અમદાવાદથી 1292 યાત્રાળુઓ સોમનાથ જવા રવાના:સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં સામેલ થશે
બાર જ્યોતિર્લિંગમાંથી એક સોમનાથ જ્યોતિર્લિંગ ખાતે આજે 8 જાન્યુઆરીથી સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવણીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી વેરાવળની સ્પેશિયલ ટ્રેનને સોમનાથ ખાતે જવા રવાના થઈ હતી. આ સ્પેશિયલ ટ્રેન મારફતે કુલ 1292 યાત્રાળુઓ સોમનાથ ખાતે પહોંચીને મહાદેવના દર્શન કરશે. ઢોલ-નગારા, શંખનાદ અને ‘હર હર મહાદેવ’, ‘જય સોમનાથ’ના નાદ સાથે આ ટ્રેનને રાત્રે સાબરમતી રેલવે સ્ટેશનથી સાંસદ દિનેશ મકવાણા, ભાજપ પ્રમુખ પ્રેરક શાહ અને મેયર પ્રતિભા જૈન દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
સાબરમતી રેલવે સ્ટેશન પર હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો
સોમનાથ જવા માટે રાત્રે 10:00 વાગ્યે યાત્રાળુઓ સાબરમતી રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. ભાજપના સંગઠનના હોદ્દેદારો અને કોર્પોરેટરો સહિતના કાર્યકર્તાઓ સોમનાથ જઇ રહ્યા હતા જે પહેલા સાબરમતી રેલવે સ્ટેશન ઢોલ-નગારા, શંખનાદ અને ‘હર હર મહાદેવ’ તથા જય સોમનાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તિભાવનો માહોલ સર્જાયો હતો. સોમનાથ સ્વાભિમાન પર્વ ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતના ગૌરવની ઉજવણીરૂપ કાર્યક્રમ છે. જે રાષ્ટ્રીય સ્વાભિમાનની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. સોમનાથ મહાદેવના મંદિર સાથે જોડાયેલી ઐતિહાસિક ગાથાઓ, ભારતની અડગ શ્રદ્ધા, આક્રમણો સામે અવિચલ રહેલી સંસ્કૃતિ અને રાષ્ટ્રના સ્વાભિમાનની પ્રતીકરૂપ ઓળખને આ પર્વ દ્વારા પુનઃસ્મરણ કરવામાં આવી રહી છે.
આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ, હર્ષદ પટેલ, જીતુ ભગત, કૌશિક જૈન, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, પ્રાંત અધિકારીશ્રી સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ તથા યાત્રાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.