લોકસભામાં આર્થિક સર્વે રજૂ કરાયો:PMએ કહ્યું, સરકારની ઓળખ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ, યુરોપિયન બજાર ખૂલવાથી મેન્યુફેક્ચરર માટે તકો
ગુરુવારે પ્રશ્નકાળ પૂર્ણ થયા બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આર્થિક સર્વે રજૂ કર્યો. નાણાકીય વર્ષ 2027 માટે ભારતના GDP ગ્રોથનો અપર રેન્જ અંદાજ 7.2% છે અને લોઅર રેન્જ અંદાજ 6.8% લગાવવામાં આવ્યો છે. GDPમાં તેજી પાછળ મજબૂત સ્થાનિક માંગને મુખ્ય પરિબળ માનવામાં આવે છે. તેમજ, પહેલીવાર, આર્થિક સર્વેક્ષણમાં AI પર એક અલગ ચેપ્ટર છે, જેનો અર્થ એ છે કે સરકાર આગામી દિવસોમાં સંપૂર્ણપણે નવી ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આર્થિક સર્વે રજૂ કર્યો
આર્થિક સર્વેમાં શું ખાસ છે?
- આ વર્ષે, આર્થિક સર્વેક્ષણમાં કુલ 16 પ્રકરણો છે.
- AI માટે એક અલગ પ્રકરણ રાખવામાં આવ્યું છે.
- નાણાકીય વર્ષ 2027 માટે GDP ગ્રોથનો અપર રેન્જનો અંદાજ 7.2 ટકા છે અને લોઅર રેન્જનો અંદાજ 6.8 ટકા છે.
- આર્થિક સર્વેમાં ખાસ કરીને સોના અને ચાંદીનો ઉલ્લેખ છે.
- નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વર્ષનો આર્થિક સર્વે રજૂ કર્યો.
18મી લોકસભાના બજેટસત્રના બીજા દિવસે પીએમ મોદીએ કહ્યું, "નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનાં પ્રથમ મહિલા નાણામંત્રી છે, જે સતત નવમી વખત સંસદમાં બજેટ રજૂ કરશે. બજેટસત્ર ખૂબ જ સકારાત્મક રીતે શરૂ થયું છે."
મોદીએ કહ્યું, “એક આત્મવિશ્વાસપૂર્ણ ભારત આશાનું કિરણ અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે એક કરાર થયો છે. મને વિશ્વાસ છે કે ભારતીય મેન્યુફેક્ચરર આ તકનો ઉપયોગ તેમની ક્ષમતાઓને વિસ્તૃત કરવા માટે કરશે.”
પીએમ મોદીએ ગુરુવારે કહ્યું, "અમારી સરકારની ઓળખ રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મ રહી છે. હવે અમે રિફોર્મ એક્સપ્રેસ પર આગળ વધી રહ્યા છીએ." રાષ્ટ્રપતિએ સત્રની શરૂઆતમાં સાંસદો પાસેથી પોતાની અપેક્ષાઓ વ્યક્ત કરી. મને ખાતરી છે કે સાંસદો તેને ગંભીરતાથી લેશે." તેમણે કહ્યું હતું કે આ સત્ર ખૂબ જ મહત્ત્વપૂર્ણ સત્ર છે. 21મી સદીનો એક ક્વાર્ટર વીતી ગયો છે. આ બીજા ક્વાર્ટરની શરૂઆત છે.
2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે મહત્ત્વપૂર્ણ 25 વર્ષ શરૂ થઈ ગયાં છે. એક દિવસ પહેલાં બુધવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સેન્ટ્રલ હોલમાં બંને ગૃહોને સંયુક્ત રીતે સંબોધન કર્યુ હતું.
18મી લોકસભાના બજેટસત્રનો ગુરુવારે બીજો દિવસ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ 2026-27 રજૂ કરશે. આ પહેલાં આજે સંસદમાં ઇકોનોમિક સર્વે રજૂ કરવામાં આવશે.
આજે પણ હોબાળો થવાની શક્યતા
સંસદના બજેટસત્રમાં આજે પણ હોબાળો થવાની શક્યતા છે. વિપક્ષે પાછલાં બે સત્રો (ચોમાસુ અને શિયાળુ)માં મતદારયાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર ચર્ચા અને MGNREGA સ્કીમની જગ્યાએ આવેલા VB-G RAM G કાયદાનો વિરોધ કરતાં હોબાળો કર્યો હતો.
સૂત્રો અનુસાર, વિપક્ષ આ સત્રમાં પણ SIR, VB-G RAM G કાયદા સહિત ભારત પર US દ્વારા લાદવામાં આવેલા ટેરિફ, ફોરેન પોલિસી, વાયુ-પ્રદૂષણનો મુદ્દો, અર્થતંત્ર, ટીનેજર્સ માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ જેવા મુદ્દાઓ પર ચર્ચાની માગ કરશે.
સત્રમાં આ બિલ પર ચર્ચા શક્ય
લોકસભામાં 9 બિલ પેન્ડિંગ છે, જેમાં વિકસિત ભારત શિક્ષણ અધિષ્ઠાન વિધેયક 2025, પ્રતિભૂતિ બજાર સંહિતા 2025 અને સંવિધાન (129મો સુધારો) વિધેયક 2024 સામેલ છે. આ બિલોની હાલમાં સંસદીય સ્થાયી અથવા પ્રવર સમિતિઓ તપાસ કરી રહી છે.