ઉત્તરાયણ ‘ઠંડી’:અમદાવાદમાં સવારથી ધાબા ખાલીખમ, અમિત શાહ કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવશે
અમદાવાદમાં ઉત્તરાયણ ‘ઠંડી’ જોવા મળી રહી છે. સવારે ઠંડીના માહોલ વચ્ચે ધાબાઓ પર એકલ-દોકલ લોકો જ જોવા મળી રહ્યા છે. બપોર બાદ માહોલ જામશે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે 14 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરશે. ગૃહમંત્રી ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવતી નારણપુરા વિધાનસભામાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવશે. ગૃહમંત્રી સવારે જગન્નાથ મંદિર ખાતે દર્શન અને આરતી કરશે ત્યાર બાદ નારણપુરા વિધાનસભામાં નવા વાડજ, અખબારનગર અને નારણપુરા એમ ત્રણ જગ્યાએ પતંગ ચગાવશે.
જગન્નાથ મંદિરે દર્શન કર્યા બાદ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 14 જાન્યુઆરીના રોજ સવારે જગન્નાથ મંદિર ખાતે દર્શન અને ગૌ પૂજા કરશે અને જગન્નાથ મંદિરથી નારણપુરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રિડેવલોપમેન્ટ કરવામાં આવનારા સુર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2નું ખાતમુહૂર્ત કરશે. જે બાદ નારણપુરા વિસ્તારમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ પાસે આવેલા અર્જુન ગ્રીન ફ્લેટ્સમાં કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો સાથે પતંગ ચગાવશે. બપોરે અખબારનગર મીર્ચી ગ્રાઉન્ડ ખાતે આવેલા આસ્થા ઓપલ એપાર્ટમેન્ટમાં સાંજે નવા વાડજ અભિષેક એપાર્ટમેન્ટ ખાતે કાર્યકર્તાઓ અને ફ્લેટના રહીશો સાથે પતંગ ચગાવશે.
વડોદરામાં સવારથી પવનની ગતિ ધીમી હોવાથી પતંગરસિકો નિરાશ
વડોદરામાં સવારથી પવનની ગતિ ધીમી હોવાથી પતંગરસિકો નિરાશ જોવા મળી રહ્યા છે. વડોદરાના ધાબાઓ ખાલીખમ જોવા મળી રહ્યા છે. કેટલાક પતંગરસિકો ધાબા પર જોવા મળ્યા, પરંતુ તેમનો પતંગ ચડતો નથી. બપોર સુધીમાં પવનની ગતિ વધી શકે છે.