Loading...

1500 કરોડના જમીન સ્કેમ મામલે સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટરની ધરપકડ:EDએ ગાંધીનગર સ્થિત નિવાસસ્થાનથી અરેસ્ટ કર્યા

1500 કરોડના જમીન NA (બિનખેતી)કરાવવાના કૌભાંડ મામલે EDએ 23 ડિસેમ્બર, 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ત્યાર બાદ બપોરે આ કેસમાં એસીબી સુરેન્દ્રનગરમાં ઇડીના અધિકારીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયૂર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા સામે લાંચ-રુશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો. ત્યાર બાદ તેની ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી.

આ મામલે સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર એવા રાજેન્દ્ર પટેલની ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. ઈડીની ત્રણ ટીમ ગાંધીનગર સ્થિત તેમના નિવાસ્થાને પહોંચી હતી, જ્યાં પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે.

ACBમાં નોંધાયેલી ફરિયાદમાં ઘટસ્ફોટ થયો છે કે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ 1 કરોડની લાંચ લીધી છે અને એમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયૂર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા સામેલ છે. માત્ર એટલું જ નહીં, એક શીટમાં દલાલોનાં નામ અને તેમને આપવાની રકમ પણ લખેલી હોવાનું સામે આવ્યું હતું.

બેડરૂમમાંથી 67 લાખની કેશ મળી 23 ડિસેમ્બરે દિલ્હી ખાતે આવેલી EDની સ્પેશિયલ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીના રહેણાક પરિસરમાં PMLAની કલમ 17 હેઠળ હાથ ધરવામાં આવેલી સર્ચ કાર્યવાહી દરમિયાન 67.50 લાખની રોકડ રકમ રિકવર કરી જપ્ત કરવામાં આવી હતી. આ રોકડ રકમ તેમના બેડરૂમમાં છુપાવેલી મળી આવી હતી. આરોપી ચંદ્રસિંહ મોરીએ 23 ડિસેમ્બર, 2025ના રોજ PMLAની કલમ 17 હેઠળ નોંધાયેલા તેમના નિવેદનમાં સ્વીકાર્યું છે કે જપ્ત કરાયેલી રોકડ રકમ જમીનના હેતુફેરની અરજીઓના ઝડપી અથવા સાનુકૂળ નિકાલ માટે સીધી રીતે અથવા વચેટિયાઓ દ્વારા અરજદારો પાસેથી માગેલી અને એકઠી કરેલી લાંચની રકમ છે.

સૂત્રોએ માહિતી આપી ને ED ત્રાટકી EDના ડાયરેક્ટર સિદ્ધાર્થ જૈને ACBમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે વિશ્વસીનય સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે સુરેન્દ્રનગરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોટે પાયે જમીનકૌભાંડ આચરવામાં આવી રહ્યું છે, જેમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સહિતના લોકો સામેલ છે.

ચંદ્રસિંહે લીધેલી 1 કરોડની લાંચમાં કલેક્ટરની પણ સંડોવણી ચંદ્રસિંહ મોરીએ ઈડી સમક્ષ સ્વીકાર્યું કે જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે સ્કવેરમીટરદીઠ 10 રૂપિયાના ભાવથી લાંચ લેવામાં આવતી હતી. ચંદ્રસિંહ મોરીના પ્રિમાસિસમાંથી મળેલા દસ્તાવેજોમાં 1 કરોડની લાંચ લીધી હોવાના દસ્તાવેજી પુરાવા મળ્યા છે.

જ્યારે સૌથી આંચકાજનક વાત તો એ છે કે ચંદ્રસિંહ મોરીએ સ્વીકાર્યું છે કે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ, કલેક્ટરના ક્લાર્ક મયૂર ગોહિલ, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા આ કૌભાંડમાં સામેલ છે અને લાંચના પણ ભાગીદાર છે.

પ્રિન્ટેડ શીટમાં હજુ અનેક રહસ્યો ધરબાયેલાં EDને સર્ચ દરમિયાન એક પ્રિન્ટેડ શીટ મળી છે, જેમાં ઓનલાઇન અરજીનો નંબર, જમીનની વિગત, સર્વે નંબર, કયા પ્રકારની અરજી છે એ સહિતની વિગતો હતી. આ ઉપરાંત કયા અરજદાર પાસે કેટલી લાંચ લેવામાં આવી એની પણ વિગતો હતી. આ શીટમાં વચેટિયાઓ, કમિશન એજન્ટનાં પણ નામ હતાં. માત્ર એટલું જ નહીં, શીટના ડેટા મુજબ 2 લાખ 61 હજાર 332 સ્કવેરમીટર જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે 26 લાખ 17 હજાર 320ની લાંચ લેવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

