Loading...

રાજકોટથી ડમરુ-કરતાલના તાલે સોમનાથની પ્રથમ ટ્રેન રવાના:સોમનાથ સ્વાભિમાન પર્વ માટે 4 દિવસ સ્પેશિયલ ટ્રેન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશની આસ્થાના કેન્દ્ર તથા પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે 8થી 11 જાન્યુઆરી દરમિયાન ભવ્ય ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે રાજકોટથી સોમનાથ જવા માટેની સ્પેશિયલ ટ્રેન 4 દિવસ દરમિયાન દોડશે, જેમાંની પ્રથમ ટ્રેનનો રાત્રે 12 વાગ્યે રાજકોટ રેલવે સ્ટેશન ખાતેથી પ્રારંભ થયો હતો. આ સમયે ડમરુ અને કરતાલના નાદ સાથે રેલવે સ્ટેશન પર દિવ્ય ધાર્મિક માહોલ સર્જાયો હતો.

નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીએ સોમનાથ ઉપસ્થિત રહેશેઃ માધવ દવે

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ જણાવ્યું હતું કે, પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરના પ્રાંગણમાં 2500 ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર અને 72 કલાકનો અખંડ ઓમકાર જાપ કરવામાં આવનાર છે. જેમાં દેશના વડાપ્રધાન અને સોમનાથ મંદિરના પ્રમુખ નરેન્દ્ર મોદી અહીં 10 જાન્યુઆરીએ ઉપસ્થિત રહેવાના છે. જેને લઈ રાજકોટથી 7, 8, 9 અને 10 જાન્યુઆરીના એમ 4 દિવસ સ્પેશિયલ ટ્રેન દોડશે. પ્રથમ ટ્રેન રાત્રે 12 વાગ્યે ભક્તિમય માહોલમાં રવાના થઈ હતી. આ તકે મેયર નયનાબેન પેઢડીયા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા.

સોમનાથ સ્વાભિમાન પર્વનું ભવ્ય આયોજન

ઈ.સ.1026માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું, જેને આજે 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ સાથે જ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનો જે સંકલ્પ લીધો હતો, તેના પણ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ ‘ડબલ સંયોગ’ના અવસરે સમગ્ર દેશ સોમનાથના શૌર્ય અને સંઘર્ષના ઇતિહાસને યાદ રાખી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ સ્વાભિમાન પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

14મીએ PM મોદી ભવ્ય રોડ-શો અને શૌર્ય યાત્રામાં જોડાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીએ સાંજે 5.30 કલાકે સોમનાથ પધારશે. વડાપ્રધાન 11 જાન્યુઆરીના રોજ ભગવાન સોમનાથના દર્શન-અર્ચન કરીને આ પર્વમાં સહભાગી થશે. દર્શન-અર્ચન બાદ વડાપ્રધાન સોમનાથ મંદિરની બહાર સ્થિત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ ઉપરાંત તેઓ એક ભવ્ય રોડ-શો અને શૌર્ય યાત્રામાં જોડાશે તથા એક વિશાળ જનસભાને સંબોધન કરી દેશવાસીઓને સાંસ્કૃતિક એકતાનો સંદેશ આપશે.

રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાથી રોજની 4 સ્પેશિયલ ટ્રેન

સોમનાથ સ્વાભિમાન પર્વમાં રાજ્યભરના નાગરિકો મોટી સંખ્યામાં જોડાઈ શકે તે માટે સ્પેશિયલ ટ્રેનોની સુવિધા પણ કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે 8, 9 અને 10 જાન્યુઆરી દરમિયાન રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાથી દરરોજ ચાર સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. સાથે જ યાત્રિકો માટે રહેવા, જમવા અને દર્શન માટેની તમામ સુવિધાઓ પણ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે.

રાજકોટથી સોમનાથ જવા 4 સ્પેશિયલ ટ્રેન 10 જાન્યુ. સુધી દોડશે

  • સુરત-વેરાવળ ટ્રેન રાત્રે 12.45 વાગ્યે રાજકોટ આવશે અને 12.55 વાગ્યે અહીંથી ઉપડશે.
  • વડોદરા-વેરાવળ ટ્રેન રાત્રે 1.45 વાગ્યે રાજકોટ આવશે અને અહીંથી 1.55 વાગ્યે ઉપડશે.
  • સાબરમતી-વેરાવળ ટ્રેન રાત્રે 3.25 વાગ્યે રાજકોટ આવશે અને 3.35 વાગ્યે અહીંથી રવાના થશે.
  • રાજકોટ-વેરાવળ ટ્રેન રાત્રે 11.55 વાગ્યે રાજકોટથી રવાના થશે.

સોમનાથથી રાજકોટ આવવા 4 સ્પેશયલ ટ્રેન 8થી 11 જાન્યુઆરી દોડશે

  • વેરાવળ-સુરત ટ્રેન રાત્રે 1.50 વાગ્યે રાજકોટ પહોંચશે અને અહીંથી 2 વાગ્યે રવાના થશે.
  • વેરાવળ-વડોદરા ટ્રેન રાત્રે 2.10 વાગ્યે રાજકોટ પહોંચશે અને અહીંથી 2.20 વાગ્યે ઉપડશે.
  • વેરાવળ-સાબરમતી ટ્રેન રાત્રે 2.45 વાગ્યે આવશે અને રાજકોટથી 2.55 વાગ્યે રવાના થશે.
  • વેરાવળ-રાજકોટ ટ્રેન સવારે 5 વાગ્યે રાજકોટ પહોંચશે.