ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા:કેન્દ્રનો દાવો- જાપાનને પાછળ છોડ્યું
કેન્દ્ર સરકારે મંગળવારે જણાવ્યું કે જાપાનને પાછળ છોડીને ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. ભારતની અર્થવ્યવસ્થાનું કદ 4.18 ટ્રિલિયન ડોલર (લગભગ ₹374.5 લાખ કરોડ) આંકવામાં આવ્યું છે.
કેન્દ્રનો અંદાજ છે કે જો વર્તમાન ગતિ જાળવી રાખવામાં આવે તો 2030 સુધીમાં ભારતનું કુલ ઘરેલું ઉત્પાદન (GDP) 7.3 ટ્રિલિયન ડોલર (લગભગ ₹649.70 લાખ કરોડ) સુધી પહોંચી શકે છે. જો આવું થશે તો ભારત જર્મનીને પણ પાછળ છોડી દેશે. હાલમાં અમેરિકા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ચીન બીજા અને જર્મની ત્રીજા નંબરે છે.
સરકારના નિવેદન મુજબ, ભારત હાલમાં વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં શામેલ છે. ચાલુ નાણાકીય વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટરમાં ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર 8.2% રહ્યો. આ પહેલા પ્રથમ ક્વાર્ટરમાં તે 7.8% અને પાછલા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં 7.4% હતો.
વૈશ્વિક એજન્સીઓનો GDPમાં સતત વૃદ્ધિનો અંદાજ
કેન્દ્રના મતે, વૈશ્વિક વેપાર સંબંધિત અનિશ્ચિતતાઓ છતાં 2025-26ના બીજા ક્વાર્ટરમાં ભારતનો GDP છ ક્વાર્ટરના ઉચ્ચ સ્તરે પહોંચ્યો. આ વૃદ્ધિમાં ઘરેલું માંગ, ખાસ કરીને ખાનગી વપરાશની મહત્વપૂર્ણ ભૂમિકા રહી.
સરકારે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ પણ ભારતની વિકાસ દર અંગે સકારાત્મક અંદાજો લગાવ્યા છે. વિશ્વ બેંકે 2026 માટે 6.5% વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે. મૂડીઝ અનુસાર ભારત 2026માં 6.4% અને 2027માં 6.5% વૃદ્ધિ સાથે G-20 દેશોમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ 2025 માટે વૃદ્ધિનો અંદાજ 6.6% અને 2026 માટે 6.2% કર્યો છે. ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OCD)એ 2025માં 6.7% અને 2026માં 6.2% વૃદ્ધિનો અંદાજ આપ્યો છે.
એસએન્ડપી અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિ દર 6.5% અને આગામી નાણાકીય વર્ષમાં 6.7% રહી શકે છે. એશિયન ડેવલપમેન્ટ બેંકે 2025 માટે અંદાજ વધારીને 7.2% કર્યો છે, જ્યારે ફિચે મજબૂત ગ્રાહક માંગના આધારે 2026 માટે GDP વૃદ્ધિ દર 7.4% નો અંદાજ મૂક્યો છે.
કેન્દ્ર બોલ્યું- 2047 સુધીમાં ઉચ્ચ મધ્યમ-આવક ધરાવતો દેશ બનવાનું લક્ષ્ય
સરકારે કહ્યું કે ભારત 2047 સુધીમાં ઉચ્ચ મધ્યમ-આવક ધરાવતો દેશ બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે. આ માટે આર્થિક વૃદ્ધિ, માળખાકીય સુધારા અને સામાજિક પ્રગતિને આધાર બનાવવામાં આવી રહ્યા છે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું કે મોંઘવારી નિર્ધારિત નીચી સહનશીલ મર્યાદાથી નીચે રહી છે.
બેરોજગારીમાં ઘટાડાનો ટ્રેન્ડ છે અને નિકાસ પ્રદર્શનમાં સુધારો ચાલુ છે. આ સાથે નાણાકીય સ્થિતિ અનુકૂળ રહી છે, વાણિજ્યિક ક્ષેત્રને લોનનો પ્રવાહ મજબૂત છે, જ્યારે માંગની સ્થિતિ સ્થિર છે. શહેરી વપરાશ મજબૂત થવાથી માંગ જળવાઈ રહી છે.
GDP શું છે?
અર્થતંત્રના સ્વાસ્થ્યને ટ્રેક કરવા માટે GDPનો ઉપયોગ થાય છે. તે દેશની અંદર એક નિશ્ચિત સમયમાં ઉત્પાદિત તમામ ચીજવસ્તુઓ અને સેવાઓના મૂલ્યને દર્શાવે છે. આમાં દેશની સીમાની અંદર રહીને જે વિદેશી કંપનીઓ ઉત્પાદન કરે છે તેમને પણ સામેલ કરવામાં આવે છે.
GDP બે પ્રકારની હોય છે
GDP બે પ્રકારની હોય છે. રિયલ GDP અને નોમિનલ GDP. રિયલ GDPમાં ગુડ્સ અને સર્વિસની વેલ્યુનું કેલ્ક્યુલેશન બેઝ યરની વેલ્યુ અથવા સ્ટેબલ પ્રાઇસ પર કરવામાં આવે છે. હાલમાં GDPને કેલ્ક્યુલેટ કરવા માટે બેઝ યર 2011-12 છે. જ્યારે નોમિનલ GDPનું કેલ્ક્યુલેશન કરંટ પ્રાઇસ પર કરવામાં આવે છે.
કેવી રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે GDP?
GDPને કેલ્ક્યુલેટ કરવા માટે એક ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવે છે. GDP=C+G+I+NX, અહીં Cનો અર્થ પ્રાઇવેટ કન્ઝમ્પ્શન, Gનો અર્થ ગવર્નમેન્ટ સ્પેન્ડિંગ, Iનો અર્થ ઇન્વેસ્ટમેન્ટ અને NXનો અર્થ નેટ એક્સપોર્ટ છે.
GDPની વધઘટ માટે કોણ જવાબદાર છે?
GDPને ઘટાડવા કે વધારવા માટે ચાર મહત્વપૂર્ણ એન્જિન હોય છે. પહેલું છે, તમે અને અમે. તમે જેટલો ખર્ચ કરો છો, તે આપણી ઇકોનોમીમાં યોગદાન આપે છે. બીજું છે, પ્રાઇવેટ સેક્ટરની બિઝનેસ ગ્રોથ. આ GDPમાં 32% યોગદાન આપે છે. ત્રીજું છે, સરકારી ખર્ચ.
એનો અર્થ એ છે કે સરકાર ગુડ્સ અને સર્વિસિસનું ઉત્પાદન કરવામાં કેટલો ખર્ચ કરી રહી છે. એનો GDPમાં 11% ફાળો છે. અને ચોથું છે, નેટ ડિમાન્ડ. એના માટે ભારતના કુલ એક્સપોર્ટમાંથી કુલ ઇમ્પોર્ટને બાદ કરવામાં આવે છે, કારણ કે ભારતમાં એક્સપોર્ટની સરખામણીમાં ઇમ્પોર્ટ વધારે છે, એટલે એની અસર GDP પર નકારાત્મક જ પડે છે.