આ દૃશ્યો જોઈ પાણીપુરી ખાવાનું બંધ કરી દેશો:સુરતમાં ગંદકી વચ્ચે બનતી પાણીપુરીના 20થી વધુ સ્થળો પર પાલિકાના દરોડા
સ્વાદના શોખીન સુરતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતા પાણીપુરી બનાવવાના એકમો પર આકસ્મિક દરોડા પાડીને મોટા પાયે ચાલી રહેલા ગંભીર બેદરકારીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પાંડેસરા અને રાંદેર જેવા વિસ્તારોમાં ગંદકીના સામ્રાજ્ય વચ્ચે તૈયાર થતી પાણીપુરીનો હજારો કિલો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે.
ગંદકી અને દુર્ગંધ વચ્ચે તૈયાર થતી હતી પાણીપુરી
પાલિકાની ટીમને મળેલી બાતમીના આધારે રાંદેર અને પાંડેસરાના આશાપુરી, ગોવાલક નગર અને ક્ષેત્રપાલ નગર જેવા ગીચ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. જે સ્થળોએ પાણીપુરી અને તેનો મસાલો તૈયાર કરવામાં આવતો હતો, ત્યાં ભારે અસ્વચ્છતા જોવા મળી હતી. અત્યંત દુર્ગંધ મારતી જગ્યાઓ પર ખુલ્લામાં બટેટા બાફવામાં આવતા હતા અને ગંદા પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો.
સડેલા બટેટા અને હાનિકારક તેલનો વપરાશ
આરોગ્ય વિભાગની કાર્યવાહી દરમિયાન અખાદ્ય સામગ્રી મળી આવી હતી. મસાલા માટે વપરાતા બટેટા સડી ગયેલા અને જીવાતવાળા જોવા મળ્યા હતા. પુરી તળવા માટે વારંવાર ગરમ કરેલા અને કાળા પડી ગયેલા તેલનો ઉપયોગ થતો હતો. પાણીપુરીનું તીખું પાણી બનાવવા માટે શુદ્ધતાના કોઈ ધોરણો જળવાતા નહોતા. પાલિકાની ટીમે તાત્કાલિક ધોરણે ૨૦થી વધુ સ્થળો પર કામગીરી બંધ કરાવી દીધી હતી. હજારો લિટર દૂષિત પાણીને ગટરમાં વહાવી દેવામાં આવ્યું હતું અને સડેલા બટેટા તેમજ ખરાબ પુરીનો કચરામાં નિકાલ કરવામાં આવ્યો હતો.
20થી વધુ સ્થળો પર તવાઈ
આરોગ્ય વિભાગે આશાપુરી અને ક્ષેત્રપાલ નગરમાં આવેલા પાણીપુરી બનાવવાના દુકાનો પર દરોડા પાડીને તમામ ચીજવસ્તુઓ જપ્ત કરી હતી. આ સ્થળો પર ખાદ્ય સલામતીના નિયમોના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. પાલિકાએ આ તમામ એકમોને નોટિસ ફટકારી છે અને દંડનીય કાર્યવાહી હાથ ધરી છે.
પાલિકાની કડક કાર્યવાહીની ચીમકી
આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર કોઈપણ તત્વોને છોડવામાં આવશે નહીં. જો આગામી દિવસોમાં પણ સ્વચ્છતાના નિયમોનું પાલન નહીં કરવામાં આવે, તો આ એકમોને કાયમી ધોરણે સીલ કરવાની અને લાયસન્સ રદ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવશે. રસ્તા પર મળતી પાણીપુરી કેટલી હદે જીવલેણ સાબિત થઈ શકે છે, તેનો આ જીવંત પુરાવો છે. તંત્ર દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ ખાણી-પીણીની વસ્તુઓની ગુણવત્તા બાબતે સજાગ રહે.