Loading...

બાંગ્લાદેશમાં હિંદુ વિધવા સાથે ગેંગરેપ:સંબંધીઓને રૂમમાં બંધ કર્યા, બળાત્કાર બાદ ઝાડ સાથે બાંધીને માર માર્યો

બાંગ્લાદેશમાં 44 વર્ષીય એક હિંદુ વિધવા મહિલા પર ગેંગરેપ કરવામાં આવ્યો. આરોપીઓએ રેપ કર્યા બાદ તેને ઝાડ સાથે બાંધીને માર માર્યો. આ ઘટના બાંગ્લાદેશના ઝેનાઈદહ જિલ્લાના કાલીગંજ વિસ્તારમાં બની હતી. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી છે અને બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે.

પીડિત મહિલાએ સોમવારે બપોરે કાલીગંજ પોલીસ સ્ટેશનમાં 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જે એક આરોપી હસન (ઉં.વ.45)ને કસ્ટડીમાં લીધો છે, તે તે જ વિસ્તારના એક ગામનો રહેવાસી છે.

આરોપ છે કે આ દરમિયાન મહિલાના વાળ કાપી નાખવામાં આવ્યા, તેની સાથે મારપીટ કરવામાં આવી અને સમગ્ર ઘટનાનો મોબાઈલ ફોનથી વીડિયો બનાવવામાં આવ્યો.

સંબંધીઓને રૂમમાં બંધ કરીને રેપ કર્યો

પોલીસ અને સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, મહિલાએ લગભગ બે વર્ષ પહેલા ગામમાં એક ઘર અને જમીન ખરીદી હતી. આ જમીન તેણે આરોપી શાહીનના ભાઈ પાસેથી લીધી હતી. જમીન ખરીદ્યા પછી શાહીન તેને સતત પરેશાન કરી રહ્યો હતો અને તેની પાસેથી પૈસા માગી રહ્યો હતો.

મહિલાના બે પુરુષ સંબંધીઓ શનિવારે સાંજે તેને મળવા આવ્યા હતા. તે જ સમયે શાહીન અને હસન બળજબરીથી ઘરમાં ઘૂસી આવ્યા. તેઓએ મહિલાના સંબંધીઓને એક રૂમમાં બંધ કરી દીધા અને મહિલાને બીજા રૂમમાં લઈ જઈને રેપ કર્યો.

આ પછી આરોપીઓએ મહિલા અને તેના સંબંધીઓને ઘરમાંથી બહાર ખેંચીને ઝાડ સાથે બાંધી દીધા અને તેમના પર અશ્લીલ પ્રવૃત્તિઓનો ખોટો આરોપ લગાવ્યો.

મહિલા તેના 10 વર્ષના પુત્ર સાથે તે જ ગામમાં રહે છે. શનિવારે રાત્રે સ્થાનિક લોકોએ મહિલાને ગંભીર હાલતમાં જોઈ અને તેને હોસ્પિટલમાં દાખલ કરી.

મહિલાની સારવારને કારણે કેસ નોંધવામાં વિલંબ થયો

પીડિત મહિલાએ પોલીસને જણાવ્યું કે જમીન ખરીદ્યા પછીથી જ આરોપી તેને ડરાવતો અને ધમકાવતો રહ્યો. કાલીગંજ પોલીસ સ્ટેશનના ઓફિસર-ઇન-ચાર્જ જેલાલ હુસૈને જણાવ્યું કે મહિલાની હોસ્પિટલમાં સારવારને કારણે કેસ નોંધવામાં વિલંબ થયો.

હાલમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓને પકડવા માટે છાપેમારી કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું છે કે આ મામલે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને દોષિતોને સજા અપાવવા માટે સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવશે.

બાંગ્લાદેશમાં 18 દિવસમાં 4 હિંદુઓની હત્યા

બાંગ્લાદેશમાં છેલ્લા 3 અઠવાડિયામાં 4 હિંદુઓની હત્યા કરવામાં આવી છે. જેસોર જિલ્લામાં સોમવારે સાંજે એક હિંદુ વેપારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના મોનિરામપુર વિસ્તારના કોપાલિયા બજારમાં બની હતી. મૃતકનું નામ રાણા પ્રતાપ બૈરાગી હતું અને તેમની ઉંમર 38 વર્ષ હતી. તેઓ છેલ્લા બે વર્ષથી ત્યાં બરફ બનાવવાની ફેક્ટરી ચલાવી રહ્યા હતા.

સ્થાનિક લોકોએ જણાવ્યું કે સાંજે લગભગ 6 વાગ્યે કેટલાક લોકો રાણા પ્રતાપને તેમના કામના સ્થળેથી બહાર બોલાવીને નજીકની એક ગલીમાં લઈ ગયા. ત્યાં અચાનક તેમના પર ગોળીઓ ચલાવવામાં આવી. લોકોએ ઘણી ગોળીઓના અવાજ સાંભળ્યા.

બદમાશો ગોળી મારીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા. બાદમાં પોલીસે ઘટનાસ્થળેથી સાત ખાલી કારતૂસ જપ્ત કર્યા. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોરો મોટરસાયકલ પર આવ્યા હતા. તેમણે પહેલા રાણા પ્રતાપ સાથે થોડી વાતચીત કરી અને પછી તેમના માથામાં ઘણી ગોળીઓ મારી દીધી. ગોળી વાગવાથી તેમનું ઘટનાસ્થળે જ મોત થયું.

આ પહેલા 18 ડિસેમ્બરે દીપુ ચંદ્રની હત્યા બાદ 24 ડિસેમ્બરે ભીડે એક હિંદુ યુવકની માર મારીને હત્યા કરી હતી. આ ઉપરાંત 24 ડિસેમ્બરે અને 29 ડિસેમ્બરે પણ બે હિંદુઓની હત્યા કરવામાં આવી હતી.