પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસના બે કેસ મળ્યા:કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- નેશનલ જોઈન્ટ આઉટબ્રેક રિસ્પોન્સ ટીમ બનાવી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ સોમવારે જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસના બે કેસ સામે આવ્યા છે. મંત્રીએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળને મદદ આપવા અને બીમારીને ફેલાતી અટકાવવા માટે, અમે તરત જ એક નેશનલ જોઈન્ટ આઉટબ્રેક રિસ્પોન્સ ટીમ બનાવી છે.
સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે વાત કરી છે. તેમને કહ્યું કે તેઓ પોતાની નિષ્ણાતોની ટીમને કેન્દ્ર સરકારની ટીમ સાથે મળીને કામ કરવા નિર્દેશ આપે.
નડ્ડાએ કહ્યું કે 11 જાન્યુઆરીએ આ મામલાઓની જાણકારી મળતા, કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અને સ્વાસ્થ્ય પ્રધાન સચિવ સાથે સ્થિતિ પર ચર્ચા કરી. પશ્ચિમ બંગાળને દરેક મદદ આપવાની ખાતરી આપી છે.
નડ્ડાએ કહ્યું- રાજ્ય સરકાર સાથે પ્રોટોકોલ શેર કર્યા
આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે અમે પશ્ચિમ બંગાળમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ પબ્લિક હાઇજીન, કોલકાતા, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણે અને અન્ય સંસ્થાઓના નિષ્ણાતોની ટીમ મોકલી છે.
નિપાહ વાયરસ રોગ અને ચેપી રોગો માટે અમારા પ્રોટોકોલ કેન્દ્ર સરકારના દિશાનિર્દેશો અનુસાર રાજ્યની ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ યુનિટ સાથે શેર કરવામાં આવ્યા છે.
નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટરને પણ એક્ટિવેટ કરી દેવામાં આવ્યું છે.
શું છે નિપાહ વાયરસ
WHO મુજબ, વર્ષ 1998માં મલેશિયાના સુંગાઈ નિપાહ ગામમાં પહેલીવાર નિપાહ વાયરસની ઓળખ થઈ હતી. આ ગામના નામ પરથી જ તેનું નામ નિપાહ પડ્યું. સામાન્ય રીતે આ વાયરસ ચામાચીડિયા અને ભૂંડથી ફેલાય છે.
જો આ વાયરસથી સંક્રમિત ચામાચીડિયું કોઈ ફળ ખાય છે અને તે જ ફળ કે શાકભાજી કોઈ મનુષ્ય કે પ્રાણી ખાય છે, તો તે પણ સંક્રમિત થઈ જાય છે.
નિપાહ વાયરસ ફક્ત પ્રાણીઓથી જ નહીં, પરંતુ એક સંક્રમિત વ્યક્તિથી બીજા વ્યક્તિમાં પણ ફેલાય છે. તે લાળ, લોહી અને શરીરના પ્રવાહીથી ફેલાઈ શકે છે.
નિપાહ વાયરસના લક્ષણો બે થી ત્રણ દિવસમાં દેખાવા લાગે છે. તેના શરૂઆતી લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થવા લાગે છે.