Loading...

સ્વાદપ્રિય સુરતીઓ 45 કરોડનું ઊંધિયું ઝાપટશે:પતંગ સાથે ઊંધિયાના ભાવ પણ ચગ્યા, કિલોએ 100 રૂપિયાનો વધારો

સુરતમાં ઉત્તરાયણની ઉજવણી પતંગોની પેચબાજી જેટલી જ ખાણી-પીણી માટે જાણીતી છે. આ વર્ષે સુરતીઓએ મોંઘવારીને બાજુ પર મૂકીને ઊંધિયાના સ્વાદને પ્રાધાન્ય આપ્યું છે. વહેલી સવારના 6 વાગ્યાથી જ શહેરના અડાજણ, વરાછા, કતારગામ અને વેસુ જેવા વિસ્તારોમાં ફરસાણની દુકાનો પર લાંબી કતારો જોવા મળી હતી. આ વર્ષે સુરતીઓ અંદાજે 45 કરોડ રૂપિયાથી વધુનું ઊંધિયું આરોગી જશે તેવો અંદાજ છે. ગત વર્ષે આ આંકડો 30 કરોડની આસપાસ હતો, જે આ વખતે ભાવવધારા અને વધતી માંગને કારણે નવી સપાટી વટાવશે.

'રસોડાને રજા' અને ‘ઊંધિયાની મજા’ '

સુરતીઓ માટે ઉત્તરાયણ એટલે 'રસોડાને રજા' અને 'ઊંધિયાની મજા'. આ પરંપરાને જાળવી રાખવા માટે લોકો કિલો દીઠ વધારાના 100-150 રૂપિયા ચૂકવવા પણ તૈયાર દેખાઈ રહ્યા છે. ઊંધિયું બનાવવા માટે જરૂરી એવા ખાસ શાકભાજીના ભાવમાં છેલ્લા 2 દિવસમાં અધધ વધારો થયો છે. સુરત એપીએમસી માર્કેટમાં રતાળુ, સુરતી પાપડી, શક્કરિયા અને રીંગણની આવક હોવા છતાં માંગ 5 ગણી વધી ગઈ છે. સામાન્ય દિવસોમાં જે રતાળુ કે પાપડી વ્યાજબી ભાવે મળતા હતા, તેના ભાવ અત્યારે આસમાને પહોંચ્યા છે.

'ઊંધિયું કિલો દીઠ 40થી 150 રૂપિયા મોંઘું'- વેપારી

વેપારીઓના જણાવ્યા મુજબ, પાપડી અને રતાળુના જથ્થાબંધ ભાવમાં થયેલા વધારાની સીધી અસર તૈયાર ઊંધિયાના ભાવ પર પડી છે. આ કાચા માલની કિંમત વધવાને કારણે ગ્રાહકોને આ વર્ષે ઊંધિયું કિલો દીઠ 40થી 150 રૂપિયા મોંઘું પડી રહ્યું છે, છતાં પણ સુરતીઓના ઉત્સાહમાં કોઈ જ ઓટ જોવા મળી રહી નથી.

સૌથી મોંઘું 'ફરાળી ઊંધિયું' માર્કેટમાં વેચાઈ રહ્યું છે

આ વર્ષે સુરતના બજારમાં ઊંધિયાના અલગ-અલગ પ્રકારો અને તેના ભાવમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. સામાન્ય સુરતી ઊંધિયું, જેમાં પાપડી, રતાળુ, રવૈયા અને મુઠિયાનો ઉપયોગ થાય છે, તેનો ભાવ પ્રતિ કિલો 550થી 600 રૂપિયા સુધી પહોંચ્યો છે. જો તમે જૈન ઊંધિયું પસંદ કરો છો, જેમાં કંદમૂળ નથી હોતું, તો તેનો ભાવ 550થી 650 રૂપિયાની વચ્ચે છે. સૌથી મોંઘું 'ફરાળી ઊંધિયું' વેચાઈ રહ્યું છે, જેનો ભાવ 550 થી શરૂ કરીને 700 રૂપિયા પ્રતિ કિલો સુધી વસૂલવામાં આવી રહ્યો છે. ફરાળી ઊંધિયામાં વપરાતું સૂરણ, રાજગરાનો લોટ અને ડ્રાયફ્રૂટ્સ જેવી સામગ્રીને કારણે તેના ભાવ અન્ય કરતા વધુ ઊંચા રહે છે.

