'કોર્ટમાં RDX મૂક્યો છે, 1.55 વાગ્યા સુધીમાં ન્યાયાધીશો ખાલી કરે':રાજકોટ કોર્ટ પરિસરમાં ડ્રોન મળ્યું, હાઇકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકી
સવારે ગુજરાત હાઇકોર્ટ તથા રાજ્યનાં વિવિધ શહેરોની લોઅર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. સુરત, આણંદ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચની લોઅર કોર્ટને RDXથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળ્યો હતો. આ ધમકી LTTE(લિબરેશન ટાઇગર ઓફ તમિળ ઇલમ) દ્વારા આપવામાં આવી છે તેમજ તમામને એક જ પેટર્નથી ધમકીઓ આપી છે. LTTEના પૂર્વ સભ્યો સાથે મળીને કાશ્મીર ISKPના મેમ્બર્સે કોર્ટને નિશાન બનાવી છે.
જ્યારે તપાસ દરમિયાન રાજકોટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ પરિસરમાં તપાસ દરમિયાન SOG ટીમને એક ડ્રોન મળ્યું હતું. જો કે તપાસમાં આ ડ્રોન મહેસાણાના વકીલ સાથે લઈને આવ્યા હોવાનું સામે આવ્યું હતું. તેમજ તેમાં કોઈ સ્ફોટક વસ્તુ ઇન્સ્ટોલ કરેલી નહોતી. પોલીસે વકીલની ડ્રોન બાબતે પૂછપરછ હાથ ધરી હતી.
કોર્ટને મળેલા ધમકી ભર્યા મેલમાં લખ્યું છે કે....
"JECTO GEO વિરોધ: તમારા કોર્ટ પરિસરમાં ત્રણ RDXનો ઉપયોગ કરીને માનવ આત્મઘાતી વિસ્ફોટ મૂકવામાં આવ્યો છે. આ વિસ્ફોટ થાય એ પહેલાં બપોરે 1.55 વાગ્યા સુધીમાં ન્યાયાધીશોને કોર્ટ ખાલી કરવાનું કહ્યું હતું."
ભરૂચ અને ગાંધીનગર કલેક્ટર ઓફિસને પણ આ જ પેટર્નથી મેલ મળ્યો હતો આ ઉપરાંત ભરૂચ કલેકટર અને ગાંધીનગર કલેક્ટર કચેરીને પણ આ જ પેટર્નથી ધમકી ભરેલો મેલ મળ્યો છે. આ અંગે જાણ થતા જ પોલીસે કલેક્ટર કચેરી ખાલી કરાવી હતી.
સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કંઈ શંકાસ્પદ ન મળ્યું, માત્ર અર્જન્ટ કેસની જ સુનાવણી સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને મોડીરાતે 2 વાગ્યે અંગ્રેજીમાં મેલ કરી RDXથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. જ્યારે કોર્ટના કર્મચારીઓએ સવારે ફરજ પર આવીને આ મેલ તપાસ્યો, ત્યારે એમાં કોર્ટ બિલ્ડિંગને વિસ્ફોટકોથી ઉડાવી દેવાની ગંભીર ચેતવણી લખેલી હતી, જેનાથી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. કોર્ટમાં બ્લાસ્ટની ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન તપાસ બપોરે પૂર્ણ થઈ ગઈ હતી, જેમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી નથી. સાવચેતીના પગલા રૂપે અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે તપાસ પૂર્ણ થયા બાદ પણ કોર્ટમાં માત્ર અત્યંત જરૂરી એટલે કે અર્જન્ટ કેસોની જ કાર્યવાહી કરાશે. જેથી અન્ય કામકાજ માટે આવતા લોકોની ભીડને નિયંત્રિત કરી શકાય.
ગ્રામ્ય કોર્ટ બાદ 24 કલાકમાં અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટને ધમકી
5 જાન્યુઆરીના રોજ અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ આજે(6 જાન્યુઆરીની સવારે) એટલે કે 24 કલાકની અંદર અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના રજિસ્ટ્રી વિભાગને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. આ ધમકીને પગલે કોર્ટ કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે તેમજ બોમ્બ-સ્ક્વોડ અને ડોગ-સ્ક્વોડ સહિતની ટીમો કોર્ટમાં તપાસ કરી હતી. આ તપાસમાં કોઈ વિસ્ફોટક પદાર્થ મળ્યો નથી.
