નૂતન વર્ષે સોમનાથમાં ભક્તિનો મહાસાગર:એક સપ્તાહમાં 7-8 લાખ ભક્ત ઊમટ્યા
વર્ષ 2026ની પ્રથમ સવાર ભક્તિ અને આસ્થાના અનોખા સંગમ સાથે ઊગી છે. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે માનવ મહેરામણ ઊમટી પડ્યો હતો. છેલ્લા એક સપ્તાહમાં અંદાજે 7થી 8 લાખ શ્રદ્ધાળુએ દાદાનાં ચરણોમાં શીશ ઝુકાવ્યું છે, જે એક વિક્રમજનક આંકડો દર્શાવે છે.
બીજી તરફ, માતા મહાકાળીના આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારથી જ ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી હજારો શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર પાવાગઢમાં ઊમટ્યું હતું. પાવાગઢ પર્વત અને મંદિર પરિસર ‘જય મહાકાળી’ના ગુંજારવથી ગાજી ઊઠ્યા હતા.
'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઊઠી સોમનાથ નગરી
વહેલી સવારના 4:00 વાગ્યાથી જ મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. કડકડતી ઠંડી હોવા છતાં, શ્રદ્ધાળુઓના ઉત્સાહ સામે ટાઢ પણ ઓગળી ગઈ હોય તેવું જણાતું હતું. સોમનાથના પટાંગણથી લઈને છેક મુખ્ય માર્ગો સુધી ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી. સમુદ્રના મોજાંના અવાજ સાથે ભક્તોના ‘જય સોમનાથ’ અને ‘હર હર મહાદેવ’ના જયઘોષથી સમગ્ર વાતાવરણ દિવ્ય અને ભક્તિમય બની ગયું હતું.
નૂતન વર્ષે વિશેષ પૂજા અને મહાઅભિષેક
નવા વર્ષના પ્રથમ દિવસે મહાદેવને વિશેષ શ્રુંગાર કરવામાં આવ્યો હતો. ભાવિકોએ સુખ, શાંતિ અને સમૃદ્ધિની મનોકામના સાથે વિશેષ ધ્વજ પૂજા અને પાલખી યાત્રાનો લાભ લીધો. પરિવાર સાથે મહાપૂજા અને અભિષેક કરીને વર્ષના સારા પ્રારંભ માટે પ્રાર્થના કરી. દેશ-વિદેશથી આવેલા પ્રવાસીઓએ સોમનાથના દરિયાકિનારે સૂર્યોદયના દર્શન સાથે આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો.
અભેદ્ય સુરક્ષા અને સુચારુ વ્યવસ્થા લાખોની ભીડને સંભાળવી એ મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર માટે પડકારજનક હતું, પરંતુ સુવ્યવસ્થિત આયોજનને કારણે દર્શન સુલભ બન્યા હતા:
- પોલીસ બંદોબસ્ત: કતાર વ્યવસ્થાપન માટે ચુસ્ત પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો હતો.
- ટ્રસ્ટની સેવાઓ: વૃદ્ધો અને દિવ્યાંગો માટે ખાસ વ્હીલચેરની સુવિધા કાર્યરત રહી હતી.
- પાર્કિંગ અને ટ્રાફિક: પ્રવાસીઓના વાહનોના ખડકલા છતાં ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગો ખુલ્લા રખાયા હતા.
આસ્થાનું અતૂટ પ્રતીક
સોમનાથમાં ઉમટેલી આ જનમેદની સાબિત કરે છે કે આધુનિક યુગમાં પણ સનાતન સંસ્કૃતિ અને મહાદેવ પ્રત્યેની આસ્થા અડગ છે. લોકોએ મોજ-મજા કે પાર્ટીઓના બદલે મહાદેવના આશીર્વાદ સાથે નવા વર્ષની શરૂઆત કરવાનું પસંદ કર્યું છે.
પાવાગઢ પર્વત ‘જય મહાકાળી’ના ગુંજારવથી ગાજી ઉઠ્યો
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે નવા વર્ષના પ્રથમ દિવસે ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. વર્ષ 2026ના પ્રારંભે માતા મહાકાળીના આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારથી જ ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી હજારો શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. પાવાગઢ પર્વત અને મંદિર પરિસર ‘જય મહાકાળી’ના ગુંજારવથી ગાજી ઉઠ્યું હતું, જ્યાં ભક્તોએ કલાકો સુધી લાઈનમાં ઊભા રહી માતાજીના દર્શન કરી નવા વર્ષમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.
ભક્તોની આ વિરાટ જનમેદનીને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી હતી. યાત્રિકોની સુવિધા માટે પીવાનું પાણી, આરોગ્ય સેવાઓ અને ટ્રાફિક નિયમન માટે વિશેષ ટીમો તહેનાત કરવામાં આવી હતી. ભીડ હોવા છતાં સમગ્ર દર્શન પ્રક્રિયા ખૂબ જ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી, જેના કારણે માઈભક્તોમાં ભારે ઉત્સાહ અને સંતોષનો માહોલ જોવા મળ્યો હતો.