સોમનાથમાં 108 તાલીમબદ્ધ અશ્વ પર ગુજરાત પોલીસનું રિહર્સલ:10મી જાન્યુઆરીએ PM મોદીની આગેવાનીમાં 'શૌર્ય યાત્રા’
ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં 3 દિવસીય સ્વાભિમાન પર્વની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પર્વની પૂર્વસંધ્યાએ સમગ્ર સોમનાથ ધામ દિવ્ય રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં શૌર્ય યાત્રા અને શૌર્ય સભા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે, જેને પગલે સમગ્ર પંથકમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.
સોમનાથ ખાતે આયોજિત ઐતિહાસિક ‘સ્વાભિમાન પર્વ’ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભવ્ય રોડ-શો યોજાશે, જેને ‘શૌર્ય યાત્રા’ નામ આપવામાં આવ્યું છે. આ યાત્રામાં ગુજરાત પોલીસના 108 તાલીમબદ્ધ અશ્વ વિશેષ આકર્ષણ જમાવશે. વડાપ્રધાન 10 જાન્યુઆરીએ સોમનાથ પહોંચશે અને રાત્રિરોકાણ પણ ત્યાં જ કરશે. ત્યારે તૈયારીઓના ભાગરૂપે સોમનાથમાં દિવ્ય રોશનીથી ઝળહળી ઊઠ્યું છે. રંગરોગાન સાથે શણગારાઈ રહ્યું છે.
શૌર્ય યાત્રાનું આયોજન અને રૂટ
વડાપ્રધાન મોદી સોમનાથના શંખ સર્કલથી મંદિર પટાંગણ સુધીની આ શૌર્ય યાત્રામાં જોડાશે. આ દરમિયાન તેમની સુરક્ષા અને શોભામાં વધારો કરવા માટે અશ્વસવારો કેસરી સાફા અને નિર્ધારિત ડ્રેસ કોડ સાથે શિસ્તબદ્ધ રીતે જોડાશે. યાત્રાના રૂટ પર વિવિધ સાંસ્કૃતિક કલાકૃતિઓ અને લોકસંસ્કૃતિનાં દૃશ્યો રજૂ કરવામાં આવશે.
અશ્વ નિદર્શન અને રિહર્સલ
અગાઉ આ પર્વ માટે 1,000 અશ્વના પ્રદર્શનનું આયોજન હતું, પરંતુ હવે 108 અશ્વ સાથે અશ્વ નિદર્શન યોજવાનો નિર્ણય લેવાયો છે. આ અશ્વોને ખાસ સાજશણગાર સાથે મંદિર પટાંગણથી સદભાવના ગ્રાઉન્ડ સુધી લઈ જવામાં આવશે. કાર્યક્રમ પૂર્વે આજે યોજાયેલા રિહર્સલે સ્થાનિકો અને યાત્રિકોમાં ભારે કુતૂહલ અને રોમાંચ જગાવ્યો હતો.
વહીવટી તૈયારીઓ અને અધિકારીઓની નિમણૂક
આ ભવ્ય આયોજન માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. અશ્વ નિદર્શન કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી નોડલ અધિકારી તરીકે ડીઆઈજી (DIG) આર.વી. ચૂડાસમાને સોંપવામાં આવી છે.
તેમની મદદ માટે પોલીસ અધિકારીઓની એક વિશેષ ટીમ તહેનાત કરવામાં આવી છે, જેમાં અધિકારીઓનો સમાવેશ થાય છે.
નગરની ભવ્ય સજાવટ અને સુરક્ષા વ્યવસ્થા
યાત્રિકો અને શ્રદ્ધાળુઓના સ્વાગત માટે સોમનાથના મુખ્ય માર્ગો, ચોક અને જાહેર સ્થળોને આકર્ષક રીતે શણગારવામાં આવ્યાં છે. ઝળહળતું લાઈટિંગ, આધ્યાત્મિક સૂત્રો અને ઐતિહાસિક પ્રસંગો દર્શાવતાં બેનરો દ્વારા નગરને સુશોભિત કરાયું છે. વડાપ્રધાનના આગમનને પગલે વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના સજ્જડ બંદોબસ્ત સાથે સ્વચ્છતા, ટ્રાફિક નિયંત્રણ અને આરોગ્ય સેવાઓ માટે વિશેષ ટીમો તહેનાત કરવામાં આવી છે.
આધ્યાત્મિક અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક
સ્વાભિમાન પર્વ એ સોમનાથની હજારો વર્ષોની અતૂટ આધ્યાત્મિક ચેતનાનું પ્રતીક છે. ઇતિહાસના અનેક પડકારો છતાં અડગ રહેલું આ મંદિર ભારતની સંસ્કૃતિ અને સ્વાભિમાનનું જીવંત સાક્ષી છે. આ મહોત્સવ દ્વારા ભારતની અખંડ પરંપરાને નવી ઊર્જા સાથે જનમાનસ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સોમનાથ પર હુમલાનાં એક હજાર વર્ષ
ઐતિહાસિક મહત્ત્વ અને ઉદ્દેશ આ પર્વનો મુખ્ય ઉદ્દેશ સોમનાથ મંદિરના 1000 વર્ષના સંઘર્ષ અને વિજયની ગાથાને યાદ કરવાનો છે. જાન્યુઆરી 1026માં થયેલા પ્રથમ આક્રમણ બાદ સોમનાથ વારંવાર લૂંટાયું અને તોડવામાં આવ્યું, તેમ છતાં ભારતીય સંસ્કૃતિના સ્વાભિમાનના પ્રતીક તરીકે એ દર વખતે વધુ ભવ્ય રીતે પુનઃનિર્મિત થયું. આ પર્વ એ અજેય શક્તિ અને શ્રદ્ધાની ઉજવણી છે.
વડાપ્રધાનની વિશેષ ઉપસ્થિતિ અને પૂજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 અને 11 જાન્યુઆરી દરમિયાન સોમનાથની મુલાકાતે રહેશે. 11 જાન્યુઆરીના રોજ તેઓ વહેલી સવારે સોમનાથ મહાદેવનાં દર્શન કરી જળાભિષેક, ધ્વજા પૂજા અને સોમેશ્વર મહાપૂજા જેવી વૈદિક વિધિઓ સંપન્ન કરશે. ત્યાર બાદ તેઓ સદભાવના ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ જનસભાને સંબોધન કરશે.