જિયો પોતાનો AI પ્લેટફોર્મ લોન્ચ કરશે:મુકેશ અંબાણી બોલ્યા- ગુજરાતમાં ₹7 લાખ કરોડનું રોકાણ કરશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ રવિવારે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પાંચ મોટી જાહેરાતો કરી છે. અંબાણીએ કહ્યું છે કે ટૂંક સમયમાં જિયોનું પીપલ-ફર્સ્ટ AI પ્લેટફોર્મ લોન્ચ થશે, જે ગુજરાતથી શરૂ થઈને દરેક નાગરિકને તેની પોતાની ભાષામાં AI સેવા આપશે.
આ સાથે જ રિલાયન્સ આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં ₹7 લાખ કરોડનું રોકાણ કરશે. તેમણે કહ્યું કે જામનગરમાં ભારતનું સૌથી મોટું AI-રેડી ડેટા સેન્ટર બનશે. અંબાણીએ ક્લીન એનર્જી અને ગ્રીન મટિરિયલ્સમાં ગુજરાતને ગ્લોબલ લીડર બનાવવાની વાત પણ કહી છે.
દરેક નાગરિકને પોતાની ભાષામાં AI સેવા મળશે
મુકેશ અંબાણીએ કહ્યું કે જિયો ભારતનું પહેલું પીપલ-ફર્સ્ટ AI પ્લેટફોર્મ લોન્ચ કરશે, જે ભારતમાં બન્યું છે, આ પ્લેટફોર્મ ગુજરાતથી શરૂ થશે. દરેક નાગરિકને પોતાની ભાષામાં, પોતાના ડિવાઇસ પર રોજ AI સેવા મળશે, જેનાથી લોકો વધુ કાર્યક્ષમતા અને ઝડપથી કામ કરી શકશે.
ત્યાં જામનગરમાં ભારતનું સૌથી મોટું AI-રેડી ડેટા સેન્ટર બની રહ્યું છે, જેનો હેતુ દરેક ભારતીયને સસ્તું AI ઉપલબ્ધ કરાવવાનો છે. અંબાણીએ ગુજરાતને AIનું પાયોનિયર બનાવવાનું વચન આપ્યું.
5 વર્ષમાં ₹7 લાખ કરોડનું રોકાણ થશે
રિલાયન્સ ગુજરાતની સૌથી મોટી રોકાણકાર કંપની છે. મુકેશ અંબાણીએ જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં ₹3.5 લાખ કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું. હવે આગામી પાંચ વર્ષમાં તેને બમણું કરીને ₹7 લાખ કરોડ કરવામાં આવશે. આ રોકાણ ગુજરાતના વિકાસને વેગ આપશે.
અંબાણીએ કહ્યું કે ગુજરાત રિલાયન્સ માટે માત્ર લોકેશન જ નહીં, પરંતુ બોડી, હાર્ટ અને સોલ છે. કંપની ગુજરાતી છે અને ગુજરાતના વિકાસમાં યોગદાન આપશે.
જામનગરથી ગ્રીન એનર્જી એક્સપોર્ટ, કચ્છ હબ બનશે
અંબાણીએ ક્લીન એનર્જી અને ગ્રીન મટિરિયલ્સમાં ગુજરાતને ગ્લોબલ લીડર બનાવવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે જામનગરમાં વિશ્વનો સૌથી મોટો ઇન્ટિગ્રેટેડ ક્લીન એનર્જી ઇકોસિસ્ટમ બની રહ્યો છે. તેમાં સોલર, બેટરી સ્ટોરેજ, ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન ફર્ટિલાઇઝર, સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ અને મેરીટાઇમ ફ્યુઅલનો સમાવેશ થાય છે.
જામનગર પહેલા હાઇડ્રોકાર્બન એનર્જી એક્સપોર્ટ કરતું હતું, હવે ગ્રીન એનર્જી અને મટિરિયલ્સનો સૌથી મોટો એક્સપોર્ટર બનશે. કચ્છને ગ્લોબલ ક્લીન એનર્જી હબ બનાવીશું. મલ્ટી-ગીગાવોટ સોલર પ્રોજેક્ટથી રાઉન્ડ-ધ-ક્લોક ક્લીન પાવર મળશે.
અંબાણીએ પીએમ મોદીના વખાણ કર્યા
ભારતમાં આટલો આત્મવિશ્વાસ પહેલાં ક્યારેય જોયો નથી' મુકેશ અંબાણીએ કાર્યક્રમમાં હાજર પીએમ મોદીના વખાણ કરતા કહ્યું કે, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં અમે આટલી આશા, આટલો આત્મવિશ્વાસ અને આટલી જીવંતતા ક્યારેય જોઈ નથી, જેટલી હવે જોઈ રહ્યા છીએ. તમારા વિઝને આગામી 50 વર્ષ માટે ભારતની દિશા નક્કી કરી દીધી છે.