બાંગ્લાદેશ ટી-20 વર્લ્ડ કપ રમવા ભારત નહીં આવે:બોર્ડે ICC પાસે શ્રીલંકામાં રમવાની માગ કરી
બાંગ્લાદેશની ટીમ ટી-20 વર્લ્ડ કપ રમવા ભારત નહીં આવે. આ જાણકારી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) દ્વારા આપવામાં આવી છે. બોર્ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) પાસે પોતાની ટીમના મેચ શ્રીલંકામાં યોજવાની માગ પણ કરી છે.
બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને BCCIના આદેશ પર IPL માંથી બહાર કર્યા બાદ BCBએ આ નિર્ણય લીધો છે.
હવે ICC નક્કી કરશે કે બાંગ્લાદેશના મેચ શ્રીલંકામાં થશે કે નહીં. યુનુસ સરકારમાં રમતગમત સલાહકાર (રમતગમત મંત્રી) આસિફ નઝરુલે સોશિયલ મીડિયા પર આ અંગેની જાણકારી આપતા BCBના નિર્ણયનું સ્વાગત કર્યું છે.
ટી-20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકામાં રમાવાનો છે. મેચોનું શેડ્યૂલ બદલવું સરળ નથી કારણ કે તમામ ટીમોની ટિકિટો અગાઉથી બુક થઈ ગઈ છે.
બાંગ્લાદેશના ગ્રુપ સ્ટેજમાં તમામ ચાર મુકાબલા ભારતમાં જ શેડ્યૂલ છે. જેમાંથી ત્રણ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર અને એક મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં છે.
ભારત નહીં જાય બાંગ્લાદેશ- BCB
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ જણાવ્યું છે કે, ભારતમાં બાંગ્લાદેશી ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બોર્ડે સરકાર સાથે પરામર્શ કર્યા બાદ નિર્ણય લીધો છે કે અમારી ટીમ વર્લ્ડ કપ માટે ભારત નહીં જાય. બોર્ડે આ સંદર્ભમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને પણ સત્તાવાર મેઇલ મોકલી દીધો છે. અમે ટીમના તમામ મેચ શ્રીલંકામાં યોજવા માગીએ છીએ.
બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર KKR માંથી બહાર
આ પહેલાં, 3 જાન્યુઆરીના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ મુસ્તફિઝુરને ટીમમાંથી બહાર કરી દીધો હતો. બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર થઈ રહેલી હિંસા વચ્ચે તેમને ટીમમાંથી હટાવવાની માગ ઉઠી રહી હતી. ત્યારબાદ BCCIએ શાહરૂખ ખાનની IPL ટીમ KKRને મુસ્તફિઝુર રહેમાનને હટાવવાનો નિર્દેશ આપ્યો હતો, જેના પછી આ નિર્ણય લેવામાં આવ્યો.
BCCI સચિવ દેવજીત સૈકિયાએ શનિવારે કહ્યું હતું કે, તાજેતરના દિવસોમાં જે ઘટનાક્રમ સામે આવ્યા છે, તેને જોતા બોર્ડે KKRને મુસ્તફિઝુરને રિલીઝ કરવાનો નિર્દેશ આપ્યો છે. જો ફ્રેન્ચાઇઝી કોઈ રિપ્લેસમેન્ટ ખેલાડીની માગ કરે છે, તો તેને તેની મંજૂરી આપવામાં આવશે.
બાંગ્લાદેશમાં છેલ્લા 15 દિવસમાં 4 હિંદુઓની હત્યા કરવામાં આવી છે. IPL 2026ની શરૂઆત 26 માર્ચથી થશે. જ્યારે લીગની ફાઇનલ મેચ 31 મેના રોજ રમાશે.
બાંગ્લાદેશનું ગ્રુપ મુશ્કેલ
T-20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સ્ટેજમાં કુલ 20 ટીમો સામેલ છે, જેને 4 અલગ-અલગ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ટીમ પોતાના ગ્રુપમાં 4 લીગ મેચ રમશે. લીગ સ્ટેજ પછી દરેક ગ્રુપમાંથી 2-2 ટોચની ટીમોને સુપર-8 સ્ટેજમાં એન્ટ્રી મળશે. ગ્રુપ-સીની બાંગ્લાદેશ અને ગ્રુપ-ડીની અફઘાનિસ્તાનનો ગ્રુપ સૌથી મુશ્કેલ લાગી રહ્યો છે, કારણ કે તેમાં ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ સામેલ છે. ચારેય ટીમોને ફાઇનલ રમવાનો અનુભવ છે, જ્યારે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ક્યારેય કોઈ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી શક્યા નથી.
20 ફેબ્રુઆરી સુધી ચાલશે ગ્રુપ સ્ટેજ
ગ્રુપ સ્ટેજમાં 7 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી સુધી દરરોજ 3 મેચ રમાશે. 20 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા અને ઓમાન વચ્ચે એક જ મેચ રમાશે. પહેલા રાઉન્ડમાં 40 મેચ રમાવાની છે. 21 ફેબ્રુઆરીથી સુપર-8 રાઉન્ડ શરૂ થશે, જેમાં 12 મેચ રમાશે. અહીં 22 ફેબ્રુઆરી, 26 ફેબ્રુઆરી અને 1 માર્ચના રોજ 2-2 મેચ રમાશે. જ્યારે બાકીના દિવસોમાં 1 જ મેચ રમાશે. મેચ શરૂ થવાનો સમય સવારે 11.00, બપોરે 3.00 અને સાંજે 7 વાગ્યે રહેશે.