સુરતમાં પાટીદારોએ પોલીસ સ્ટેશન ઘેર્યું, દીકરીના અપહરણ મામલે રોષ:આરોપીનો ફોન 5 દિવસ સુધી ચાલુ હોવા છતાં પોલીસ ગફલતમાં રહી
પાટીદાર સમાજની 17 વર્ષીય સગીરા અપહરણ થયાની ફરિયાદને આજે 35 દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન કરવામાં આવતાં સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે પાટીદાર સેવા સંઘ દ્વારા ગુરુવારે તિરુપતિ સોસાયટીની વાડી ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગ પૂર્ણ થયા બાદ ભેગા થયેલા પાટીદાર સમાજના લોકોએ સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. 35 દિવસથી દીકરી પરિવારથી અલગ છે, ત્યારે દીકરીના ભાઈએ સમાજ પાસે મદદની અપીલ કરી હતી.
સગીરા કાકા સાથે સુરતમાં રહેતી હતી
મળતી માહિતી મુજબ, ગુમ થયેલી દીકરીનાં માતા-પિતા ગામડે રહે છે અને સુરતમાં તે પોતાના કાકા સાથે રહેતી હતી. સમાજ દ્વારા દીકરીને વહેલી તકે શોધી લાવવા માટે ગૃહ વિભાગમાં રજૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે, સાથે જ આરોપીને ઝડપથી પકડી તેના સામે વિશેષ ગુનો દાખલ કરવાની માગ ઊઠી છે.
પોલીસે યોગ્ય કાર્યવાહી ન કર્યાનો આક્ષેપ
સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે આરોપીનો ફોન પાંચ દિવસ સુધી ચાલુ હતો અને તેનું લોકેશન પણ ઉપલબ્ધ હતું, તેમ છતાં પોલીસે ગફલત દાખવી, જેના કારણે કોઈ પરિણામ મળ્યું નથી. આ મામલે જવાબદાર પોલીસ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માગ કરવામાં આવી છે.
સમાજમાં વ્યાપી રહેલાં સામાજિક દૂષણો ખતમ કરવા એક થવા અપીલ
સૌરાષ્ટ્રના એક ગામડામાં રહેતા દીકરીના પરિવારને આર્થિક સહાય માટે સમાજ દ્વારા બાંયધરી આપવામાં આવી છે. મિટિંગમાં હાજર રહેલા તમામ લોકો સરથાણા પોલીસ સ્ટેશન પહોંચી જવાબ માગ્યા હતા, સાથે જ સમાજમાં વ્યાપતા સામાજિક દૂષણો ખતમ થાય અને યુવાનો જાગ્રત બને તેવી અપીલ પણ કરવામાં આવી હતી.
આરોપીની શોધખોળ ચાલુ હોવાનું PIનું રટણ
મોટી સંખ્યામાં લોકો સરથાણા પોલીસ સ્ટેશન પહોંચતાં પીઆઇ બી. બી. કરપડા દોડી આવ્યા હતા, જેને પણ ઘેરી લેવામાં આવ્યા હતા. ચારે તરફથી સવાલોનો મારો શરૂ કરવામાં આવ્યો હતો. પીઆઇએ પણ એક જ રટણ ચાલુ રાખ્યું હતું કે આ મારી ટીમ શોધખોળ કરી રહી છે, જોકે આરોપી ખૂબ જ સાતિર હોવાથી પકડમાં ન આવતો હોવાની પણ પીઆઇ કરપડાએ કબૂલાત કરી હતી.
પોલીસની કામગારી સામે પાટીદાર સમાજે સવાલો ઉઠાવ્યા
પાટીદાર સમાજની 17 વર્ષીય સગીરાનું અપહરણ થયાને 35 દિવસ થયા છતાં પણ હજુ સુધી કોઈ પણ પત્તો લાગ્યો નથી. સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઇની કાર્યવાહી સામે પાટીદાર સમાજ દ્વારા સવાલો કરવામાં આવી રહ્યા છે. જ્યારે આ બાબતે અપરણ જેવી ઘટના હોવા છતાં પણ તાત્કાલિક કાર્યવાહી ન થઈ હોવાના કારણે સુરત પોલીસ કમિશનરે સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઇ બી. બી. કરપડાનો ઊધડો લીધો હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે.