અજિત પવારના પ્લેનનું બ્લેક બોક્સ મળ્યું:તેમાં ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડર; અકસ્માતનું કારણ જાણી શકાશે
મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવાર જે લેયરજેટ-45 ચાર્ટર પ્લેનમાં સવાર હતા, તેનું બ્લેક બોક્સ અકસ્માતના એક દિવસ પછી ગુરુવારે મળી આવ્યું છે. સિવિલ એવિએશન મંત્રાલય (MoCA)એ તેની પુષ્ટિ કરી છે. બ્લેક બોક્સમાં ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડર છે.
તેની તપાસ કરવામાં આવશે જેથી અકસ્માતના કારણો જાણી શકાય. સિવિલ એવિએશન મંત્રાલયે જણાવ્યું કે દિલ્હીથી એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) અને મુંબઈ સ્થિત DGCAની ટીમો ઘટનાસ્થળે ગઈ હતી.
લેન્ડિંગ દરમિયાન અજિત પવારનું પ્લેન ક્રેશ થયું હતું
અજિત પવારનું વિમાન બુધવારે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું. આ દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી, તેમના પર્સનલ સિક્યુરિટી ઓફિસર, એક એટેન્ડન્ટ, પાઇલટ-ઇન-કમાન્ડ સુમિત કપૂર અને ફર્સ્ટ ઓફિસર શંભાવી પાઠક, કુલ 5 લોકોના મોત થયા.
અજિત પવાર VSR વેન્ચર્સ કંપનીના લેયરજેટ 45 વિમાનમાં સવારે 8:10 વાગ્યે મુંબઈથી રવાના થયા હતા. લગભગ 8:45 વાગ્યે વિમાન ક્રેશ થયું. પવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા તેમના વતન બારામતીમાં ચાર ચૂંટણી રેલીઓને સંબોધિત કરવાના હતા.