શીટના નીચેના ભાગ પર પેનથી કોના કેટલા રૂપિયાનું લખાણ આ શીટના નીચેના ભાગ પર પેનથી કોના કેટલા રૂપિયા કાઢવાના છે એની પણ નોંધ કરવામાં આવી છે, જેમાં એમડીના 64 લાખ, સીબીના 60 હજાર, અશોકના 2 લાખ 83 હજાર, એચપીના 6 લાખ, રાકેશભાઈ 5000, આશિષભાઈના 70 હજાર એવી નોંધ કરવામાં આવેલી છે.

ખંડણી અને ગેરકાયદે રીતે લાભ કરાવીને NA કૌભાંડ ચલાવાતું સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ચાલતા આ સિસ્ટેમેટિક NA કૌભાંડની મોડસઓપરેન્ડી પણ ભલભલાને ચોંકાવી દે એવી છે. જમીન NA કરાવવા મામલે EDની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે વચેટિયાઓ અને એજન્ટો મારફત જમીન NA કરાવવામાં આવતી હતી. આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદે રીતે લાભ કરાવીને NA કૌભાંડ ચલાવવામાં આવ્યું હતું.
 
ચંદ્રસિંહ મોરી પાસે જમીન NAના પાવર હતા આ કૌભાંડ CLU(ચેન્જ ઓફ લેન્ડ યુઝ) એટલે કે હેતુફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈ આચરવામાં આવતું હતું. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે જમીન NA બાબતે પાવર હતા અને એનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આયોજનબદ્ધ રીતે જમીન NA કરી આપવા બાબતમાં રૂપિયા લેવામાં આવતા હતા. આ રૂપિયા સ્પીડ મનીના માધ્યમથી અરજી વિલંબિત રાખ્યા સિવાય કામ કરી આપવામાં આવતું હતું. અરજીના આધારે પર ચોરસમીટર મુજબ રકમ નક્કી કરવામાં આવતી હતી. વચેટિયાઓના માધ્યમથી આ રકમ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવતી હતી.

સોલર‎ પ્લાન્ટમાં મોટેપાયે થયેલા જમીન સંપાદનનો મુદ્દો સુરેન્દ્રનગરમાં મંગળવારે (24 ડિસેમ્બર, 2025)ને સવારે પરોઢિયે 5 વાગ્યે‎ EDએ રૂ.1500 કરોડના જમીન સંપાદન કેસ મામલે ‎‎કલેક્ટર, નાયબ મામલતદાર,‎ ‎કલેક્ટરના પીએ, વકીલ અને‎ ‎ક્લાર્કની પૂછપરછ હાથ ધરી હતી. ‎‎રાત્રે 10 વાગ્યા સુધી તપાસ ચાલી ‎‎હતી. ત્યાં સુધી કોઇ સત્તાવાર વિગતો‎ ‎સામે આવી નહોતી, પરંતુ કલેક્ટરે સત્તા ‎‎સંભાળ્યા બાદ નળસરોવર, ‎‎ધ્રાંગધ્રાના માલવાણ, લખતરના ‎‎તલસાણા અને પાટડીમાં સોલર‎ પ્લાન્ટમાં મોટેપાયે થયેલા જમીન સંપાદનનો મુદ્દો ‎ચર્ચામાં આવ્યો હતો. કલેક્ટર જે ફાઇલનો વહીવટ‎ કરવાનો હોય એ ઘરે લઇ જતા હતા.

5 લોકોનું નિવાસસ્થાન એપી સેન્ટર સમગ્ર તપાસનું ‎એપી સેન્ટર આ 5 જણાનું નિવાસસ્થાન હતું.‎ કલેક્ટરના બંગલામાંથી 100 ફાઇલ જપ્ત કરાઇ છે.‎ એન્ફોર્સમેન્ટ ડિરોક્ટેરેટ (ED)ની ટીમે 1500‎ કરોડના જમીન સંપાદનમાં કટકી-બટકીના ‎આરોપસર વર્તમાન કલેક્ટર રાજેન્દ્રકુમાર એમ.પટેલ,‎ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પીએ‎ રવિરાજસિંહ ઝાલા, કલાર્ક મયૂરસિંહ ગોહિલ અને ‎‎હાઇકોર્ટના એક વકીલ સહિત પાંચ વ્યક્તિની ‎‎પૂછપરછ હાથ કરી હતી.