Loading...

અમદાવાદમાં એકાએક ઠંડીનો ચમકારો, 5.3 ડિગ્રી પારો ગગડ્યો:નલિયા 5 ડિગ્રી સાથે સૌથી ઠંડું

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં જાણે કાશ્મીર પહોંચી ગયા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતથી લઈને કચ્છ-સૌરાષ્ટ્ર સુધી હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાનમાં 3થી 7 ડિગ્રી સેલ્સિયસ સુધીનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને કચ્છના નલિયામાં પારો ગગડીને 5 ડિગ્રી પર પહોંચતા તે સિઝનનું સૌથી ઠંડું સ્થળ બન્યું છે.

જ્યારે અમદાવાદમાં 22 તારીખે લઘુતમ તાપમાન 17.8 ડિગ્રી સેલ્સિયસ હતું, જે છેલ્લા 24 કલાકમાં ઘટીને 12.5 ડિગ્રી સેલ્સિયસ થયું છે. એટલે કે શહેરમાં સીધો 5.3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. ઉત્તરમાં થયેલી હિમવર્ષા અને ફૂંકાતા ઠંડા પવનોને કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને લોકો ગરમ કપડાંના સહારે જોવા મળી રહ્યા છે.

આગામી એકાદ દિવસ સુધી ઠંડી યથાવત્ રહેવાની શક્યતા

હવામાન વિભાગના અનુમાન મુજબ, ઉત્તરથી આવતી ઠંડી હવા અને પવનની ગતિને કારણે આગામી એકાદ દિવસ સુધી ઠંડી યથાવત્ રહેવાની શક્યતા છે. વહેલી સવાર અને મોડી રાતે લોકોમાં ઠંડીની અસર વધુ અનુભવાઈ રહી છે.

ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો, લોકો ગરમ કપડાંના સહારે

હવામાન નિષ્ણાંત એ.ટી દેસાઈના જણાવ્યા અનુસાર, રાજ્યભરમાં અત્યારે કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 5થી 9 ડિગ્રી સેલ્સિયસનો મોટો ઘટાડો નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે. સમગ્ર ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો છે. લોકો ગરમ કપડાંના સહારે જોવા મળી રહ્યા છે. ઉત્તરમાં થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હિમવર્ષાને કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં છે. હવામાં ભેજનું પ્રમાણ ઘટતા ઠંડીનું જોર વધ્યું છે. આગામી 24 અને 25 જાન્યુઆરીએ આ ઠંડી હજુ પણ જળવાઈ રહેશે.

28-29 જાન્યુઆરી બાદ ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થશે

ઠંડીનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે થયેલા સ્નોફોલ અને ઠંડા પવનો છે. તાપમાનમાં રાજ્યના વિવિધ ભાગોમાં 5થી 9ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. આગામી દિવસોમાં 26 જાન્યુઆરીથી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાન થોડું વધશે અને ઠંડીમાં કામચલાઉ રાહત મળશે. ઠંડીનો બીજો રાઉન્ડ 28-29 જાન્યુઆરી બાદ ફરી એકવાર શરૂ થવાની શક્યતા છે. આમ, 26 જાન્યુઆરીથી બે-ત્રણ દિવસ માટે ઠંડીમાં થોડો ઘટાડો જોવા મળશે, પરંતુ જાન્યુઆરીના અંતમાં ફરી એકવાર ઠંડી પોતાનું જોર બતાવશે.