QR કોડ સ્કેન કરો ને ફ્લાવર શોની ઓનલાઈન ટિકિટ મેળવો:12 વર્ષથી ઉપરના લોકો માટે રૂ.80 ને શનિ-રવિની રૂ.100 ટિકિટ
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 1 જાન્યુઆરીના રોજ સવારથી ફ્લાવર શો યોજાવવાનો છે. જે ફ્લાવર શો જોવા માટે સોમથી શુક્ર 12 વર્ષથી ઉપરના લોકો માટે રૂપિયા 80 જ્યારે શનિ-રવિ તેમજ જાહેર રજાઓમાં રૂપિયા 100 ટિકિટ નક્કી કરી છે. અટલબ્રિજ અને ફ્લાવર શો કોમ્બો ટિકિટ પણ મેળવી શકાશે. AMC દ્વારા ઓનલાઈન ટિકિટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેના માટે QR કોડ જાહેર કરવામાં આવ્યો છે. જે સ્કેન કરી વિગતો ભરીને ઓનલાઇન પેમેન્ટ બાદ ટિટિક મેળવી શકાશે. જે ટિકિટ બતાવીને ફ્લાવર શોમાં પ્રવેશ મેળવી શકાશે.
QR કોડ સ્કેન કરી ફ્લાવર શોની ટિકિટ બુક કરાવી શકશો
AMC દ્વારા ઓફલાઈન અને ઓનલાઈન એમ લોકો બંને ટિકિટ મેળવી શકે તે મુજબ વ્યવસ્થા કરી છે. સાબરમતી રિવરફ્રન્ટ પરની સામેના ભાગે ખુલ્લા પ્લોટમાં ટિકિટ બારી બનાવવામાં આવી છે. જ્યાંથી લોકો ફિઝિકલ ટિકિટ મેળવીને ફ્લાવર શોમાં પ્રવેશ મેળવી શકે છે. આ ઉપરાંત AMC દ્વારા QR કોડ જાહેર કરવામાં આવ્યો છે. જે કોડ સ્કેન કરતાની સાથે જ પેજ ખુલશે. જેમાં ટિકિટના ભાવથી લઈને તમામ માહિતી આપવામાં આવી છે. ટિકિટ મેળવવા માટે નાગરિકોએ તેમનું નામ અને મોબાઈલ નંબર આપવાનો રહેશે, ત્યાર બાદ ફ્લાવર શોમાં જવા અને અટલ બ્રિજ તેમજ ફ્લાવર શો એમ બંને ઓપ્શન આપવામાં આવ્યો છે. જેમાંથી લોકોને જ્યાં જવું હોય તે સિલેક્ટ કરીને તેનું ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે.
ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવ્યા બાદ કેન્સલ કરી શકાશે નહીં
પેમેન્ટ કર્યા બાદ તેની ટિકિટ ઓનલાઇન તેના મોબાઈલ નંબર પર મળી જશે. જે ટિકિટ બતાવીને ફ્લાવર શોમાં એન્ટ્રી મળશે. ફ્લાવર શોની ટિકિટ નોન રિફંડેબલ રહેશે. એક વખત ટિકિટ બુકિંગ કરાવ્યા બાદ તેને કેન્સલ કરી શકાશે નહીં. ઓનલાઇન ટિકિટ બુકિંગના પૈસા કપાયા બાદ જો કોઈપણ વ્યક્તિને ટિકિટ ન મળે તો તેના માટે ડાઉનલોડ ટિકિટ મેનુમાં જવાનું રહેશે. ત્યાં પોતાનો મોબાઈલ નંબર નાખીને ટિકિટને ડાઉનલોડ કરી લેવાની રહેશે.
VIP સ્લોટની રૂપિયા 500 ફી નક્કી કરાઈ
રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં ફ્લાવર શોનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. જેના માટે ટિકિટના દરો નક્કી કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા 12 વર્ષથી ઉપરના નાગરિકો માટે સોમવારથી શુક્રવાર માટે 120 રૂપિયા ફીનો નક્કી કરવામાં આવી હતી જેમાં ઘટાડો કરી રૂ. 80 અને શનિવાર-રવિવાર તેમજ જાહેર રજાના દિવસે 150 રૂપિયા હતી જેમાં ઘટાડીને 100 રૂપિયા કરવામાં આવી છે. અટલ બ્રિજ માટે અલગથી ફી લેવાની રહેશે. સવારે 8:00 થી 9:00 અને રાત્રે 10થી 11 VIP સ્લોટ રહેશે જેના માટે 500 રૂપિયા ફી નક્કી કરાઈ છે.