SMCના ડ્રાફ્ટ બજેટની તૈયારી, કેપિટલ ખર્ચમાં 120 કરોડનો વધારો:સુવાલી બીચ ફેસ્ટિવલમાં 19 રૂટ પર 23 બસો દોડશે
સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27ના ડ્રાફ્ટ બજેટની તૈયારીઓ માટે કમિશનર શાલિની અગ્રવાલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, લાંબા ચોમાસાને કારણે વિકાસ કાર્યોમાં અવરોધ આવ્યો હોવા છતાં ગત વર્ષની સરખામણીએ કેપિટલ ખર્ચમાં રૂ. 120 કરોડનો વધારો નોંધાયો છે. ચાલુ વર્ષે 5 જાન્યુઆરી સુધીમાં રૂ. 1,900 કરોડનો વાસ્તવિક ખર્ચ થયો છે, જે પાલિકાની કાર્યક્ષમતા દર્શાવે છે.
રિવાઇઝ્ડ બજેટમાં 1,000 કરોડનો ઘટાડો થવાની સંભાવના
જોકે, વહીવટી તંત્ર સામે મોટો પડકાર રૂ. 4,902 કરોડના કુલ કેપિટલ બજેટ લક્ષ્યાંકને આંબવાનો છે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP), તાપી બેરેજ અને ડુમસ સી-ફેસ જેવા મોટા પ્રોજેક્ટ્સ વિલંબમાં ચાલતા હોવાથી રિવાઇઝ્ડ બજેટમાં રૂ. 1,000 કરોડનો ઘટાડો થવાની સંભાવના છે. કમિશનરે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે, લક્ષ્યાંક પૂરો કરવાના નામે નીતિ-નિયમો અને કામની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરવી નહીં.
સુરતની સિટી સર્વે કચેરીઓને મામલતદાર કચેરીમાં ભેળવવાનો નિર્ણય
રાજ્ય સરકારે સુરતની સિટી સર્વે કચેરીઓને મામલતદાર કચેરીમાં ભેળવી દેવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. લાંબા સમયથી સિટી સર્વે કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર અને કામગીરીમાં વિલંબની ફરિયાદોને પગલે કલેક્ટરની દરખાસ્તને મંજૂરી અપાઈ છે. હવે જમીન દફતર ખાતાની વર્ગ-2ની કચેરીઓનું વિકેન્દ્રીકરણ કરી તેને તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીમાં સમાવવામાં આવશે.
20 કર્મીઓ માટે બેઠક અને આધુનિક રેકોર્ડ રૂમની સુવિધા
આ નિર્ણયથી સુરતના નાગરિકોને જમીન નોંધણી, હક્કચોકસી અને સિટી સર્વે જેવી કામગીરી માટે અલગ-અલગ કચેરીઓના ધક્કા ખાવા પડશે નહીં. તમામ પ્રક્રિયા એક જ છત નીચે ઉપલબ્ધ થતા કામકાજમાં પારદર્શિતા આવશે અને સમયનો બચાવ થશે. દરેક કચેરીમાં આશરે 20 કર્મચારીઓ માટે બેઠક વ્યવસ્થા અને આધુનિક રેકોર્ડ રૂમની સુવિધા પણ ઊભી કરવામાં આવશે.
19 નવા રૂટ પર 23 સ્પેશિયલ બસો દોડાવવાનો નિર્ણય
જાહેર પરિવહન અને પ્રવાસન ક્ષેત્રે, આગામી 9 થી 11 જાન્યુઆરી દરમિયાન યોજાનારા 'સુવાલી બીચ ફેસ્ટિવલ-2026' માટે સુરત મહાનગરપાલિકાના પરિવહન વિભાગે વિશેષ આયોજન કર્યું છે. શહેરીજનોની ભારે ભીડને ધ્યાને રાખીને 19 નવા રૂટ પર 23 સ્પેશિયલ બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સુવિધાને કારણે શહેરના અંતરિયાળ વિસ્તારોમાંથી પણ લોકો સરળતાથી બીચ સુધી પહોંચી શકશે.
આગ લાગવાની ઘટનાને પગલે 23 બસો 'ઇ-બસો' રાખવાનો નિર્ણય
મુસાફરોની સુરક્ષાને સર્વોપરી રાખીને પરિવહન વિભાગે તમામ 23 બસો 'ઇ-બસો' (E-Buses) રાખવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં ડીઝલ બસોમાં આગ લાગવાની ઘટનાઓને પગલે સાવચેતીના ભાગરૂપે આ પગલું લેવાયું છે. મુસાફરો માત્ર 30 રૂપિયાની 'સુમન પ્રવાસ ટિકિટ' ખરીદીને વરીયાવ, અડાજણ, સચિન અને વરાછા જેવા વિસ્તારોમાંથી સીધી બસ સેવાનો લાભ લઈ શકશે.
શહેરના દરિયાકિનારાના પ્રવાસનને નવો વેગ મળશે શહેરના ખૂણે-ખૂણે કનેક્ટિવિટી આપવા માટે રેલવે સ્ટેશન, કામરેજ, ડિંડોલી અને ભેસ્તાન જેવા મુખ્ય પોઈન્ટ્સ પર સ્ટોપેજ રાખવામાં આવ્યા છે. આ સ્પેશિયલ બસ સેવા સવારથી સાંજ સુધી કાર્યરત રહેશે, જેથી ફેસ્ટિવલમાં આવતા સહેલાણીઓને પરિવહનની કોઈ ચિંતા રહેશે નહીં. સુરત મહાનગરપાલિકા આ ફેસ્ટિવલ દ્વારા શહેરના દરિયાકિનારાના પ્રવાસનને નવો વેગ આપવા માગે છે.
છ મહિનાથી મોકલાવેલી દરખાસ્તને આખરે મંજૂરી મળી
સુરત શહેરની સિટી સર્વે કચેરીઓમાં લાંબા સમયથી ચાલતા ભ્રષ્ટાચાર, કામગીરીમાં અસહ્ય વિલંબ અને નાગરિકોની સતત હેરાનગતિનો અંત લાવવા માટે રાજ્ય સરકારે એક મોટો નીતિગત નિર્ણય લીધો છે. સુરત જિલ્લા કલેક્ટર દ્વારા છેલ્લા છ મહિનાથી મોકલવામાં આવેલી દરખાસ્તને આખરે સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. આ નિર્ણય અંતર્ગત હવે શહેરની તમામ સિટી સર્વે કચેરીઓને મામલતદાર કચેરીમાં સમાવી દેવામાં આવશે.
જમીન સંબંધિત જટિલ પ્રક્રિયાઓ વધુ સરળ બનશે
આ નવા વહીવટી માળખા મુજબ, સિટી સર્વે સહિત જમીન દફતર ખાતાની જિલ્લા કક્ષાની વર્ગ-2ની કચેરીઓનું હવે તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરવામાં આવશે. હવે ડી.આઈ.એલ.આર., સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ, હક્કચોકસી અધિકારી અને સર્વે મામલતદાર જેવી કચેરીઓ મામલતદાર કચેરી સાથે જોડાઈને કાર્યરત થશે. આ ફેરફારને કારણે જમીન સંબંધિત જટિલ પ્રક્રિયાઓ વધુ સરળ અને પારદર્શક બનશે તેવી આશા નાગરિકો રાખી રહ્યા છે.