8 લાખ કિલો ઊંધિયાના તોતિંગ વેચાણનો અંદાજ

સુરત શહેરમાં નાની-મોટી અંદાજે 5,000 જેટલી ફરસાણની દુકાનો આવેલી છે. એક સર્વે મુજબ, દરેક દુકાને સરેરાશ 100થી 150 કિલો ઊંધિયાનું વેચાણ થાય છે. આ ગણતરીએ સમગ્ર સુરતમાં માત્ર એક જ દિવસમાં આશરે 8 લાખ કિલો ઊંધિયાનું વેચાણ થવાનો અંદાજ છે. આ આંકડો દર્શાવે છે કે સુરતનું અર્થતંત્ર ઉત્તરાયણના દિવસે માત્ર પતંગ અને દોરા પર જ નહીં, પરંતુ ખાદ્યબજાર પર પણ મોટાપાયે નિર્ભર છે. 35થી 45 કરોડનો આ આર્થિક વહીવટ સાબિત કરે છે કે મોંઘવારી ગમે તેટલી હોય, પણ સુરતીઓ પોતાની પરંપરાગત જયાફત માણવામાં ક્યાંય પાછા પડતા નથી.

કિંમત કરતા ક્વોલિટી પર સુરતીઓનો ભાર

સુરતની જનતા હંમેશા ક્વોલિટીની આગ્રહી રહી છે. બજારમાં ઓછા ભાવે પણ ઊંધિયું મળતું હોય છે, પરંતુ સુરતીઓ નામી બ્રાન્ડ્સ અને જૂના ભરોસાપાત્ર વેપારીઓને ત્યાં જ લાઈન લગાવે છે. લોકોનું માનવું છે કે વર્ષમાં એક જ વાર આવી રીતે સહપરિવાર ઊંધિયું ખાવાનો લ્હાવો મળે છે, તો પછી 20-50 રૂપિયા બચાવવા માટે સ્વાદ સાથે બાંધછોડ ન કરવી જોઈએ. આ માનસિકતાને કારણે જ પ્રખ્યાત દુકાનો પર ટોકન સિસ્ટમ હોવા છતાં લોકો કલાકો સુધી રાહ જોતા જોવા મળે છે. ઊંધિયાની સાથે શુદ્ધ ઘીની જલેબી અને ગરમાગરમ પૂરીના ભાવ પણ આ વર્ષે 10થી 20 ટકા વધ્યા હોવા છતાં ડિમાન્ડમાં કોઈ ઘટાડો થયો નથી.

ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઊંધિયાનો ક્રેઝ અને ભાવ

માત્ર સુરત શહેર જ નહીં, પણ આસપાસના કામરેજ, પલસાણા અને ઓલપાડ જેવા વિસ્તારોમાં પણ ઊંધિયાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં શાકભાજી સીધા ખેતરમાંથી આવે છે, ત્યાં પણ મજૂરી અને મસાલાના ભાવ વધતા ઊંધિયું 400થી 500 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે. સુરતના પ્રખ્યાત 'માટલા ઊંધિયા' (ઉબાડિયું)ની માંગ પણ આ વર્ષે ભારે રહી છે. ઉબાડિયાના ભાવ પણ 450થી 550 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે. શહેરની મોંઘી હોટલોથી લઈને હાઈવે પરના લારી-ગલ્લા સુધી, દરેક જગ્યાએ ઊંધિયાના વેપારમાં તેજી જોવા મળી રહી છે.