આ ઘટનાક્રમ વચ્ચે રાજકોટ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવા ધમકી મળી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે કોર્ટના સિક્યોરિટી ઇન્ચાર્જ દ્વારા પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી હતી. કંટ્રોલ દ્વારા યુનિવર્સિટી પોલીસ તેમજ બૉમ્બ- સ્ક્વોડ, ડોગ-સ્ક્વોડ અને SOGને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે કોર્ટ પરિસર ખાલી કરાવી તપાસ હાથ ધરી હતી. જો કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી.
સુરત કોર્ટ પરિસર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું
મેલની ગંભીરતાને ધ્યાને રાખીને સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ સ્ટાફ દ્વારા તાત્કાલિક પ્રિન્સિપલ જજને જાણ કરવામાં આવી હતી. જજ સાહેબે આ બાબતને અત્યંત સંવેદનશીલ ગણીને સમયનો સહેજ પણ બગાડ કર્યા વિના તરત જ પોલીસ વિભાગને મેલ વિશે વાકેફ કરવા અને કડક સુરક્ષા તપાસ હાથ ધરવા માટે આદેશ આપ્યા હતા. જજ સાહેબના આદેશ બાદ કોર્ટ પરિસર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.
ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ફાસ્ટટ્રેક કોર્ટનાં બિલ્ડિંગમાં સઘન ચેકિંગ
પોલીસને જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને એસોજી (SOG)ની ટીમો તાત્કાલિક સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના પરિસરે પહોંચી ગઈ હતી. બોમ્બ-સ્ક્વોડ અને ડોગ-સ્ક્વોડની મદદથી સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ફાસ્ટટ્રેક કોર્ટનાં બિલ્ડિંગમાં સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા પરિસરના ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી હતી, જેથી કોઈ અઘટિત ઘટનાને ટાળી શકાય.
'સમય ગુમાવ્યા વગર તાત્કાલિક પોલીસને જાણ કરી'
સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે કોર્ટના સ્ટાફે એ મેલ સવારમાં જ જોયો, વહેલી સવારે જેવો મળ્યો એટલે તરત જ. તરત જ તેમણે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજસાહેબને જાણ કરી. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજસાહેબે પણ કોઈપણ પ્રકારનો સમય ગુમાવ્યા વગર તાત્કાલિક પોલીસને જાણ કરી અને અત્યારે પોલીસ તરફથી કોર્ટ બિલ્ડિંગમાં સઘન ચેકિંગનું અભિયાન ચાલુ છે. બોમ્બ-સ્ક્વોડવાળા પણ આવી ગયા છે અને એ લોકો પણ ચેકિંગ કરી રહ્યા છે.
તપાસ દરમિયાન પ્રવેશ પણ કડક પ્રતિબંધ લાદ્યો હતો
કોર્ટ પરિસરમાં તપાસની કાર્યવાહી ચાલુ હોવાથી સુરક્ષાના ભાગરૂપે પોલીસ અને વકીલમંડળ દ્વારા મહત્ત્વની સૂચના આપવામાં આવી હતી. કોર્ટની બહાર ઉભેલા કોર્ટ સ્ટાફના કર્મચારીઓ અને વકીલોને તરત પરત જવા માટે જણાવવામાં આવ્યું હતું. જ્યાં સુધી કોર્ટની અંદર તપાસની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈપણ વ્યક્તિને અંદર પ્રવેશ ન કરવા માટે કડક સૂચના આપી હતી.
ગઈકાલે 5 જાન્યુઆરીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી
ઇન્કમટેક્સ પાસે આવેલી અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી હતી. અજાણ્યા શખસે ઇ-મેલ મારફત કોર્ટના આઈડી પર મેલ કરીને ઉડાવવાની ધમકી આપી હતી. ધમકી મળતાં કોર્ટની કામગીરી સ્થગિત કરવામાં આવી. આ ઇ-મેલ મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ નવરંગપુરા પોલીસે બોમ્બ-સ્કવોડ અને ડોગ-સ્કવોડ સાથે કોર્ટમાં તપાસ કરી હતી.
18 ડિસેમ્બર, 2025ના રોજ અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. સ્કૂલોને મોકલવામાં આવેલા ઈ-મેલમાં બપોરે 1:11 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી. ઈ-મેલમાં અમદાવાદ ધમાકા બ્લાસ્ટ સ્કૂલ સે સાબરમતી જેલ તક એવું લખવામાં આવ્યું છે, સાથે જ મેલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને પણ ટાર્ગેટ કરવાની ધમકી આપી હતી