Loading...

ટ્રમ્પે વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્રપતિને ધમકી આપી:કહ્યું- ડેલ્સીએ અમેરિકાની વાત માની નહીં, તો તેમની હાલત માદુરો કરતાં પણ વધારે ખરાબ થશે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે, 'જો ડેલ્સી રોડ્રિગ્ઝ તે નહીં કરે જે અમેરિકા વેનેઝુએલા માટે યોગ્ય માને છે, તો તેમની હાલત માદુરો કરતાં પણ વધુ ખરાબ થઈ શકે છે.'

ટ્રમ્પે ધ એટલાન્ટિક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં આ વાત કહી છે. એક દિવસ પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ રોડ્રિગ્ઝ સાથે વાત કરી છે. તેઓ વેનેઝુએલામાં લોકોનું જીવનધોરણ સુધારવા માટે અમેરિકાની અપેક્ષાઓ પર કામ કરવા તૈયાર છે.

ન્યૂ યોર્ક પોસ્ટને આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું હતું કે જો રોડ્રિગ્ઝ અમેરિકાની વાત માની લે છે તો વેનેઝુએલામાં અમેરિકી સેના તૈનાત કરવાની જરૂર નહીં પડે. બીજી તરફ, રોડ્રિગ્ઝે માદુરોને સત્તા પરથી હટાવવાની ટીકા કરી છે. સાથે જ અમેરિકા પાસેથી માદુરોને પાછા મોકલવાની માંગ કરી છે.

વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટે ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવવાનો આદેશ આપ્યો છે. બ્લૂમબર્ગ અનુસાર, સુપ્રીમ કોર્ટે ડેલ્સી રોડ્રિગ્ઝને તાત્કાલિક રાષ્ટ્રપતિના તમામ અધિકારો સાથે કાર્યકારી ધોરણે કાર્યભાર સંભાળવા જણાવ્યું છે.

ટ્રમ્પે કહ્યું- વેનેઝુએલા ચલાવવા માટે ખાસ ટીમ બનાવી

ટ્રમ્પે રવિવારે કહ્યું કે વેનેઝુએલા ચલાવવા માટે એક ખાસ ટીમ બનાવવામાં આવી છે. તેમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો, રક્ષા મંત્રી પીટ હેગસેથ અને અન્ય ટોચના અધિકારીઓ સામેલ હશે.

આ ટીમ વેનેઝુએલામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા, સરકારી સંસ્થાઓને ફરીથી કાર્યરત કરવા, તેલ, ઉર્જા અને સુરક્ષા જેવા મહત્વના ક્ષેત્રોને સ્થિર કરવા અને સંક્રમણકાળને સંભાળવામાં મદદ કરશે.

ટ્રમ્પે એમ પણ કહ્યું કે અમેરિકા આ માટે વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ સાથે મળીને કામ કરી રહ્યું છે.

વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિએ માદુરોને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી

વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે અમેરિકાને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમના પત્ની સિલિયા ફ્લોરેસને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી. તેમણે કહ્યું કે નિકોલસ માદુરો વેનેઝુએલાના કાયદેસર અને એકમાત્ર રાષ્ટ્રપતિ છે અને તેમને બળજબરીથી પકડવા સંપૂર્ણપણે ખોટું છે.

2 જાન્યુઆરી: અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ, તેમની પત્નીનું અપહરણ કર્યું

અમેરિકી સૈનિકોએ 2 જાન્યુઆરીની રાત્રે વેનેઝુએલા પર હુમલો કરીને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સીલિયા ફ્લોરેસનું અપહરણ કરી લીધું હતું. આ પછી તેમને ન્યૂયોર્ક લાવવામાં આવ્યા છે, જ્યાં તેમને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. તેમના પર હથિયાર-ડ્રગ્સ સંબંધિત કેસોમાં મુકદ્દમો ચલાવવામાં આવશે.

માદુરો રાષ્ટ્રપતિ બન્યાથી લઈને તેમની ધરપકડ સુધીની મોટી ઘટનાઓ

2013: બસ ડ્રાઈવરથી વર્કર યુનિયન લીડર બનેલા નિકોલસ માદુરો, ડાબેરી નેતા હ્યુગો ચાવેઝ પછી વેનેઝુએલાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.

2020: અમેરિકાએ માદુરો અને તેમના નજીકના 14 લોકો પર આતંકવાદ, ડ્રગ તસ્કરી, મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા. તેમની ધરપકડની માહિતી આપવા પર 1.5 કરોડ ડોલરનું ઇનામ રાખ્યું.

2024: રાષ્ટ્રપતિ ચૂંટણીમાં માદુરો વિજેતા જાહેર થયા, જ્યારે વિપક્ષનો દાવો હતો કે તેમના ઉમેદવાર એડમન્ડો ગોન્ઝાલેઝે ભારે બહુમતીથી જીત મેળવી છે.

2025: જાન્યુઆરીમાં અમેરિકાએ માદુરોની ધરપકડ સંબંધિત માહિતી પર ઇનામ વધારીને 5 કરોડ ડોલર કરી દીધું. ફેબ્રુઆરી 2025: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વેનેઝુએલા અમેરિકામાં ગેરકાયદેસર રીતે આવેલા પોતાના નાગરિકોને પાછા લેવા પર સહમત થઈ ગયું છે.

સપ્ટેમ્બર 2025: અમેરિકાએ ડ્રગ્સની તસ્કરીમાં ઉપયોગમાં લેવાતી બોટને નિશાન બનાવીને પ્રશાંત અને કેરેબિયન સાગરમાં હુમલા કર્યા. ડિસેમ્બર સુધીમાં આ હુમલાઓમાં 100થી વધુ લોકોના મોત થયા.

ઓક્ટોબર 2025: ટ્રમ્પે CIAને વેનેઝુએલામાં સિક્રેટ ઓપરેશન ચલાવવાની મંજૂરી આપી.

જાન્યુઆરી 2026: અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરીને માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસની ધરપકડ કરી. બંનેને ન્યૂયોર્કના એક ડિટેન્શન સેન્ટરમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમના પર હથિયારો અને ડ્રગ્સ સંબંધિત આરોપો લગાવવામાં આવ્યા.