Loading...

રાજકોટ સિવિલમાં તબીબોની હડતાળ:ન્યુરોસર્જરી ડોક્ટર પર હુમલાના આરોપીની ધરપકડ કરી કડક પગલાં લેવા માગ

રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. તાજેતરમાં ન્યુરોસર્જરી વિભાગના રેસિડેન્ટ ડોક્ટર પર દર્દીના પરિવારજનો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સિવિલ હોસ્પિટલના તમામ ડોક્ટરોમાં જોવા મળી રહ્યા છે. ડોક્ટરોએ પોતાની સુરક્ષા અને ન્યાયની માગ સાથે આજે(1 જાન્યુઆરી) હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે અને આરોપીની ધરપકડ કરી તેની સામે કડક પગલાં લેવાની માગ કરી છે. જેના કારણે હોસ્પિટલની નોન-ઇમરજન્સી સેવાઓ પર માઠી અસર પડી છે.

‘આરોપી અંડરગ્રાઉન્ડ અને પોલીસ પકડથી બહાર છે’

એનેસ્થેસિયા વિભાગના ડોક્ટર નિકુંજ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, 29 ડિસેમ્બરની રાત્રે 2 વાગ્યે અમારા ન્યુરોસર્જરી રેસિડેન્ટ ડોક્ટર પર હુમલો થયો હતો. તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો. ઘટનાને 48 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, હજુ સુધી પોલીસ, સરકાર કે કોલેજ તંત્ર દ્વારા આરોપી વિરુદ્ધ કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. આરોપી અંડરગ્રાઉન્ડ છે અને પોલીસ પકડથી બહાર છે. અમે દિવસ-રાત જોયા વગર 36-36 કલાક સતત ફરજ બજાવીએ છીએ અને દર્દીઓની સેવા એ જ અમારો ધર્મ છે, પરંતુ જો અમારી પોતાની જ સુરક્ષા જોખમમાં હોય તો તેઓ કામ કેવી રીતે કરીએ?

તબીબોની 4 માંગણી

તેઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ડોક્ટરો કોઈ 'પબ્લિક પ્રોપર્ટી' નથી કે કોઈ પણ વ્યક્તિ આવીને તેમની સાથે હિંસા કરી શકે. આ હિંસક ઘટનાના વીડિયો ફૂટેજ પણ સામે આવ્યા છે, જે દર્શાવે છે કે કઈ રીતે ફરજ પરના તબીબ સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું. અમારી મુખ્ય 4 માંગણીઓ છે. જેમાં હુમલો કરનાર આરોપીની પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. આરોપી પાસે જાહેરમાં માફી મંગાવવામાં આવે અને તેનું સરઘસ કાઢવામાં આવે જેથી અન્ય લોકો માટે દાખલો બેસે. આરોપીનું PMJAY (આયુષ્માન) કાર્ડ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે. અને ઘટના સમયે હાજર રહેલા સિક્યુરિટી ગાર્ડ્સ અને સ્ટાફને સસ્પેન્ડ કરવામાં આવે અને નવી સિક્યુરિટી એજન્સીની નિમણૂક કરવામાં આવે તે સહિતની માગ સામેલ છે.

‘અમે સરકારને 2 દિવસનો સમય આપ્યો હતો, ઉકેલ ન આવતા હડતાળ પર ઉતર્યા’

સિવિલ હોસ્પિટલના ENT ડિપાર્ટમેન્ટના ડોક્ટર યાક્ષી પટેલે જણાવ્યું કે, હોસ્પિટલના એક ન્યુરોસર્જન ડોક્ટર પર દર્દીના સગા દ્વારા શારીરિક હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના સિક્યુરિટી ગાર્ડ્સની હાજરીમાં બની છે. છતાં 48 કલાક બાદ પણ કોઈ પગલાં લેવાયા નથી. અમે 24-48 કલાક સતત ફરજ બજાવતા હોવા છતાં અમારી સુરક્ષા રામભરોસે છે. અમે સરકારને આ મુદ્દે નિરાકરણ લાવવા 2 દિવસનો સમય આપ્યો હતો, પરંતુ કોઈ ઉકેલ ન આવતા તેઓ હડતાળ પર ઉતર્યા છે. જોકે, દર્દીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે, માત્ર રૂટિન ચેકઅપ અને સેવાઓ જ બંધ કરવામાં આવી છે.

‘નોન-ઇમરજન્સી સેવાઓ જ બંધ, ઇમરજન્સી સેવાઓ કાર્યરત’

ઉલ્લેખનીય છે કે, ડોક્ટરોની હડતાલને કારણે સિવિલ હોસ્પિટલમાં આવતા અનેક દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, ડોક્ટરોએ સ્પષ્ટતા કરી છે કે હાલ માત્ર નોન-ઇમરજન્સી સેવાઓ જ બંધ રાખવામાં આવી છે, જ્યારે ઇમરજન્સી સેવાઓ સતત કાર્યરત છે. ડોક્ટરોનું કહેવું છે કે, અમે દર્દીઓની સેવા કરવા માંગીએ છીએ, પરંતુ અમારી સુરક્ષાની ગેરંટી કોણ આપશે? જો સરકાર અને હોસ્પિટલ પ્રશાસન વહેલી તકે આ મામલે ઉકેલ નહીં લાવે તો આ આંદોલન વધુ ઉગ્ર બની શકે છે. ત્યારે હવે આ મામલે ક્યારે અને શું પગલાં લેવાશે તે તો આવનારો સમય જ બતાવશે.