પીધેલાઓનો 'નશો' ઉતારવા પોલીસ તૈયાર:ગુજરાતનાં મહાનગરોમાં આજે રાત પડતાં જ દિવસ ઊગશે, 13 હોટસ્પોટ પર રસ્તો બંધ
2025ના વર્ષને પૂર્ણ થવામાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે 2025ને બાય બાય કરવા અને 2026ને વેલકમ કરવા યુવા હૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતનાં શહેરોની હોટલોમાં અને પાર્ટી પ્લોટમાં ન્યૂ યરની પાર્ટીનું આયોજન કરાયું છે.
લોકો શાંતિથી નવા વર્ષને આવકારી શકે એ માટે ચાર મહાનગરોમાં પોલીસ અને વહીવટીતંત્રએ ખાસ એકશન પ્લાન તૈયાર કર્યો છે. અમદાવાદ, સુરત અને વડોદરામાં જે રસ્તાઓ પર થર્ટી ફર્સ્ટની રાત્રે માનવ મહેરામણ ઊમટી પડે છે, એે રસ્તાઓ પર વાહનો પર પ્રતિબંધ મૂકી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે.
થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે નશો કરનારાઓનો નશો ઉતારવાની પણ પોલીસે તૈયારી કરી લીધી છે. બ્રેથ એનેલાઈઝરથી કડક ચેકિંગ કરાશે. રોમિયોને પાઠ ભણાવવા શી ટીમ સિવિલ ડ્રેસમાં પાર્ટીઓ અને ભીડવાળી જગ્યા પર તહેનાત રહેશે. તો આવો જાણીએ થર્ટી ફર્સ્ટની ઉજવણીના 13 હોટસ્પોટ અને વૈકલ્પિક રસ્તાના લિસ્ટ વિશે...
અમદાવાદનો SBR અને CG રોડ સેલિબ્રેશન માટે તૈયાર
અમદાવાદ શહેરમાં દર વર્ષે થર્ટી ફર્સ્ટના સેલિબ્રેશન માટે હજારોની સંખ્યામાં લોકો સિંધુભવન રોડ અને સી.જી. રોડ પર ઊમટી પડતા હોય છે. અમદાવાદ પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા પહેલાંથી જ આ બંને રસ્તાઓ પર થનારી ઉજવણીને લઈ તૈયારી કરી લીધી છે. વાહનો અને પાર્કિંગને લઈ જાહેરનામું બહાર પાડી પ્રતિબંધિત અને વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે.
અમદાવાદમાં આ જગ્યાએ થર્ટી ફર્સ્ટની ઉજવણી
- સી.જી.રોડ
- સિંધુભવન રોડ
- એસજી હાઇવે
- કાંકરિયા
વડોદરામાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ તંત્રની તૈયારી 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને વડોદરા શહેરમાં મોટી સંખ્યામાં લોકો નવા વર્ષની ઉજવણી કરવા રસ્તાઓ પર એકત્ર થાય છે. ખાસ કરીને ફતેગંજ સદરબજાર વિસ્તાર, સયાજીગંજ, સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા સર્કલ (ડેરીડેન સર્કલ), અલકાપુરી રોડ, ચકલી સર્કલ તથા શહેરના અન્ય વિસ્તારોમાં લોકો રોશની કરીને એકબીજાને શુભેચ્છાઓ પાઠવીને ઉત્સવ મનાવીને નવા વર્ષનું સ્વાગત કરે છે. આ ઉજવણી દરમિયાન વાહનચાલકોને અડચણ ન પડે, ટ્રાફિકનું સુચારુ સંચાલન થાય અને જાહેર જનતાની સલામતી જળવાઈ રહે એ હેતુથી વડોદરા શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.
વડોદરામાં આ જગ્યાએ થર્ટી ફર્સ્ટની ઉજવણી
- ફતેગંજ સદરબજાર વિસ્તાર
- સયાજીગંજ
- સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા સર્કલ (ડેરીડેન સર્કલ)
- અલકાપુરી રોડ
- ચકલી સર્કલ
સુરતમાં 7000 પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે વર્ષ 2025ના અંતિમ દિવસોમાં જ્યારે આખું શહેર નવા વર્ષની ઉજવણીના થનગનાટમાં છે ત્યારે સુરત પોલીસ વિભાગે સુરતીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે એક સુરક્ષા ચક્ર તૈયાર કર્યું છે. સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે સ્પષ્ટ કર્યું છે કે "ઉજવણીનો આનંદ લો, પણ કાયદાની મર્યાદામાં રહીને." પોલીસ આ વખતે અત્યાધુનિક ટેક્નોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સના સમન્વયથી સુરતને સુરક્ષિત રાખવા માટે સજ્જ થઈ છે.
સુરતમાં આ જગ્યાએ થર્ટી ફર્સ્ટની ઉજવણી
- પાલ ગૌરવપથ રોડ
- ભાગળ
- ડુમ્મસ રોડ
- વાય જંકશન
રાજકોટમાં રાત્રે માત્ર 35 મિનિટ જ ફટાકડા ફોડી શકાશે
થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. જાહેર જગ્યા અને રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો છે. નવા વર્ષને આવકારવા માટે લોકો રાત્રે 11:55થી 12:30 સુધી ફટાકડા ફોડી શકશે. 31 ડિસેમ્બરની રાત્રે 8 વાગ્યાથી પોલીસ દ્વારા તમામ જગ્યા પર પેટ્રોલિંગ શરૂ કરવામાં આવશે તેમજ કેટલાક મહત્ત્વના ચોક પાસે વાહન ચેકિંગ પણ કરવામાં આવશે અને નશો કરી નીકળતા વાહનચાલકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે.