Loading...

બિહાર દેવાળું ફૂંકવાના આરે, રાજસ્થાનની કફોડી હાલત:દેવું ચૂકવવા માટે લેવું પડશે દેવું

એક દાયકાથી મફતની યોજનાઓ (ફ્રી સ્કીમ) અને સબસિડી રાજ્યોની સત્તા મેળવવાનું ‘ચોક્કસ નુસખો’ છે. પરંતુ રાજ્યોની કથળતી નાણાકીય સ્થિતિ આ નુસખાની મોટી આડઅસર બનીને સામે આવી રહી છે. રાજ્યો પાસે વીજળી, રસ્તા અને આવાસ માટે પૈસા જ નથી.

તેમની આવક અને ખર્ચનો હિસાબ દર્શાવે છે કે સબસિડી, પગાર, પેન્શન અને વ્યાજની ચુકવણી જેવા મહત્વના ખર્ચાઓ પછી રાજ્યોના હાથમાં તેમની કમાણીનો 20-25% હિસ્સો જ બચી રહ્યો છે. પંજાબ જેવા રાજ્યના હાથમાં તો ખર્ચ માટે 7% રકમ જ બચી.

જોકે, આ વર્ષે પંજાબને ₹90 હજાર કરોડનું મૂળધન પણ ચૂકવવાનું છે. તેથી આ બચેલી રકમ સાથે મૂળધન ચૂકવવા માટે પંજાબને મોટા પ્રમાણમાં દેવાની જરૂર પડશે. પંજાબે ઓક્ટોબર 2025માં ₹20 હજાર કરોડનું દેવું બજારમાંથી લીધું છે.

રાજસ્થાનને આ વખતે ₹1.50 લાખ કરોડ દેવાનું મૂળધન ચૂકવવાનું છે. તેણે 32 હજાર કરોડ રૂપિયાનું દેવું લીધું છે, પરંતુ બાકી રકમ તો દેવું લેવાની મર્યાદા કરતાં પણ વધારે છે. તેને દેવું ચૂકવવા માટે પણ દેવું લેવાની જરૂર પડશે.

બિહાર ચૂંટણીના વચનો પૂરા કરવામાં દિવાળિયું થઈ શકે છે

મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, બિહાર જેવા રાજ્યોનું દેવું તેમની જીડીપીની સરખામણીમાં એક તૃતીયાંશની નજીક છે અથવા તેનાથી વધુ છે. આવા સંજોગોમાં, આવનારા વર્ષોમાં તેમના પર મૂળ રકમની ચુકવણીનો બોજ વધુ વધી શકે છે.

બિહારમાં ચૂંટણીના વચનો પૂરા કરવા પર આવતો બોજ રાજ્યના મૂડી ખર્ચના 25 ગણો હોઈ શકે છે. રાજ્ય દિવાળિયું થઈ શકે છે.

મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા મોટા રાજ્યોનો તેમની કમાણીનો મોટો હિસ્સો ફક્ત પગાર, પેન્શન અને અન્ય જરૂરી ખર્ચમાં જતો રહે છે. વિકાસ માટે માત્ર એક નાની રકમ જ મળે છે.

રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં 45 ગીગાવોટની સૌર, પવન ઊર્જા ક્ષમતા અટકી પડી છે, કારણ કે સરકારો વીજળી ખરીદ કરાર પર હસ્તાક્ષર પણ કરી શકતી નથી.

બધા બેહાલ: બંગાળ પર વ્યાજનો બોજ શિક્ષણ બજેટ કરતાં વધુ, MP પર વધી રહ્યું છે દેવું

  • બંગાળ: કમાણીનો 21.2% હિસ્સો તો વ્યાજ ચૂકવવામાં જાય છે. આ શિક્ષણ-સ્વાસ્થ્ય (18.7%)ના સંયુક્ત બજેટ કરતાં વધુ છે.
  • રાજસ્થાન: દેવા અને વ્યાજના વધતા બોજને કારણે સ્વાસ્થ્ય બજેટ પરનો ખર્ચ સ્થિર છે.
  • મધ્ય પ્રદેશ: લાડલી બહેના જેવી યોજનાઓને કારણે દેવાના વ્યાજનો બોજ વધતો જઈ રહ્યો છે.
  • કર્ણાટક: ગેરંટી યોજનાઓ વ્યાજની ચુકવણીનો બોજ ગયા વર્ષની સરખામણીમાં વધારી રહી છે.
  • મહારાષ્ટ્ર: જૂનમાં 903 વિકાસ પ્રોજેક્ટની મંજૂરી રદ. મોટાભાગના સિંચાઈ, બંધ સાથે સંકળાયેલા હતા.

જૂની સરકારની યોજનાઓ બંધ કરવાથી રાહત શક્ય

નિવૃત્ત IAS અને રાજ્ય નાણાં નિષ્ણાત અજીત કેસરી જણાવે છે, 'મફત યોજનાઓ કે સબસિડીની જાહેરાત કરતી વખતે એ જોવું જરૂરી છે કે આવકના સંસાધનો કેટલા છે. નવી યોજનાઓ સાથે સત્તામાં આવેલી સરકારો જૂની સરકારની યોજનાઓ બંધ કરતી નથી.

સરકારને ડર હોય છે કે ક્યાંક લોકો નારાજ ન થઈ જાય. આસામ સરકારે જૂની સરકારની યોજનાઓ સમાપ્ત કરી દીધી હતી. બીજી સરકારો પણ આવા પગલાં ભરે તો પણ થોડો બોજ ઓછો થઈ શકે છે.'

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું- ચૂંટણી સમયે મફત ભેટોની જાહેરાત ખોટી, આવું કરવાથી પરોપજીવીઓનો સમુદાય ઊભો થઈ રહ્યો છે

12 ફેબ્રુઆરી 2025ના રોજ સુપ્રીમ કોર્ટે ચૂંટણી સમયે આપવામાં આવતી મફત યોજનાઓ (ફ્રીબીઝ) પર કડક ટિપ્પણી કરતા કહ્યું હતું કે- લોકો કામ કરવા માંગતા નથી, કારણ કે તમે (રાજ્ય-કેન્દ્ર સરકારો) તેમને મફત રાશન આપી રહ્યા છો. કંઈપણ કર્યા વિના તેમને પૈસા આપી રહ્યા છો. આ લોકોને સમાજની મુખ્યધારા સાથે જોડવાને બદલે, શું તમે મફત યોજનાઓ લાગુ કરીને પરોપજીવીઓનો સમુદાય ઊભો નથી કરી રહ્યા?