Loading...

મુસ્લિમ ટોપી પહેરેલા AAP નેતાઓનાં પોસ્ટરથી હોબાળો:સુરતમાં VHPએ ઈસુદાન, ઈટાલિયા અને ચૈતર વસાવાના ચહેરા પર શાહી લગાવી

સુરતના ગોડાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત જાહેરસભા વિવાદોના વમળમાં ફસાઈ છે. સભા શરૂ થાય એ પહેલાં જ વિસ્તારમાં પક્ષના મુખ્ય નેતાઓના વિરોધમાં પોસ્ટરો લાગતાં રાજકારણ ગરમાયું છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા આ નેતાઓને 'હિન્દુવિરોધી' ગણાવી ઉગ્ર વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે મુસ્લિમ ટોપી પહેરેલા AAPના નેતાઓના ફોટા પર શાહી લગાવવામાં આવી હતી અને ફોટા ફાડવામાં પણ આવ્યા હતા.

VHPના કાર્યકર્તાએ કહ્યું, સાંજે 8 વાગ્યે ગોડાદરા વિસ્તારમાં 'મુઘલો'ની એક આમસભા છે. જેમ બાબર અને ઔરંગઝેબ અહીં આવીને ધીરે-ધીરે પોતાના પગ પેસારો કરતા હતા, એવી જ રીતે આમ આદમી પાર્ટી પોતાનો પગ પેસારો કરવાની કોશિશ કરી રહી છે. આજે આ આવ્યા છે, કાલે તેમની પાછળ વિધર્મીઓ આવશે, પછી અહીં લવ-જેહાદના કિસ્સાઓ ચાલુ થઈ જશે. ચેઈન-સ્નેચિંગ જેવી અનેક ઘટનાઓ વધશે.

પોસ્ટરોમાં શું હતું વિવાદિત?

આજે (8 જાન્યુઆરી) ગોડાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજવાની છે. ગોડાદરામાં ઠેર-ઠેર લગાવવામાં આવેલાં આ પોસ્ટરોમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા અને મનોજ સોરઠિયાના ફોટા મૂકવામાં આવ્યા હતા. આ પોસ્ટરોમાં ખાસ કરીને નેતાઓના ફોટા પર મુસ્લિમ ટોપી પહેરેલી હોય એવું એડિટિંગ કરવામાં આવ્યું હતું. પોસ્ટર પર નિમંત્રક તરીકે "મુસ્લિમ સમાજ-મીઠી ખાડી" એવું લખાણ લખવામાં આવ્યું હતું. વિરોધકર્તાઓ દ્વારા આ નેતાઓનાં મોઢાં પર કાળી શાહી પણ ચોપડવામાં આવી હતી.

વિશ્વ હિન્દુ પરિષદનો આક્રમક વિરોધ

આ પોસ્ટરો સામે આવતાં જ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં રસ્તા પર ઊતરી આવ્યા હતા. VHP કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે આ નેતાઓ હિન્દુવિરોધી માનસિકતા ધરાવે છે. કાર્યકરોએ "હિન્દુવિરોધી નેતાઓને અમારા વિસ્તારમાં નહીં આવવા દઈએ" એવા સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવ્યું હતું. વિરોધપ્રદર્શન દરમિયાન ગોપાલ ઈટાલિયાનાં પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યાં હંતા અને અન્ય નેતાઓના ફોટા પર શાહી લગાવી રોષ વ્યક્ત કરાયો હતો.

ગોડાદરા વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયું

સભા પૂર્વે થયેલા આ વિરોધપ્રદર્શનને પગલે ગોડાદરા વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયું છે. એક તરફ રાત્રે AAP પોતાની સભાને સફળ બનાવવા પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ હિન્દુ સંગઠનોના વિરોધને કારણે કાયદો અને વ્યવસ્થા જાળવવી એ પોલીસ માટે પડકાર બની રહ્યો છે.

ઇટાલિયા સનાતન ધર્મવિરોધી માણસ છેઃ જય શર્મા

વીએચપીના કાર્યકર્તા જય શર્માએ જણાવ્યું હતું કે ગોડાદરા વિસ્તારમાં 'મુઘલો'ની એક આમસભા છે. આ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા, જે સનાતન ધર્મ વિરોધી માણસ છે, જે હંમેશાં ધર્મનો દુષ્પ્રચાર કરતો રહ્યો છે. ક્યારેક આપણી ભગવદ્ ગીતાનું અપમાન કરે છે, તો ક્યારેક આપણા કથાવાચકોનું અપમાન કરે છે. આવી વ્યક્તિ કાલે ગોડાદરામાં આવીને પોતાની પાર્ટીને લઈને અહીં રાજનીતિ ચમકાવવા માટે આમસભા કરવાનાં બેનરો અમે અત્યારે જોયાં. તમે જોઈ શકો છો કે કેવી રીતે ટોપી પહેરીને આ લોકોએ બેનર લગાવ્યાં છે. આનો આખા ગોડાદરા વિસ્તારના સનાતની ભાઈઓ વિરોધ કરે છે.