સોનિયા ગાંધીની તબિયત લથડી:દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે સોનિયા ગાંધીને નિયમિત તપાસ માટે સોમવારે સાંજે દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર છે અને તેમને છાતી રોગ નિષ્ણાતની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
સૂત્રો અનુસાર, સોનિયા ગાંધીને લાંબા સમયથી ઉધરસની સમસ્યા છે, જેના કારણે તેઓ સમયાંતરે ચેકઅપ માટે આવતા રહે છે. ખાસ કરીને દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે તેમની તકલીફ વધી જાય છે. સોનિયા ગાંધી ડિસેમ્બર 2025માં 79 વર્ષના થઈ ચૂક્યા છે.
આ પહેલા સોનિયાને 15 જૂન, 2025ના રોજ પેટમાં તકલીફના કારણે સર ગંગારામ હોસ્પિટલના સર્જિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ 3 થી 4 દિવસ સુધી દાખલ હતા. સોનિયાની 7 જૂને પણ અચાનક તબિયત લથડી હતી.
તેઓ પ્રિયંકા ગાંધી સાથે શિમલા સ્થિત ઘરમાં રજાઓ ગાળવા ગયા હતા. જોકે, તબિયત ખરાબ થવાને કારણે બીજા દિવસે દિલ્હી પરત ફર્યા હતા. તેમણે 9 જૂને સર ગંગારામ હોસ્પિટલમાં મેડિકલ ચેક-અપ કરાવ્યું હતું.