સુરતના મગદલ્લા દરિયાકિનારે 5 સેકન્ડમાં બોટની જળસમાધિ,કોલસો ભરેલી બોટ જેટી તરફ આવતાં અચાનક પલટી
શહેરના મગદલ્લા દરિયાકિનારે એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. વિદેશથી આવેલા મોટા વેસેલ જહાજમાંથી કોલસો ભરીને જેટી તરફ આવી રહેલી એક નાની બોટ અચાનક મધદરિયે પલટી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે, જેમાં જોઈ શકાય છે કે દરિયાનાં મોજાં વચ્ચે કેવી રીતે કોલસાથી લથબથ બોટ 5 સેકન્ડમાં જ પલટી ગઈ હતી.
સામાન્ય રીતે વિદેશી કોલસો લાવતાં મોટાં જહાજો મધદરિયે લાંગરવામાં આવે છે અને ત્યાંથી નાની બોટો દ્વારા કોલસો કિનારા સુધી પહોંચાડવામાં આવે છે. મંગળવારે બપોરે પણ આ રૂટિન કામગીરી ચાલી રહી હતી, જોકે બોટમાં કોલસાનો ભાર વધારે હોવાથી અથવા દરિયામાં કરંટને કારણે સંતુલન બગડતાં બોટ એકાએક પલટી ગઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે બોટ પલટતાં જ એમાં સવાર 5 જેટલા શ્રમિક દરિયાના પાણીમાં ફેંકાયા હતા અને જીવ બચાવવા વલખાં મારવા લાગ્યા હતા.
અન્ય બોટના ચાલકોએ સમયસૂચકતા વાપરી પાંચ લોકોને બચાવ્યા
આ ઘટના સમયે સદનસીબે અન્ય કોલસા ભરેલી બોટો પણ નજીકમાંથી પસાર થઈ રહી હતી. બોટ પલટી જવાની ઘટના નજરે જોતાં જ અન્ય બોટના ચાલકોએ સમયસૂચકતા વાપરી હતી. ડૂબી રહેલી પાંચેય વ્યક્તિને તાત્કાલિક અન્ય બોટમાં ખેંચી લેવામાં આવી હતી. જો થોડી પણ સેકન્ડોનું મોડું થયું હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. લોકોના જીવ બચી જતાં ઘટનાસ્થળે હાજર શ્રમિકો અને અધિકારીઓએ હાશકારો અનુભવ્યો હતો, પરંતુ પાણીમાં ડૂબતી બોટનાં દૃશ્યો હજુ પણ ભય પેદા કરી રહ્યા છે.
કીમતી કોલસો દરિયામાં ગરકાવ
આ અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આર્થિક નુકસાન મોટે પાયે થયું હોવાનું જાણવા મળ્યું છે. બોટમાં લાદવામાં આવેલો કીમતી કોલસો અને અન્ય સામાન દરિયાના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પલટી ગયેલી બોટને કિનારે લાવવામાં આવી હતી. આ લાઈવ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં દરિયાઈ કામગીરી દરમિયાન રાખવામાં આવતી સુરક્ષા અને લાઈફ જેકેટ જેવાં સાધનોની ઉપલબ્ધતા સામે પણ સવાલો ઊભા થયા છે.
ઓવરલોડિંગથી બોટ પલટી હોવાની શક્યતા
ઘટનાની જાણ થતાં જ ગુજરાત મેરીટાઈમ બોર્ડ (GMB)ના અધિકારીઓ પણ દોડતા થયા હતા. મેરીટાઈમ અધિકારીઓને જાણ કરવામાં આવતાં પલટી ગયેલી બોટને રેસ્ક્યૂ કરવાની અને દરિયાકિનારે લાવવાની તજવીજ શરૂ કરી હતી. આવી કામગીરીમાં અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે, પરંતુ આજના લાઈવ વીડિયોએ દરિયામાં થતાં જોખમી કામની ગંભીરતા સૌની સામે લાવી દીધી છે. હાલ બોટ પલટવાનું મુખ્ય કારણ ઓવરલોડિંગ હતું કે કુદરતી મોજાં એ દિશામાં તપાસ થઈ રહી છે.