Loading...

14 વર્ષ પહેલાં જ્યાં ઉપવાસ કર્યા, એ જ ગ્રાઉન્ડમાં સભા:PM 1 લાખથી વધુ લોકોને સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથી મુલાકાતે આવી રહ્યા છે. સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર પ્રધાનમંત્રી મોદીનો 2 કિમી લાંબો રોડ શો યોજશે, જેમાં 108 અશ્વો સામેલ થશે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને ઉત્કંઠા છવાઈ ગઈ છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી જે સદભાવના ગ્રાઉન્ડમાં જનમેદનીને સંબોધન કરશે એનું અને નરેન્દ્ર મોદીનું વર્ષ 2012નું એટલે કે 14 વર્ષ જૂનું કનેક્શન છે.

સદભાવના ગ્રાઉન્ડ અને મોદીનું કનેક્શન

પ્રધાનમંત્રી મોદી જે વિશાળ મેદાનમાં જનસભાને સંબોધશે તે સદભાવના ગ્રાઉન્ડ પોતે જ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. વર્ષ 2012માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા, ત્યારે નર્મદા ડેમની ઊંચાઈ વધારવાના મુદ્દે ચાલતા જન આંદોલન દરમિયાન તેમણે જાન્યુઆરી 2012માં આ જ સ્થળે સદભાવના ઉપવાસ કર્યા હતા. ત્યારબાદથી આ મેદાન 'સદભાવના ગ્રાઉન્ડ' તરીકે ઓળખાય છે.

એક લાખથી વધુ લોકોની હાજરીનો અંદાજ

11 જાન્યુઆરીએ સ્વાભિમાન પર્વ અંતર્ગત આ જ સદભાવના ગ્રાઉન્ડમાં પ્રધાનમંત્રી મોદી વિશાળ જનસભાને સંબોધશે. આ જનસભામાં એક લાખથી વધુ લોકોની જનમેદની એકત્ર થવાની શક્યતા છે.

ભાજપ અધ્યક્ષ સોમનાથ આવી પહોંચ્યા

જનસભાની તૈયારીઓને લઈને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે તા. 7 જાન્યુઆરીએ સોમનાથ આવી પહોંચ્યા છે. તેઓ ભાજપ સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠકો યોજીને આયોજનની સમીક્ષા કરશે. જનમેદની એકત્ર કરવા માટે રાજ્યના ચાર મંત્રીઓ પણ સક્રિય રીતે કવાયત કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

સોમનાથ સર્કિટ હાઉસમાં રાત્રિરોકાણ કરશે મોદી

10 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી સોમનાથ સર્કિટ હાઉસ ખાતે તૈયાર કરાયેલા વિશેષ ગ્રીન રૂમમાં રાત્રિરોકાણ કરશે. 11 જાન્યુઆરીની વહેલી સવારે તેઓ સોમનાથ મહાદેવનાં દર્શન કરશે. આ દરમિયાન જળાભિષેક, ધ્વજાપૂજા અને સોમેશ્વર મહાપૂજા સહિતની વૈદિક વિધિપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવશે.

2 કિ.મી. લાંબી યાત્રામાં 108 અશ્વો સામેલ થશે

ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરના શંખ સર્કલથી સદભાવના ગ્રાઉન્ડ સુધી ભવ્ય 'સ્વાભિમાન યાત્રા' યોજાશે. સોમનાથના ઈતિહાસમાં પહેલીવાર અંદાજે 2 કિ.મી. લાંબી આ યાત્રામાં 108 અશ્વો સામેલ થશે. યાત્રામાં આગળ અને પાછળ અશ્વો તથા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હશે, જે ભારતના સાંસ્કૃતિક ગૌરવ અને શૌર્યનું પ્રતીક બનશે. યાત્રાનું સમાપન સદભાવના ગ્રાઉન્ડ ખાતે થશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશાળ જાહેરસભાને સંબોધન કરશે. આ સભામાં સ્વાભિમાન, સંસ્કૃતિ અને વિકાસના સંદેશ સાથે દેશને નવી દિશા આપતી મહત્ત્વપૂર્ણ ઘોષણાઓ થવાની શક્યતા છે.

1026ની ઘટનાનાં 1000 વર્ષ

પીએમના આ પ્રવાસનું વિશેષ મહત્ત્વ ઈતિહાસ સાથે જોડાયેલું છે. ઈતિહાસ મુજબ, ઈ.સ. 1026માં મહમૂદ ગઝ્નવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું. વર્ષ 2026માં આ ઐતિહાસિક ઘટનાને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ નિમિત્તે સોમનાથ ખાતે એક અભૂતપૂર્વ કાર્યક્રમ યોજવાનું આયોજન છે, જેમાં રાજ્યભરમાંથી પોલીસ માઉન્ટેડ દળના 108 અશ્વોને એકત્ર કરવામાં આવશે. આ પ્રતીકાત્મક આયોજન દ્વારા સોમનાથના પુનરુદ્ધાર અને અસ્મિતાની ગાથા રજૂ કરવામાં આવી શકે છે.

ચુસ્ત સુરક્ષા અને તડામાર તૈયારી

10 અને 11 જાન્યુઆરીના વડાપ્રધાનના કાર્યક્રમોને લઈને સોમનાથમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ, મુખ્ય સચિવો અને વરિષ્ઠ અધિકારીઓએ કાર્યક્રમ સ્થળની રૂબરૂ મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સચિવો સાથે સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી. વડાપ્રધાનના પ્રવાસને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસવડાના સીધા માર્ગદર્શન હેઠળ આશરે 3500 પોલીસ જવાનો સાથે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

સોમનાથ મંદિર કોરિડોરની ડિઝાઈન ફાઈનલ થઈ શકે

સૂત્રો અનુસાર, દિલ્હી સ્થિત ત્રણ જુદી-જુદી એજન્સીઓ દ્વારા તૈયાર કરાયેલા કોરિડોર પ્રોજેક્ટના મોડલ અને પ્રેઝન્ટેશન વડાપ્રધાન સમક્ષ રજૂ કરાશે. ત્રણમાંથી એક અંતિમ પ્રોજેક્ટને વડાપ્રધાનની મંજૂરી મળ્યા બાદ સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટની વિધિવત કામગીરી શરૂ થશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કોરિડોર પ્રોજેક્ટ અત્યંત વિશાળ, આધુનિક સુવિધાઓથી સજ્જ અને દૃશ્યાત્મક રીતે અદભુત હશે. સોમનાથ મંદિરને વૈશ્વિક આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવવા માટે આ પ્રોજેક્ટને વડાપ્રધાન મોદીના "ડ્રીમ પ્રોજેક્ટ" તરીકે જોવામાં આવે છે.