Loading...

રાજકોટમાં દોઢ કલાકમાં ભૂકંપના 6 આંચકા:ઉપલેટાથી 27-30 કિલોમીટરના અંતરે કેન્દ્ર બિંદુ નોંધાયા

રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગઇકાલ સાંજથી અત્યાર સુધી સાત જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં 6 આંચકા અનુભવાતા જેતલસર, પેઢલા અને સરધારપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ફેલાયો હતો. જોકે, જાનહાનિના કોઈ સમાચાર ન હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

દોઢ કલાકમાં છ આંચકા નોંધાયા

ગઇકાલે સાંજે 4 વાગ્યાને 43 મિનિટે પહેલો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ ઉપલેટાથી 30 કિલોમીટર દૂર નોંધાયું હતું. જ્યારે આજે વહેલી સવારે છ વાગ્યાથી સાડા સાત વાગ્યા સુધીમાં દોઢ કલાકમાં છ આંચકા નોંધાતા લોકોના જીવ અધ્ધ થઇ ગયા છે. આ તમામ આંચકાનું કેન્દ્ર બિંદુ ઉપલેટાથી 27થી 30 કિલોમીટરના અંતરે નોંધાયા છે. જ્યારે તીવ્રતા 3.5 થી 3.8ની હોવાનું જાણવા મળ્યું છે.

લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો

વહેલી સવારથી ઉપરા ઉપરી ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ખાસ કરીને જેતલસર, પેઢલા અને સરધારપુર સહિતના આસપાસના ગામોમાં ધરતી ધ્રૂજી હોવાનો અહેસાસ થયો હતો. બે હજારની સાલના ભૂકંપના પુનરાવર્તન થાય તેવી લોકોમાં દહેશત વ્યાપી છે.

વાસણો ખખડવાનો અવાજ સંભળાયો

સ્થાનિકોએ જણાવ્યું કે, ગઇકાલે રાત્રે અને આજે વહેલી સવારથી ઉપરાઉપરી ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. મકાનોની બારીઓ અને વાસણો ખખડવાનો અવાજ પણ સંભળાયો હતો.

જાનહાનિના કોઈ સમાચાર નહીં

સદનસીબે, અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી.તંત્ર દ્વારા તલાટીઓ અને સરપંચોને પોતાના વિસ્તારમાં તપાસ કરવા સૂચના આપી દેવામાં આવી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.