Loading...

ઉત્તરાયણે રાજકોટમાં ભારત VS ન્યુઝીલેન્ડની વન-ડે મેચ:1500થી 7000ના ભાવે બુકમાય શો પર ટિકિટ વેચાણ શરૂ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતના ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટી-20 મેચ રાજકોટમાં યોજાનાર છે. આગામી 14 જાન્યુઆરીના રોજ જામનગર રોડ પર ખંઢેરી સ્થિત નિરંજન શાહ સ્ટેડીયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વન-ડે મેચ રમાનાર છે, જેને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. SCA દ્વારા આ મેચ માટેની ટિકિટનાં દરની જાહેરાત કરવામાં આવી છે.

આ વર્ષે ટિકિટના ભાવ 1500થી લઇ 7000 સુધી નક્કી કરવામાં આવ્યા છે, જેનું ઓનલાઇન બુકિંગ બુકમાય શો પર શરૂ કરી દેવાયું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ઇસ્ટ સ્ટેન્ડ, વેસ્ટ સ્ટેન્ડ અને સાઉથ પેવેલિયન એમ ત્રણ પાર્ટ પાડીને તે અનુસાર ટિકિટનાં દર નક્કી કરાયા છે. એટલું જ નહીં આ મેચ માટે ખાસ કોર્પોરેટ બોક્સ પણ બનાવવામાં આવ્યા છે, જેમાં વીઆઇપી સગવડ મળી રહેશે.

સૌથી મોંઘી કોર્પોરેટ બોક્સની ટિકિટ
 
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર ટી-20 મેચ માટે ઇસ્ટ સ્ટેન્ડમાં લેવલ 1, 2 અને 3 માટે ટિકિટના દર 1,500 રૂપિયા. જ્યારે વેસ્ટ સ્ટેન્ડનાં લેવલ-1 માટે રૂ. 2,000, જ્યારે લેવલ 2 માટે 2,500 રૂપિયા અને લેવલ 3 માટે 2500 રૂપિયા, તેમજ વેસ્ટ સ્ટેન્ડમાં કોર્પોરેટ બોક્સનો દર 7000 રૂપિયા રાખવામાં આવ્યો છે. આ સિવાય સાઉથ પેવેલિયનમાં લેવલ-1નો ટિકિટ દર 7,000 રૂપિયા, લેવલ-2ના 5,000 રૂપિયા, લેવલ-3ના 3,000 રૂપિયા ઉપરાંત કોર્પોરેટ બોક્સનાં 6000 રૂપિયા રાખવામાં આવ્યા છે.
 
ન્યુઝીલેન્ડની ટીમ પ્રથમ વખત રાજકોટની મહેમાન
 
BCCI દ્વારા જાહેર કરેલ શિડ્યુલ મુજબ ન્યુઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી છે અને તેમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વન-ડે મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે યોજાનાર છે. ન્યુઝીલેન્ડની ટીમ પ્રથમ વખત રાજકોટની મહેમાન બની રહી છે. અત્યાર સુધીમાં રાજકોટનાં ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કુલ 12 આંતરરાષ્ટ્રીય મેચ રમાયા છે, જેમાં 3 ટેસ્ટ, 6 T-20 અને 4 વન ડેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગત વર્ષે જાન્યુઆરી, 2025માં પ્રથમ વખત ભારતની વુમન્સ ટીમ પણ રાજકોટની મહેમાન બની હતી, જેમાં ભારતીય મહિલા ક્રિકેટરોએ આયર્લેન્ડ સામે રેકોર્ડ સ્થાપિત કરી શાનદાર જીત મેળવી 3-0થી વનડે ઇન્ટરનેશનલ શ્રેણી પર કબજો મેળવ્યો હતો.
 
વિરાટ કોહલી અને રોહિત શર્માને જોવા ભારે ભીડ ઉમટે તેવી શક્યતાં
 
રાજકોટમાં રમાનાર મેચની ટીમ જાહેર કરવામાં આવી છે, જેમાં શુભમન ગીલની કેપટશિપ હેઠળ રોહિત શર્મા, વિરાટ કોહલી, કે. એલ. રાહુલ, શ્રેયસ ઐયર, વોશિંગટન સુંદર, રવિન્દ્ર જાડેજા, સિરાજ, હર્ષિત રાણા, પ્રસિદ્ધ ક્રિષ્ના, કુલદીપ યાદવ, રિષભ પંત, નિતીશ કુમાર રેડી, અર્ષદીપ સિંઘ અને યશસ્વી જયશ્વાલનો સમાવેશ છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં રમાનાર મેચમાં કદાચ વિરાટ કોહલી અને રોહિત શર્માને રમતો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે, તેવો અંદાજ એસોસિએશન તરફથી લગાવવામાં આવી રહ્યો છે.