ડિગ્રી કે તેથી ઓછું તાપમાન નોંધાયું હોય તેવા 14 દિવસો હતા. જ્યારે આ વર્ષે આ દિવસોની સંખ્યા ઘટીને 10 થઇ ગઇ છે. જ્યારે રાજકોટમાં ગયા વર્ષે 17 દિવસો એવા હતા જેમાં પારો 15 ડિગ્રી કરતાં ઓછો નોંધાયો હતો પણ આ વખતે આવા 15 દિવસો જ નોંધાયા છે. વડોદરામાં ગયા વર્ષે 1 દિવસ એવો હતો જેમાં 15 ડિગ્રી કે તેથી ઓછી ઠંડી નોંધાઇ હોય પણ આ વર્ષે આવો એકેય દિવસ નોંધાયો નથી.

સુરતમાં પણ ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 5 દિવસ એવા ઘટ્યા છે જેમાં ઠંડીનો પારો 15 ડિગ્રી કે તેથી નીચે ગયો હોય. સામાન્ય રીતે નલિયામાં 10 ડિગ્રી કે તેથી ઓછું તાપમાન નોંધાતું હોય છે પણ આ વખતે એવું બન્યું છે કે એકપણ વાર તાપમાનનો પારો સિંગલ ડિજીટમાં નથી ગયો.