હિમાચલમાં ખીણમાં ખાબકી બસ, 12નાં મોત:બાળકી સહિત 33 ઈજાગ્રસ્ત, બસના ફુરચા ઉડી ગયા
હિમાચલ પ્રદેશના સિરમૌરમાંએક પ્રાઇવેટ બસ 200 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા હતા. 33 મુસાફરો ઘાયલ છે. જેમાં એક બાળકી સહિત 4ની હાલત નાજુક છે. બાળકીને નાહન અને અન્ય ત્રણને IGMC શિમલા રિફર કર્યા છે.
સિરમૌરના DC પ્રિયંકાએ જણાવ્યું કે, પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માત બસ સ્કીડ થવાને કારણે થયો હોવાનું જણાઈ રહ્યું છે. બસમાં 45 મુસાફરો સવાર હતા, જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા.
પોલીસ આ મામલે તપાસમાં લાગી ગઈ છે. મૃતકોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. આ અકસ્માત બપોર પછી પોણા 3 વાગ્યે સિરમૌરના હરિપુરધાર બજારથી લગભગ 100 મીટર પહેલા થયો હતો. બસમાં કુપવી (શિમલા) અને હરિપુરધાર વિસ્તાર (સિરમૌર)ના લોકો સવાર હતા.
શિમલાથી કુપવી જઈ રહી હતી પ્રાઇવેટ બસ
જીત કોચ બસ શિમલાથી સોલન અને સિરમૌર થઈને કુપવી જઈ રહી હતી. શિમલા શહેરથી સવારે 7:30 વાગ્યે બસ રવાના થઈ હતી. કુપવીથી 28 કિલોમીટર પહેલા જ બસ નીચે ખીણમાં પડી ગઈ. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કાર્યમાં લાગી ગયા. પોલીસ, પ્રશાસન અને આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી.
બસ નીચે 5 લોકો દટાયા હતા
બસ નીચે 5થી વધુ મુસાફરો દટાયા હતા. ગ્રામજનોએ બસને પલટાવીને બધાને બહાર કાઢ્યા. તેમાંથી ચાર મુસાફરોનું મોત થયું. ઘાયલોને બહાર કાઢવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. ઘટનાસ્થળ અને હરિપુરધાર હોસ્પિટલની બહાર સેંકડો લોકો એકઠા થયા.
બસના ફુરચા ઉડી ગયા, છત ચેસિસથી અલગ થઈ ગઈ
અકસ્માત બાદ બસ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ. બસના ફુરચા ઉડી ગયા. બસની છત ચેસિસથી અલગ થઈ ગઈ. પાછળના બંને ટાયર પણ બસમાંથી નીકળીને દૂર જઈને પડ્યા. ઘટના બાદ સ્થળ પર ચીસાચીસ મચી ગઈ.
નાહનથી પણ મેડિકલ ટીમ હરિપુરધાર હોસ્પિટલ મોકલાઈ
સિરમૌરના DC પ્રિયંકાએ જણાવ્યું કે બસમાં 45 મુસાફરો હતા. નાહનથી પણ મેડિકલ ટીમ હરિપુરધાર હોસ્પિટલ માટે મોકલી દેવામાં આવી છે. તેઓ પોતે અને SP પણ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે.
પ્રાઇવેટ વાહનોમાં ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા
SHO સંગડાહ પ્રીતમે જણાવ્યું કે ઘટનાસ્થળેથી કેટલાક લોકોએ પોતાના પ્રાઇવેટ વાહનોમાં ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા. કેટલાક ઘાયલોને હરિપુરધાર, રાજગઢ અને નાહનની હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
SDMએ કહ્યું- પ્રારંભિક તપાસમાં ધૂમ્મસને કારણે અકસ્માત
SDM સંગડાહ સુનીલ કાયથે જણાવ્યું કે જે જગ્યાએથી બસ રોડ પરથી બહાર પલટી છે, ત્યાં ધૂમ્મસ છવાયેલું હતું. તેના પરથી લાગી રહ્યું છે કે બસ ધૂમ્મસને કારણે લપસી ગઈ હશે. પરંતુ હજુ પાક્કાપાયે એવું કહી શકાય નહીં. તેમણે જણાવ્યું કે આ અકસ્માતની મેજિસ્ટ્રેટ તપાસ કરાવવામાં આવશે. તેમાં અકસ્માતના સાચા કારણો જાણી શકશે.
મુખ્યમંત્રીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું
મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ હરિપુરધાર બસ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. મુખ્યમંત્રીએ જિલ્લા તંત્રને નિર્દેશ આપ્યા કે મૃતકોના પરિવારજનોને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવે અને ઘાયલોની સારવાર સુનિશ્ચિત કરવામાં આવે.
બસની છત પર સવાર મુસાફરોનો વીડિયો વાઇરલ
સોશિયલ મીડિયામાં જીત કોચ બસની છત પર સવાર લોકોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. તેમાં મોટી સંખ્યામાં લોકો છત પર સવાર છે. પરંતુ તંત્રએ તેની સત્તાવાર પુષ્ટિ થઈ રહી નથી કે આ વીડિયો આજનો છે કે પહેલાનો વાઇરલ કરવામાં આવી રહ્યો છે. જોકે, એવું જણાવવામાં આવી રહ્યું છે કે હરિપુરધાર બજાર પહોંચતા પહેલા જ ડ્રાઈવર-કંડક્ટરે 10 લોકોને ચલણના ડરથી ઉતારી દીધા હતા.
પોષ તહેવાર માટે ઘર જઈ રહ્યા હતા
શિમલાના કુપવી વિસ્તારમાં પોષ તહેવાર ઉજવવામાં આવે છે, જે સંક્રાંતિ પહેલા આવે છે. આ જ કારણોસર સોલન અને શિમલામાં રહેતા લોકો પોતાના ગામ પરત ફરી રહ્યા હતા.