Loading...

નશો કરીને ગુજરાતમાં એન્ટ્રી લીધી તો જેલભેગા થશો:સરહદી જિલ્લાઓમાં પોલીસની થ્રી લેયરની સુરક્ષા

નવા વર્ષની ઉજવણી અને ખાસ કરીને 31 ડિસેમ્બરના દિવસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ગુજરાતના સરહદી જિલ્લાઓની બોર્ડર પર પોલીસની થ્રી લેયર સુરક્ષા ગોઠવવામાં આવી છે. મધ્યપ્રદેશની બોર્ડને અડીને આવેલા દાહોદ અને રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાની બોર્ડર પર પોલીસ જવાનો સાથે SRPFના જવાનો પણ જોડાયા છે. જે સતત 24 કલાક અવર-જવર કરતા વાહનોનું બારીકાઇથી ચેંકિંગ કરી રહ્યા છે.

બોર્ડર પર પોલીસની થ્રી લેયર સુરક્ષા

દાહોદ જિલ્લાની વાત કરીએ તો 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને જિલ્લામાં કુલ 24 જેટલી આંતરરાજ્ય બોર્ડર પર પોલીસ પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે. સરહદી વિસ્તારોમાં ત્રણ સ્તરની સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે, જેમાં મુખ્ય બોર્ડર ચેકપોસ્ટ, આંતરિક માર્ગો પર મોબાઈલ ચેકિંગ પોઈન્ટ અને હાઈવે તથા મુખ્ય માર્ગો પર સતત પેટ્રોલિંગનો સમાવેશ થાય છે. તમામ સંવેદનશીલ વિસ્તારોમાં 24x7 વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું છે.

અન્ડરબોડી મિરરથી મોટા વાહનોની તપાસ

મધ્યપ્રદેશ સરહદ પર આવેલી ખંગેલા ચેકપોસ્ટ આ સુરક્ષા વ્યવસ્થાનુ મુખ્ય કેન્દ્ર છે. અહીં કતવારા પોલીસ સ્ટેશન દ્વારા દિવસ-રાત સતત વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા સ્ટોપ સ્ટિક, હેન્ડ ટોર્ચ જેવા સાધનોનો ઉપયોગ કરીને વાહનોની બારીકીથી તપાસ કરવામાં આવી રહી છે. ટ્રક અને મોટા વાહનોની નીચે તપાસ કરવા માટે અન્ડરબોડી મિરરનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે ડિક્કી અને માલસામાન ચકાસવા માટે ખાસ ટૂલ કિટ રાખવામાં આવી છે.

કટર-સ્પેનર વડે ગુપ્ત ખાનાઓની તપાસ

વાહન ચેકિંગ દરમિયાન ચાલકો દારૂ પીને વાહન ચલાવી રહ્યા છે કે નહીં તે ચકાસવા માટે બ્રેથ એનાલાઈઝર મશીનનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સાથે જ વાહનના દસ્તાવેજો, ડ્રાઇવિંગ લાયસન્સ, આર.સી. બુક અને ઇ-ચલાન સિસ્ટમ મારફતે તાત્કાલિક વેરિફિકેશન કરવામાં આવે છે. શંકાસ્પદ વાહનોને સાઈડમાં ઊભા રાખીને સંપૂર્ણ સર્ચ કરવામાં આવે છે અને જરૂરી હોય ત્યાં કટર, સ્પેનર અને અન્ય સાધનો વડે વાહનમાં બનાવાયેલા ગુપ્ત ખાનાઓની તપાસ કરવામાં આવે છે.

ખંડેલાથી ત્રણ મોટા જથ્થા ઝડપાયા

આ સઘન વાહન ચેકિંગ દરમિયાન છેલ્લા કેટલાક દિવસોમાં ખંગેલા ચેકપોસ્ટ વિસ્તારમાં દારૂની હેરાફેરીના ત્રણ મોટા કિસ્સાઓ સામે આવ્યા છે. પ્રથમ કિસ્સામાં આઇસર ગાડીમાં રબ્બરના દાણાની આડમાં લોખંડનું ગુપ્ત ખાનું બનાવી વેલ્ડિંગ કરીને છુપાવેલો વિદેશી દારૂ ઝડપાયો હતો, જેમાં કુલ 8,808 બોટલો મળી આવી હતી અને તેની કિંમત 75 લાખ 02 હજાર 160 રુપિયા આંકવામાં આવી હતી.

