રાજસ્થાનના 20 જિલ્લામાં માવઠું, ઉત્તરાખંડમાં પ્રથમ હિમવર્ષા:MP-તેલંગાણા સહિત 15 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ
હવામાન વિભાગે આગામી ત્રણ મહિના (જાન્યુઆરીથી માર્ચ સુધી) મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં સારો વરસાદ પડવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. જ્યારે પંજાબ, હરિયાણા સહિત ઉત્તર-પશ્ચિમ ભારતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થશે.
IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રે જણાવ્યું કે બિહાર અને નોર્થ ઈસ્ટ રાજ્યોમાં આ વખતે શિયાળો લગભગ ત્રણ દિવસ વધુ રહેશે જ્યારે રાજસ્થાનમાં ઠંડી વહેલી પૂરી થવાની આશા છે.
બીજી તરફ જમ્મુ-કાશ્મીરના સોનમર્ગ, પહેલગામ અને ગુલમર્ગમાં હિમવર્ષા ચાલુ છે. કાશ્મીર ઘાટીને જમ્મુ ક્ષેત્ર સાથે જોડતા મુઘલ રોડ અને સિન્થન ટોપ રોડને વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. શ્રીનગર-સોનમર્ગ-ગુમરી રોડ, જે કાશ્મીરને લદ્દાખના કારગિલ જિલ્લા સાથે જોડે છે. તેને પણ હાલમાં હિમવર્ષાને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે.
કાશ્મીર હાલમાં ચિલ્લા-એ-કલાં (40 દિવસની કડકડતી ઠંડી)ના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન રાત્રિનું તાપમાન ઘણું નીચે જાય છે. પરંતુ આ વર્ષે મેદાની વિસ્તારોમાં હજુ સુધી બરફ પડ્યો નથી. હિમવર્ષા ફક્ત પહાડી વિસ્તારોમાં જ થઈ રહી છે.
3 જાન્યુઆરી: વરસાદ-બરફવર્ષાની શક્યતા
- પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, મધ્ય પ્રદેશ, ઝારખંડ અને છત્તીસગઢમાં ધુમ્મસનું એલર્ટ.
- જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના નીચાણવાળા વિસ્તારોમાં હળવો વરસાદ, જ્યારે ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે.
- વરસાદ, હિમવર્ષા અને ઠંડા પવનોને કારણે ઘણા વિસ્તારોમાં ઠંડી અને શીતલહેરની અસર વધી શકે છે.
- દિલ્હીમાં શીતલહેરની શરૂઆત, આ દરમિયાન તાપમાન 5 ડિગ્રીથી નીચે જઈ શકે છે.
રાજ્યોમાંથી હવામાનના સમાચાર..
રાજસ્થાન: 20 જિલ્લામાં માવઠું, બીકાનેરમાં અડધો કલાક સુધી કરા પડ્યા, ધુમ્મસનું યલો એલર્ટ
ગુરુવારે 20 થી વધુ જિલ્લાઓમાં માવઠું પડ્યું, સૌથી વધુ વરસાદ બીકાનેરના શ્રીડુંગરગઢમાં 26 મિમી નોંધાયો. બીકાનેરના ગ્રામીણ વિસ્તારોમાં મોડી રાત્રે લગભગ અડધા કલાક સુધી કરા પડ્યા. વરસાદને કારણે દિવસનું તાપમાન 10 ડિગ્રી સુધી ગગડી ગયું. શુક્રવારે ગાઢ ધુમ્મસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મધ્ય પ્રદેશ: કલ્યાણપુર-પચમઢી સૌથી ઠંડા, પારો 5 ડિગ્રીથી નીચે, કાલથી તીવ્ર ઠંડી
રાજ્યના ઉત્તરીય ભાગના 16 જિલ્લાઓમાં ધુમ્મસ છે. 5 જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે. શહડોલનું કલ્યાણપુર અને હિલ સ્ટેશન પચમઢી સૌથી ઠંડા રહ્યા. અહીં પારો 5 ડિગ્રીથી નીચે રહ્યો. હવામાન વિભાગના મતે 24 કલાક પછી કડકડતી ઠંડીનો દોર શરૂ થઈ જશે.
ઉત્તર પ્રદેશ: વરસાદથી ઠંડી વધી, 30 જિલ્લામાં ધુમ્મસ, વિઝિબિલિટી 10 મીટરથી પણ ઓછી
રાજ્યના ઘણા જિલ્લાઓમાં કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસ છવાયેલું છે. પશ્ચિમ યુપીના મથુરા સહિત ઘણા જિલ્લાઓમાં થયેલા ઝરમર વરસાદે ઠંડીમાં વધારો કર્યો છે. સિઝનમાં પહેલીવાર રાત્રિનું તાપમાન 3 ડિગ્રી સુધી પહોંચી ગયું. શુક્રવાર સવારથી લખનઉ, કાનપુર, ગોરખપુર, ઝાંસી સહિત 30 જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે.
બિહાર: કોલ્ડ-ડેનું ઓરેન્જ એલર્ટ, પટના સહિત 10 જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ, સમસ્તીપુરમાં પારો 3.8°C