રોહિત-કોહલી રાજકોટમાં છેલ્લી મેચ રમશે!:મેચ પહેલાં પ્લેયર્સે નેટ્સમાં પરસેવો પાડ્યો; બુધવારે બીજી વન-ડેમાં રનનો વરસાદ જોવા મળી શકે
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી વન-ડે સિરીઝની બીજી મેચ 14 જાન્યુઆરીએ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ પર રમાવાની છે, જેના માટે બંને ટીમ સોમવારે જ રાજકોટ આવી પહોંચી હતી. આજે બપોરે ન્યૂઝીલેન્ડની ટીમ મેદાન પર નેટ પ્રક્ટિસ માટે પહોંચી હતી અને પરસેવો પાડ્યો હતો. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાંજે 5:30 વાગ્યે નેટ પ્રેકટિસ માટે આવશે.
રાજકોટના નિરંજનશાહ ક્રિકેટ સ્ટેડિયમની વાત કરીએ તો અહીં અત્યારસુધીમાં ચાર વન-ડે મેચ રમાઈ ચૂકી છે, જેમાં ટીમ ઈન્ડિયાની એકમાં જીત જ્યારે ત્રણમાં હાર થઈ છે. અહીં બેટિંગ પીચ હોઈ, 14મી જાન્યુઆરીએ રમાનારી વન-ડે મેચમાં રનનો વરસાદ જોવા મળી શકે છે. રાજકોટના મેદાન પર રોહિત અને કોહલની સંભવિત અંતિમ વન-ડે મેચ હોય શકે છે.
ન્યૂઝીલેન્ડની ટીમ પહેલીવાર રાજકોટમાં વન-ડે રમશે
ભારત ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં વડોદરા ખાતે પ્રથમ મેચમાં ભારતની ભવ્ય જીત થઇ છે અને હવે આવતીકાલે બીજી વન-ડે મેચ રાજકોટમાં નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહી છે. ત્યારે ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ વખત રાજકોટમાં વન-ડે મેચ રમવા માટે મેદાનમાં ઊતરવાની છે અને ભારતની ટીમના 8 ખેલાડી અગાઉ પણ આ મેદાન પર મેચ રમી ચૂક્યા છે ત્યારે આવતીકાલની મેચમાં ભારતની જીત થાય છે કે પછી અગાઉના સ્કોર મુજબ વન-ડે મેચ ભારત માટે અનલક્કી બની રહેશે એ જોવું મહત્ત્વનું રહેશે.
14મી જાન્યુઆરીની મેચ પૂર્વે આજે ટીમે નેટ પ્રકટિસ કરી
રાજકોટ જામનગર રોડ પર ખંઢેરી ગામ સ્થિત નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ પર આવતીકાલે 14 જાન્યુઆરીના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી વન-ડે મેચને લઈ આજે બપોરના 1.30 વાગ્યે ન્યૂઝીલેન્ડ ટીમ નેટ પ્રેક્ટિસ શરૂ કરી છે, જેમાં માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, વિલ યંગ, ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, મિચેલ હે (વિકેટકીપર), ઝાકરી ફોલ્કેસ, ક્રિશ્ચિયન ક્લાર્ક, કાઇલ જેમીસન અને આદિત્ય અશોક સહિતના ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા નજરે પડ્યા હતા.
ટીમ ઈન્ડિયા નેટ પ્રકેટિસ માટે સાંજે મેદાનમાં ઊતરશે
જયારે સાંજના 5.30 વાગ્યે ભારતની ટીમ નેટ પ્રેક્ટિસ કરવાની છે, જેમાં શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, અર્શદિપ સિંહ, મોહમ્મદ સિરાજ, અને પ્રસિદ્ધ ક્રિષ્ના સહિતના ખેલાડીઓ નેટ પ્રેક્ટિસ કરવા મેદાન પર પહોંચશે. રિષભ પંત બાદ વોશિંગ્ટન સુંદર પણ ઈજાગ્રસ્ત થતાં તે પણ રાજકોટમાં આવતીકાલની મેચ રમી શકશે નહી. જ્યારે પંતની જગ્યાએ ધ્રુવ જુરેલને સ્થાન આપવામાં આવ્યું છે, જેણે તાજેતરમાં જ રાજકોટ ખાતે રમાયેલી વિજય હઝારે ટ્રોફીમાં કુલ 7 મેચમાં ચાર ફિફટી અને બે સદી મદદથી 558 રન બનાવ્યા હતા, જેમાં બે સદીમાં એક વખત 160 અને બીજી વખત 123 રન બનાવ્યા હતા.
રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અત્યારસુધીમાં 13 ઈન્ટરનેશનલ મેચ રમાઈ
અત્યારસુધીમાં રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કુલ 13 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે, જેમાં 3 ટેસ્ટ, 6 T-20 અને 4 વન-ડેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જાન્યુઆરી 2025માં પ્રથમ વખત ભારતની વુમન્સ ટીમ પણ રાજકોટની મહેમાન બની હતી અને નવેમ્બર 2025માં ઈન્ડિયા-A અને સાઉથ આફ્રિકા-A ટીમ પણ રાજકોટની મહેમાન બની હતી અને 3 વન-ડે મેચની સિરીઝ નિરંજન શાહ સ્ટેડિયમમાં રમી હતી.
અત્યારસુધી રાજકોટમાં કુલ ચાર વન-ડે મેચ રમાઈ છે, જેમાં ઓસ્ટ્રેલિયા સામે બે અને સાઉથ આફ્રિકા તેમજ ઇંગ્લેન્ડ સામે એક-એક મેચ રમાઈ છે, જે ચાર મેચ પૈકી માત્ર ઓસ્ટ્રેલિયા સામેની એક જ વન-ડે મેચમાં ભારતની જીત થવા પામી છે અને બાકીની ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.