Loading...

ભર શિયાળે માવઠું, દ્વારકા, પોરબંદર અને કચ્છના ગ્રામ્ય પંથકમાં વરસાદ:ચણા-જીરું સહિતના પાકોને નુકસાનની ભીતિ

હવામાન વિભાગે વર્ષ 2025ના છેલ્લા દિવસે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. ભર શિયાળે માવઠાના વરસાદની આગાહી કરવામાં આવતા ગુજરાતમાં બે દિવસ તાપમાન ઘટવાની આગાહી પણ આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રના પોરબંદર સહિત ગ્રામ્ય પંથકમાં ઝરમર વરસાદ

સૌરાષ્ટ્રના પોરબંદર સહિત ગ્રામ્ય પંથકના વિવિધ તાલુકાના વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું. દ્વારકા, કલ્યાણપુર અને આસપાસનાં ગામોમાં પણ ઝરમર વરસાદ નોંધાયો છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, જોકે કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડકનો અનુભવ પણ થયો છે. ચણા-જીરું સહિતના પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

કચ્છમાં પણ બપોરે બે વાગ્યે વરસાદ વરસ્યો

કચ્છના રાપર તાલુકાના ખેંગારપર ગામે માવઠાની આગાહીના પગલે બપોરે બે વાગ્યે જોરદાર ઝાપટાં પડ્યાં અને શેરીઓમાં પાણી વહી નિકળ્યા હતા. આ માવઠાથી ખેડૂતો ચિંતિત બન્યા છે. જ્યારે કચ્છના હાજીપીર તરફના રણ કાંધી વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો છે. આ વિસ્તારના ઢોરો ગામના હજીરા ફાટક પાસે લગભગ 15 મિનિટ સુધી જોરદાર માવઠું પડ્યું હતું. તો વધુ વરસાદની ભીતિને લઈ ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે.

એક વાગ્યા સુધીમાં રાજ્યના કચ્છ અને પોરબંદરમાં હળવા વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 કલાક, એટલે કે 1 વાગ્યા સુધીમાં રાજ્યના કચ્છ અને પોરબંદરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી. જ્યારે અમદાવાદમાં આજે વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ રહ્યું હતું અને પ્રદૂષણમાં પણ વધારો જોવા મળ્યો હતો.

આ જિલ્લાઓમાં છૂટાછવાયો હળવો વરસાદ પડવાની સંભાવના

આ સાથે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળોએ, સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળોએ હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે.

અમદાવાદમાં 15.3 ડિગ્રી ઠંડીનું તાપમાન નોંધાયું

તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 15.3 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 13.8 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 15.4 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 16.6 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 16.6 ડિગ્રી સેલ્સિયસ, દમણમાં 16 ડીગ્રી સેલ્સિયસ, ડીસામાં 14.4 ડિગ્રી સેલ્સિયસ, દીવમાં 15.5 ડિગ્રી સેલ્સિયસ, દ્વારકામાં 20.5 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 13 ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં 17.3 ડિગ્રી સેલ્સિયસ, નલિયામાં 15.6 ડિગ્રી સેલ્સિયસ, ઓખામાં 20.7 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 14.5 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 15 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 16.4 ડિગ્રી સેલ્સિયસ, વેરાવળમાં 18.6 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.