બીજા કિસ્સામાં કલરના બોક્સની આડમાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો હતો, જેમાં કુલ 5,640 બોટલો મળી આવી અને તેની કિંમત રૂ. 28 લાખ 20 હજાર રુપિયા નોંધાઈ હતી. ત્રીજા કિસ્સામાં પશુ આહારની આડમાં ટ્રકમાં છુપાવીને લઈ જવાતો દારૂ પકડાયો હતો, જેમાં કુલ 505 પેટી એટલે કે 6,060 બોટલો મળી આવી અને તેની કિંમત રૂ. 74 લાખ 10 હજાર રુપિયા આંકવામાં આવી હતી.

1.77 કરોડ રુપિયાનો વિદેશી દારૂ જપ્ત

આ રીતે માત્ર ખંગેલા બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન કુલ 20,508 બોટલો વિદેશી દારૂ ઝડપાયો છે, જેની કુલ અંદાજિત કિંમત રૂ. 1 કરોડ 77 લાખ 32 હજાર 160 રુપિયા થાય છે. તમામ કેસોમાં પોલીસે દારૂ સાથે વાહનો જપ્ત કરી આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉચ્ચકક્ષાના અધિકારીઓ બોર્ડર પર તૈનાત: DySP

આ બાબતે દાહોદના DySP જગદીશ ભંડારીએ જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને ખંગેલા જેવી સંવેદનશીલ સરહદો પર પી.એસ.આઈ. કક્ષાના અધિકારીઓ, સિનિયર પોલીસ અધિકારીઓ તેમજ એસ.આર.પી.ની ટુકડીઓની તૈનાતી કરીને રાઉન્ડ ધ ક્લોક વાહન ચેકિંગ ચાલી રહ્યું છે. પ્રોહિબિશનને લઈને થતી તમામ ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

'સંવેદનશીલ સ્થળો પર પણ પોલીસની તપાસ'

DySPએ વધુમાં જણાવ્યું કે, બોર્ડર વિસ્તાર ઉપરાંત શહેર અને ગ્રામ્ય વિસ્તારોના મુખ્ય માર્ગો, હાઈવે, ઢાબા અને સંવેદનશીલ સ્થળો પર પણ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. દાહોદ જિલ્લા પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી, નશામાં વાહન ચલાવવું કે કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં. નવા વર્ષને શાંતિપૂર્ણ, સલામત અને કાયદેસર રીતે ઉજવાય તે માટે દાહોદ જિલ્લા પોલીસ સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે.

અમીરગઢ બોર્ડર પર SRPFના જવાનો પણ જોડાયા

આવી જ રીતે રાજસ્થાન બોર્ડરને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાની તમામ બોર્ડર પર ચેકિંગમાં પોલીસ સાથે SRPFના જવાનો પણ જોડાયા છે. જે તમામ વાહોનું બારીકાઇથી ઝીણવટ ભરી તરાસ કરી રહ્યા છે. અહીં અમીરગઢ ચેકપોસ્ટ આ સુરક્ષા વ્યવસ્થાનુ મુખ્ય કેન્દ્ર છે.

બોડીવોર્ન કેમેરા દ્વારા પણ ચાંપતી નજર

બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટને અતિ સંવેદનશીલ માનવામાં આવે છે. અહીં રાજસ્થાન તરફથી આવતા વાહનોની ઝીણવટભરી તપાસ કરીને જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પોલીસ બોડીવોર્ન કેમેરા દ્વારા પણ ચાંપતી નજર રાખી રહી છે. આ ઉપરાંત રાજસ્થાન તરફથી આવતા લોકોનું બ્રેથ એનેલાઈઝર દ્વારા પણ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેથી દારૂબંધીનો ભંગ અટકાવી શકાય.